ક્રિકેટના જંગ પછી પૂલ ટેબલ પર ફ્રેન્ડ્લી ટક્કર

28 August, 2012 05:51 AM IST  | 

ક્રિકેટના જંગ પછી પૂલ ટેબલ પર ફ્રેન્ડ્લી ટક્કર

ટાઉન્સવિલ: ભારતની અન્ડર-૧૯ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના કૅપ્ટન ઉન્મુક્ત ચંદે રવિવારે ફાઇનલ પછી સાથીઓ સાથેના સેલિબ્રેશનમાં જોડાવા હરીફ ટીમના કૅપ્ટન વિલિયમ બૉસિસ્ટો અને તેના પ્લેયરોને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે તેમનામાંથી કોઈ ન આવ્યું એટલે ખુદ ઉન્મુક્ત તેમની પાસે પહોંચી ગયો હતો અને તેને દિલાસો આપવાની સાથે કેટલીક હળવી પળો પણ માણી હતી.

રવિવારે વર્લ્ડ કપ પછીના ઇનામ-વિતરણ સમારંભમાં ટાઉન્સવિલના મેયર પણ ઉપસ્થિત હતા. ઉન્મુક્તે તેમને મજાકમાં કહ્યું હતું કે ‘આ શહેરમાં ઘણા ભારતતરફી લોકો છે એટલે હવે જશ્ન આખી રાત ચાલશે અને લોકો વિજયના ઉન્માદમાં મોડી રાત સુધી રસ્તા પર પણ જોવા મળશે.’

આ સમારંભ પછી ભારતીય પ્લેયરો ટાઉન્સવિલમાં ફ્લિન્ડર્સ સ્ટ્રીટ પરની જ્વેલ ઑફ ઇન્ડિયા રેસ્ટોરાંની બહારની ફૂટપાથ પર ક્રિકેટપ્રેમીઓ વચ્ચે બૉલીવુડના ગીતોની ધૂન પર નાચીને જીત મનાવી રહ્યા હતા તેમણે એ જ વખતે ફાઇનલની પરાજિત ઑસ્ટ્રેલિયન અન્ડર-૧૯ ટીમનો કૅપ્ટન બૉસિસ્ટો અને તેના સાથીઓ સામેની એક રેસ્ટોરાંમાં પ્રવેશતા જોયા હતા. ઉન્મુક્તે તેમને સેલિબ્રેશનમાં જોડાવા બૂમો પાડી હતી, પરંતુ કોઈ ન આવ્યું એટલે તે દોડીને તેમની રેસ્ટોરાંમાં પહોંચી ગયો હતો. તે ત્યાં બૉસિસ્ટો તેમ જ કાંગારૂઓની ટીમના બીજા પ્લેયરો ગુરિન્દર સંધુ અને કર્ટિસ પૅટરસન સાથે વાતે વળગી ગયો હતો. ઉન્મુક્તે તેમને દિલાસો આપવાની સાથે મસ્તીમજાક પણ કરી હતી. ઉન્મુક્ત અડધો કલાક ત્યાં રહ્યો હતો અને એ દરમ્યાન તે બૉસિસ્ટો સાથે પૂલ ટેબલ પણ રમ્યો હતો.

રવિવારે ફાઇનલમાં ઉન્મુક્ત ૮૪ રને હતો ત્યારે બૉસિસ્ટોએ મિડ-વિકેટ પર તેનો આસાન કૅચ છોડ્યો હતો.

અમારી ટીમની અન્ડર-૧૯ સફર હવે પૂરી થઈ : ઉન્મુક્ત

રવિવારે અણનમ સેન્ચુરીથી ઇન્ડિયા અન્ડર-૧૯ને વિશ્વવિજેતા બનવામાં સૌથી મોટું યોગદાન આપનાર કૅપ્ટન ઉન્મુક્ત ચંદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું અને ઇન્ડિયા અન્ડર-૧૯ ટીમના સાથીઓ ચાર દેશો વચ્ચેની બે સિરીઝ જીત્યા, એશિયા કપમાં સંયુક્ત ટ્રોફી મેળવી અને હવે વર્લ્ડ કપ જીતી ગયા. જુનિયર ટીમ માટે આનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોય? અમે સફળતાની આ સફરમાં ખૂબ મજા કરી. અમારામાંના મોટા ભાગના પ્લેયરો ૧૯ વર્ષ પૂરા કરી રહ્યા છે એટલે હવે પછી કદાચ સાથે નહીં રમીએ એનો અફસોસ રહેશે. જોકે અમે સફળતાના શિખરે પહોંચ્યા એના સંતોષનો એહસાસ પણ થતો રહેશે.’