ટીમ ઇન્ડિયાનો શ્રેણી પર કબજો, ભારતનો ૪૦૦મો વન-ડે વિજય

01 August, 2012 02:56 AM IST  | 

ટીમ ઇન્ડિયાનો શ્રેણી પર કબજો, ભારતનો ૪૦૦મો વન-ડે વિજય

કોલંબો :

ભારતની ગઈ કાલની જીત ૪૦૦મી હતી. આ આંકડા સુધી પહોંચનાર ભારત ત્રીજો દેશ છે. વન-ડેની રેકૉર્ડ-બુકમાં સૌથી વધુ ૪૯૦ જીત ઑસ્ટ્રેલિયાના નામે છે. પાકિસ્તાને ૪૧૬ વિજય મેળવ્યા છે.

ગઈ કાલે શ્રીલંકાએ બૅટિંગ લીધા પછી ૮ વિકેટે ૨૫૧ રન બનાવ્યા હતા જેમાં એકમાત્ર ઉપુલ થરંગા (૫૧)ની હાફ સેન્ચુરી હતી. લેગ સ્પિનર મનોજ તિવારીએ ચાર વિકેટ લીધી હતી. ભારતે ૧૦૯ રનમાં ચાર વિકેટ ગુમાવતાં જીત અઘરી લાગતી હતી. જોકે મૅન ઑફ ધ મૅચ વિરાટ કોહલી (૧૨૮ નૉટઆઉટ, ૧૧૯ બૉલ, ૧ સિક્સર, ૧૨ ફોર) અને સુરેશ રૈના (૫૮ નૉટઆઉટ, ૫૧ બૉલ, ૧ સિક્સર, ૪ ફોર) વચ્ચેની ૧૪૬ રનની ભાગીદારીથી ભારતે ૪૬ બૉલ બાકી રાખીને જીત મેળવી હતી. વન-ડેમાં કોહલીની આ કુલ ૧૩મી અને શ્રીલંકા સામે પાંચમી સેન્ચુરી હતી.

સેહવાગે ૩૪ અને મનોજ તિવારીએ ૨૧ રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીર લસિથ મલિન્ગાની પહેલી ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. સિરીઝનો ફ્લૉપ પ્લેયર રોહિત શર્મા ફક્ત ૪ રનમાં આઉટ થયો હતો.