થૂંક લગાવવામાં ન આવે અને બૉલ શાઇન ન મારે તો પણ ચિંતા નથી ઇશાન્ત શર્માને

19 May, 2020 12:09 PM IST  |  New Delhi | Agencies

થૂંક લગાવવામાં ન આવે અને બૉલ શાઇન ન મારે તો પણ ચિંતા નથી ઇશાન્ત શર્માને

ઇશાન્ત શર્મા

ઇન્ડિયન ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માનું કહેવું છે કે કોરોના વાઇરસ બાદ દરેક પ્લેયરે નવા નૉર્મલ ક્રિકેટ સાથે તાલમેલ બેસાડવો પડશે. કોરોના વાઇરસ બાદ જ્યારે ક્રિકેટ શરૂ થશે ત્યારે એમાં ઘણાં ચેન્જ કરવામાં આવશે. સૌથી મોટો બદલાવ બૉલને શાઇન કરવા માટે પ્લેયર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી થૂંક અથવા તો પરસેવા પર બેન મૂકવામાં આવે એ શક્ય છે. જોકે એ વિશે ઇશાન્તને કંઈ પડી નથી. આ વિશે ઇશાન્તનું કહેવું છે કે ‘આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ક્રિકેટમાં કેટલાક બદલાવ કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે મને લાગે છે કે ક્રિકેટના આ નવા નૉર્મલ ફૉર્મેટ સાથે પ્લેયર્સે તાલમેલ બેસાડવો પડશે. તમને થૂંકનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવે તો બની શકે કે તમારી ઇચ્છા મુજબ બૉલ શાઇન ન કરી શકે, કદાચ તમને નેટમાં પણ જાતે જ બૉલ નાખવા અને લેવાનું કહેવામાં આવે એ પણ શક્ય છે. આને માટે તમારી પાસે કોઈ ઑપ્શન નથી એટલે તમારે એનો સ્વીકાર કરવો જ રહ્યો.’

રિકી પૉન્ટિંગ મારા માટે અત્યાર સુધીનો બેસ્ટ કોચ છે : ઇશાન્ત

ઇશાન્ત શર્માનું કહેવું છે કે રિકી પૉન્ટિંગ અદ્ભુત કોચ છે. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કૅપિટલ્સમાં સાથે કામ કર્યું હતું. આ વિશે વાત કરતાં ઇશાન્ત શર્માએ કહ્યું હતું કે ‘રિકી પૉન્ટિંગ અત્યાર સુધીનો મેં જોયેલો બેસ્ટ કોચ છે. હું છેલ્લી સીઝનમાં જ્યારે આઇપીએલમાં કમબૅક કરી રહ્યો હતો ત્યારે ખૂબ જ નર્વસ હતો. કૅમ્પમાં હું પહેલા દિવસે ગયો ત્યારે ડેબ્યુ કરી રહ્યો હોય એવું મને લાગી રહ્યું હતું. જોકે પૉન્ટિંગે મને દિલ્હી કૅપિટલ્સમાં ખૂબ જ કૉન્ફિડન્સ આપ્યો હતો અને છેલ્લા દિવસ સુધી આપતો રહ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે હું સિનિયર પ્લેયર છું અને મારે યંગસ્ટર્સને મદદ કરવી જોઈએ. તું બધું ભૂલી જા, કારણ કે મારી પહેલી ચૉઇસ તું છે. તેમની સાથેની આ વાતચીતથી મને ખૂબ જ મદદ મળી હતી.’

ishant sharma cricket news sports news