વેટલ યંગેસ્ટ હૅટ-ટ્રિકમૅન બનશે?

28 October, 2012 05:05 AM IST  | 

વેટલ યંગેસ્ટ હૅટ-ટ્રિકમૅન બનશે?



નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આવેલી બુદ્ધ ઇન્ટરનૅશનલ સર્કિટમાં ગયા વર્ષે કાર રેસિંગની F1 વર્લ્ડ ચૅમ્પિયનશિપનું સફળ આયોજન થયા પછી આજે ફરી એક વાર આ રેસ (સ્ટાર સ્પોર્ટ્સ પર બપોરે ૨.૦૦) યોજાઈ રહી છે. ઇન્ડિયન ગ્રાં પ્રિ તરીકે જાણીતી આ રેસ ગયા વર્ષે જીતનાર જર્મનીનો સેબાસ્ટિયન વેટલ આ વખતે પણ જબરદસ્ત ફૉર્મમાં છે. છેલ્લા થોડા દિવસો દરમ્યાન સિંગાપોર, જપાન અને સાઉથ કોરિયામાં F1 રેસ જીતીને ભારત આવેલા વેટલને આજે જીતીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કરવાનો સુવર્ણ મોકો છે.

વેટલ પચીસ વર્ષનો છે. જો તે ફરી આ ટાઇટલ જીતશે તો તેના જ દેશના રેસિંગ કાર-ડ્રાઇવર માઇકલ શૂમાકર અને ઇટલીના હુઆન મૅન્વેલ ફૅન્જિઓની બરાબરી કરશે. જોકે વેટલની ખાસિયત એ છે કે તેણે સૌથી યુવાન વયે સતત ત્રણ ટાઇટલ જીત્યા કહેવાશે.

કાર રેસિંગની સવોર્ચ્ચ સંસ્થા ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ઑટોમોબાઇલ (એફઆઇએ) દ્વારા દર વર્ષે F1ના સૌથી સફળ રેસિંગ કાર-ડ્રાઇવરને વર્લ્ડ ચૅમ્પિયનશિપની ટ્રોફી આપવામાં આવે છે. વેટલ ૨૦૧૦માં અને ૨૦૧૧માં આ ટાઇટલ જીત્યો હતો અને હવે તેને સતત ત્રીજા વર્ષે આ સિદ્ધિ મેળવવાનો મોકો છે. વેટલ જર્મનીનો છે અને વિશ્વના ટોચના કાર-ડ્રાઇવરોમાં તે ૨૧૫ પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે સ્પેનનો ફર્નાન્ડો અલૉન્સો ૨૦૯ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.

વેટલની સફળતાની તુલનામાં અલૉન્સો પણ ઘણો સફળ થઈ ચૂક્યો છે. તે ૨૦૦૫ અને ૨૦૦૬માં વર્લ્ડ ટાઇટલ જીત્યો હતો.

વેટલ રેડ બુલ રેનૉલ્ટ ટીમનો

કાર-ડ્રાઇવર છે, જ્યારે અલૉન્સો ફરારીની ટીમનો છે.

વેટલ અને અલૉન્સો ઉપરાંત ઑસ્ટ્રેલિયાનો માર્ક વેબર તેમ જ ઇંગ્લૅન્ડના લુઇસ હૅમિલ્ટન તથા જેન્સન બટન પણ આજની રેસ જીતવા માટે દાવેદાર છે. ગઈ કાલના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં વેટલ મોખરે હતો. ભારતનો નારાયણ કાર્તિકેયન છેક ૨૩મા સ્થાને હતો.

સોનાક્ષી-અજય ઉદ્ઘાટનમાં : સાનિયા-શોએબની પણ હાજરી


આજે બપોરે બે વાગ્યા પછી દિલ્હી નજીકની બુદ્ધ ઇન્ટરનૅશનલ સર્કિટમાં ઇન્ડિયન ગ્રાં પ્રિના ઉદ્ઘાટન વખતે ફિલ્મ-ઍક્ટર અજય દેવગન તથા ઍક્ટ્રેસ સોનાક્ષી સિંહા તેમ જ સાનિયા મિર્ઝા અને તેનો પતિ શોએબ મલિક હાજરી આપશે

ચેન્નઈનો આદિત્ય પટેલ એશિયન રેસમાં ત્રીજો


મૂળ ચેન્નઈનો ૨૪ વર્ષની ઉંમરનો રેસિંગ કાર-ડ્રાઇવર આદિત્ય પટેલ ગઈ કાલે બુદ્ધ ઇન્ટરનૅશનલ સર્કિટમાં જેકે રેસિંગ એશિયા સિરીઝ નામની સ્પર્ધાના અગિયારમા રાઉન્ડમાં ત્રીજો આવ્યો હતો. તે આ સર્કિટમાં યોજાઈ ગયેલી રેસોમાં પ્રથમ ત્રણ સ્થાને આવનાર પ્રથમ ભારતીય છે. ભારતનો જ અખિલ ખુશલાણી ચોથા નંબરે આવ્યો હતો. મલેશિયાના અફીક ઇખવાને આ રાઉન્ડ જીતી લીધો હતો.

આદિત્ય ભારતનો યંગેસ્ટ રેસિંગ કાર-ડ્રાઇવર છે. તેણે ગઈ કાલે ત્રીજા નંબરે આવીને વિશ્વના જુનિયર રેસ-ડ્રાઇવરોમાં પોતાનું સ્થાન ઑર મજબૂત કર્યું હતું.

F1 = ફૉમ્યુર્લા વન