જાન્યુઆરીમાં ઇન્ડિયન બૅડમિન્ટન લીગ

25 October, 2012 05:34 AM IST  | 

જાન્યુઆરીમાં ઇન્ડિયન બૅડમિન્ટન લીગ



ભારતની વલ્ર્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલની સફળતાની ભારતીય બૅડમિન્ટન પર એટલી જોરદાર ઇફેક્ટ થઈ છે કે બૅડમિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ આઇપીએલની ફૉર્મેટ પર આધારિત ઇન્ડિયન બૅડમિન્ટન લીગ (આઇબીએલ) શરૂ કરવાનું નક્કી કર્યું છે. કુલ ૧૦ લાખ ડૉલર (અંદાજે સાડાપાંચ કરોડ રૂપિયા)ના ઇનામો ધરાવતી આ સ્પર્ધા ૨૦ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી યોજાશે. આ ઇનામીરકમ વિશ્વની તમામ બૅડમિન્ટન ટુર્નામેન્ટોમાં સૌથી વધુ છે.

આઇબીએલમાં શહેરો પર આધારિત છ ફ્રૅન્ચાઇઝીઓ સાથે કૉન્ટ્રૅક્ટ કરવામાં આવશે અને આ ફ્રૅન્ચાઇઝીઓ ભારતના તેમ જ ચીન, સાઉથ કોરિયા, સિંગાપોર અને મલેશિયા સહિતના દેશોના ટોચના પ્લેયરોને હરાજી મારફત પોતાની ટીમમાં સમાવશે. આ ખેલાડીઓને મસમોટી ફી આપવામાં આવશે.

હાલમાં ભારતમાં યોજાતી બૅડમિન્ટન સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્લેયરને ૧૦,૦૦૦ રૂપિયા મળે છે, પરંતુ આઇબીએલમાં આ સ્તર સુધી પહોંચનારને અઢીથી ત્રણ લાખ રૂપિયાની ઇનામીરકમ મળશે.

આમિર-દીપિકાને આકર્ષવાનો પ્લાન

ફિલ્મ-ઍક્ટર આમિર ખાનને આઇબીએલનો બ્રૅન્ડ ઍમ્બેસેડર બનાવવાના પ્રયત્નો શરૂ થયા હોવાનું એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય બૅડમિન્ટનના લેજન્ડ પ્રકાશ પાદુકોણની પુત્રી અને ફિલ્મ-અભિનેત્રી દીપિકા પાદુકોણને છમાંથી કોઈ એક ટીમની માલિક બનાવવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું અખબારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

એવું કહેવાય છે કે પ્રકાશ પાદુકોણને આ લીગ માટેના સલાહકાર બનાવવામાં આવશે.