ભારતીય બોલિંગ બેમિસાલ, ભવિષ્ય ઉજ્જવળ : ભરત અરુણ

25 November, 2021 05:34 PM IST  |  Mumbai | Harit Joshi

ટી૨૦ વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ રહી ચૂકેલા આ ભૂતપૂર્વ ભારતીય પ્લેયર અમુક પેસ બોલરો-સ્પિનરોથી ખૂબ પ્રભાવિત છે

ગઈ કાલે કાનપુરમાં પ્રૅક્ટિસ દરમ્યાન રવીન્દ્ર જાડેજા.  પી.ટી.આઇ.

ભારતીય બોલિંગ-ફોજનો છેલ્લાં સાત વર્ષનો સર્વશ્રેષ્ઠ તબક્કો મોટા ભાગે ભરત અરુણને આભારી છે. ભારતીય બોલિંગ-આક્રમણમાં પરિવર્તન લાવીને એને કાબેલ અને શક્તિશાળી તેમ જ પડકારરૂપ બનાવવામાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું છે. ૫૮ વર્ષના આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનો ટીમ ઇન્ડિયા સાથેના સંગાથનો ટી૨૦ વર્લ્ડ કપ બાદ અંત આવ્યો છે. તેમણે ચેન્નઈ પાછા આવ્યા બાદ ‘મિડ-ડે’ સાથે ભારતીય ટીમ સાથેના યાદગાર સમયકાળની શું વાતો કરી એ જાણીએ...
ભારતીય બોલિંગમાં સાતત્યતા કેવી રીતે લાવ્યા?
અમે બધું ઘણું સહેલાઈથી પાર પાડ્યું. તમામ બોલરો ખૂબ જ ટૅલન્ટેડ હતા અને પૂરતી કાબેલિયતવાળા હતા. જોકે, અત્યંત સારું રમવા અમારે કન્સિસ્ટન્સી લાવવાની જરૂર હતી જે અમે લાવ્યા. નેટ પ્રૅક્ટિસમાં બોલરો પોતપોતાના પ્લાન સાથે આવીને એનો સરસ રીતે અમલ કરતા એટલે હું તેમની પીઠ થાબડતો. એના પરથી તેમણે નેટમાં કેવું પર્ફોર્મ કર્યું એ હું તેમને સહેલાઈથી સમજાવી શક્તો હતો. જોકે, પ્રતિક્રિયા આપવામાં હું થોડી સખતાઈ વાપરતો જેનાથી તેઓ પોતાનામાં સુધારો લાવી શકતા હતા.
તમે સૌથી વધુ કયા બોલરથી પ્રભાવિત થયા હતા?
દરેકનું ઉત્તમ યોગદાન હતું એટલે કોઈ એકનું નામ આપવું મુશ્કેલ છે. મોહમ્મદ શમી દરેક પડકાર વખતે શ્રેષ્ઠત્તમ પર્ફોર્મન્સ આપતો હોય છે. બુમરાહની તીક્ષ્ણ વિચારશક્તિની તો શું વાત કરું! ઉમેશ યાદવના રિવર્સ સ્વિંગ અસાધારણ હતા. આપણે ક્યારેક ઉમેશ જેવી ઉચ્ચત્તમ કાબેલિયતવાળા બોલરને ઇલેવનની બહાર રાખવો પડ્યો એ મોટી કમનસીબી કહેવાય. જોકે, એ સાથે આપણી બેન્ચ-સ્ટ્રેંગ્થ પણ વધી છે.
ઇશાંત અને શમી ૩૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે. આપણી ભાવિ ફાસ્ટ બોલિંગ-ફોજ વિશે શું માનો છો?
બોલરો જ્યાં સુધી તેમના શ્રેષ્ઠત્તમ ફોર્મમાં હોય ત્યાં સુધી રમી શકે છે. મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઉમરાન મલિક જેવા બોલરોથી મને ભારતીય બોલિંગનું ભાવિ ઉજ્જવળ લાગી રહ્યું છે. અવેશ ખાનનું ભાવિ પણ ખૂબ રોમાંચક લાગે છે.
તમે ભારતીય બોલિંગને પૂર્ણ પેસ જૂથમાં કેવી રીતે પરિવર્તિત કરી? સ્પિન વિભાગ વિશે પણ કહેશો.
ભારતને હંમેશાં સારા ફાસ્ટ બોલરો મળ્યા છે. એક તબક્કે તો આપણી પાસે નેહરા, ઝહીર, મુનાફ અને ઇરફાન પઠાણ હતા. તેમની પેસ ઘટવા પાછળનું કારણ જાણવાના પ્રયત્નમાં અમે (સ્ટ્રેંગ્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ, ફિઝિયો અને ભિન્ન જવાબદારી ધરાવતા કોચ) ફાસ્ટ બોલરો પરના વર્કલૉડને મૅનેજ કરવાની બાબતને સૌથી વધુ મહત્ત્વ આપ્યું. ૫૦ ટકા કૌશલ્ય અને ૫૦ ટકા ફિટનેસ એકમેકના પૂરક કહેવાય એટલે અમારા દ્વારા વર્કલૉડ મૅનેજમેન્ટના અમલથી ફાસ્ટ બોલરોને ‘ફિટ ઍન્ડ ફાઇન’ રહેવામાં ઘણી મદદ મળી. ફાસ્ટ બોલિંગ વિશે ઘણી ચર્ચા થતી હોય છે, પણ સ્પિનરોની વાત કરું તો તેઓ ભારતમાં જ્યારે પણ રમ્યા છે ત્યારે તેમણે ઉત્કૃષ્ટ પર્ફોર્મ કર્યું છે અને ઘણી મૅચો જિતાડી છે. અશ્વિન અત્યારે તેની કરિયરમાં ફિટેસ્ટ કહી શકાય એવી સ્થિતિમાં છે. રવીન્દ્ર જાડેજા બોલિંગ અને બૅટિંગમાં શ્રેષ્ઠત્તમ ફોર્મમાં છે અને તેની કરિયર હજી ઘણી લાંબી છે. તેની ચપળ ફીલ્ડિંગથી તો આપણે પરિચિત છીએ જ. કુલદીપ યાદવને પણ ભૂલવો ન જોઈએ. તે અત્યંત પ્રતિભાશાળી સ્પિનર છે. મને ખાતરી છે કે તે ભવિષ્યમાં પણ ભારત માટે ઘણું સારું પર્ફોર્મ કરશે.
તમારો હવે પછીનો શું પ્લાન છે?
તક મળે તો આઇપીએલમાં કોચિંગ આપવા માગું છું. અત્યાર સુધી હું ક્રીમ-પ્લેયર્સ સાથે કામ કરતો હતો, પણ હવે મને વધુ પ્રગતિ કરવાનો અને ફેલાવો વધારવાનો મોકો મળશે. આ વર્ષની શરૂઆતમાં ભારતે ચાર ટેસ્ટમાં કુલ આટલી વખત ઇંગ્લૅન્ડની ટીમને ઑલઆઉટ કરી હતી.

 

cricket news