સિરીઝ બચાવવા માટે ભારતે બદલવો પડશે પાવર-પ્લેમાં રમવાનો અભિગમ

27 November, 2022 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનર કૅપ્ટન શિખર ધવન અને શુભમન ગિલે શરૂઆતમાં આક્રમક રમત બતાવવી પડશે

સિરીઝ બચાવવા માટે ભારતે બદલવો પડશે પાવર-પ્લેમાં રમવાનો અભિગમ

ભારતીય ટીમ આજે હૅમિલ્ટનમાં સિરીઝ બચાવવા માટે મહત્ત્વની બીજી વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ટકરાશે ત્યારે એવી આશા રાખીએ કે કૅપ્ટન શિખર ધવન અને યુવા બૅટર શુભમન ગિલ પાવર-પ્લેમાં સારો અભિગમ અપનાવશે. સેડન પાર્ક ત્રણ તરફથી ખુલ્લું મેદાન છે, પરંતુ ન્યુ ઝીલૅન્ડના બૅટરો માટે સૌથી મદદગાર મેદાન પૈકી એક ગણાય છે. પહેલી વન-ડેમાં ધવને (૭૭ બૉલમાં ૭૨ રન) અને ગિલે (૬૫ બૉલમાં ૫૦ રન) પહેલી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ ઇડન પાર્ક જેવા નાના મેદાન પર સાત વિકેટે ૩૦૬ રનનો સ્કોર ઓછામાં ઓછો ૪૦ રન ઓછો સાબિત થયો હતો.

ટૉપર્સની ડિફેન્સિવ રમત

ભારતીય બોલરોએ માત્ર ૪૭ ઓવરમાં જ આટલા રન આપી દીધા, જેથી જવાબદારી બૅટરો પર આવે છે, કારણ કે જો વૉશિંગ્ટન સુંદરે શાનદાર યોગદાન આપ્યું ન હોત તો ભારત ૩૦૦ રનના આંકડા સુધી પણ ન પહોંચી શક્યું હોત. પહેલા પાવર-પ્લેની ૧૦ ઓવરમાં ઓપનરો ડિફેન્સિવ રમ્યા, જેને લીધે જરૂરિયાત મુજબ રન ન બની શક્યા. ઑકલૅન્ડમાં ભારતીય ટીમ પહેલા પાવર-પ્લેમાં માત્ર ૪૦ રન જ બનાવી શકી. ભારતના ટોચના બૅટરોનો ડિફેન્સિવ અભિગમ અહીં દેખાય છે. સારી શરૂઆત કરવાના ચક્કરમાં ઝડપી રન બનાવવાનું છેલ્લે આવનારા બૅટર્સ પર છોડવાની પ્રથાને કારણે ભારત ટી૨૦ વર્લ્ડ કપમાં હારી ગયું હતું છતાં વન-ડેમાં પણ આ અભિગમમાં કોઈ બદલાવ દેખાતો નથી.

શુભમનનું પત્તું કપાશે

ઇનિંગ્સની શરૂઆત કરવા માટે ઘણા બૅટરો વચ્ચે સ્પર્ધા છે. ધવન ચોક્કસ આ‍વતા મહિને બંગલાદેશમાં રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. શુભમન પ્લેઇંગ ઇલેવનમાં રમશે કે નહીં એની કોઈ ખાતરી નથી. જો સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવે તો લોકેશ રાહુલ તેનું સ્થાન લેશે. ટી૨૦ની સરખામણીમાં રિષભ પંતનો સ્ટ્રાઇક રેટ સારો છે, પરંતુ આ સિરીઝમાં વાઇસ કૅપ્ટને સાતત્યભર્યું પ્રદર્શન કરવાની જરૂર છે, જેથી વિકેટકીપિંગ માટે સંજુ સૅમસન અને ઇશાન કિશન કરતા આગળ રહી શકે.

ટૉસ મહત્ત્વનો

ઇડન પાર્કની પિચ પર ભારતના ફાસ્ટ બોલરોએ ઘણી ઓછી બોલિંગ કરી. તેમણે ટૉમ લેથમ અને કેન વિલિયમસનને ટક્કર આપવા માટે નવો રસ્તો શોધવાની જરૂર છે. આ બન્ને ખેલાડી ભારત સામે ઘણું સાતત્યભર્યું પ્રદર્શન કરે છે. ટૉસ પણ મહત્ત્વની ભૂમિકા ભજ‍વશે, કારણ કે સેડન પાર્કમાં સાંજ થતાં બૅ​ટિંગ કરવી વધુ સરળ થઈ જાય છે.

ભાંગડાના મૂડમાં

ભારતીય ટીમ ગઈ કાલે હૅમિલ્ટન પહોંચી હતી. દરમ્યાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શાનદાર મૂડમાં હતો. સાથી ખેલાડીઓ સાથે બસમાંથી ઊતરતાની સાથે જ તે ભાંગડા કરવા માંડ્યો હતો. 

sports news cricket news