ભારતીય હૉકી ટીમે પરાજય માટે અમ્પાયરોને ગણાવ્યા જવાબદાર

24 December, 2018 05:24 PM IST  | 

ભારતીય હૉકી ટીમે પરાજય માટે અમ્પાયરોને ગણાવ્યા જવાબદાર

પરાજયની સમીક્ષા: ગુરુવારે નેધરલૅન્ડ્સ સામેની મૅચ હાર્યા બાદ ભારતીય ટીમ.

યજમાન ટીમે મૅચના છેલ્લા ક્વૉર્ટરમાં ડિફેન્ડર અમિત રોહિદાસને યલો કાર્ડ બતાવવાના અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. યલો કાર્ડ બતાવવાને કારણે રોહિદાસને પાંચ મિનિટ માટે મેદાનની બહાર જવું પડ્યું હતું ત્યારે ભારતીય ટીમ ૧૦ ખેલાડીઓ સાથે રમી હતી. ભારતે ગોલકીપર પી. આર. શ્રીજેશને બહાર કરીને એક વધારાના ખેલાડીને અંદર લીધો હતો.

ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં હું ભારતના લોકોની માફી માગું છું, કારણ કે અમે તેમને અપેક્ષા મુજબનું પરિણામ ન આપી શક્યા. જોકે અમ્પાયરોની ભૂલોને કારણે આ વર્ષે અમને બે મહત્વની ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અમારે હાર સ્વીકારવી રહી, પરંતુ ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશને પણ કેટલાક ડિપાર્ટમેન્ટમાં સુધારો કરવો પડશે. તમે અહંકારી થઈને અમ્પાયરિંગ ન કરી શકો. ખેલાડી અને કોચ એક ટુર્નામેન્ટ માટે લાંબા સમયથી મહેનત કરતા હોય છે, પરંતુ એક ખોટો નિર્ણય તેમની ૪-૬ વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખે છે.’

hockey sports news