અમદાવાદમાં ટીમ ઇન્ડિયા રેકૉર્ડ પલટી શકશે?

06 November, 2014 05:50 AM IST  | 

અમદાવાદમાં ટીમ ઇન્ડિયા રેકૉર્ડ પલટી શકશે?




શ્રીલંકાની સામે કટકમાં રમાયેલી વન-ડે મૅચ જીતીને ૧-૦થી લીડ લઈ ચૂકેલી ભારતીય ટીમે અમદાવાદના મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે યોજાનારી બીજી એક દિવસીય મૅચમાં ઘણા ગંભીર પડકારોનો સામનો કરવો પડે એમ છે.

ભારત માટે રેકૉર્ડ સારો નથી

મોટેરાનું આ મેદાન ભારત માટે બહુ સારો રેકૉર્ડ કરાવનારું નીવડ્યુ નથી. અહીં રમાયેલી ૧૫ મૅચમાંથી ભારતને ફક્ત છ મૅચમાં સફળતા મળી છે. આ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે બે મૅચ રમાઈ છે. એમાંથી એક ભારતે જીતી હતી અને એક શ્રીલંકાએ જીતી હતા. આ મેદાનમાં ભારતને છેલ્લે ૨૦૦૨માં જીત મળી હતી. એ પછી ભારત મોટેરામાં છ મૅચ રમ્યું હતું. એમાંથી ફક્ત એક જ મૅચમાં જીત મેળવી શકાઈ છે. આવામાં ભારત પર દબાણ તો રહેશે જ, પરંતુ શ્રીલંકા માટે સિરીઝમાં પાછી જમાવટ કરીને હારનો બદલો લેવાનો શાનદાર મોકો રહેશે.

શ્રીલંકાની ટીમની હાલત

શ્રીલંકાની ટીમ માટે એની અધકચરી તૈયારી એક મોટો પડકાર છે. કટક વન-ડેમાં માહેલા જયવર્દને સિવાય કોઈ પણ બૅટ્સમૅન ફૉર્મમાં નહોતો. એ ટીમની ફીલ્ડિંગ પણ નબળી હતી. અહીં નોંધપાત્ર બાબત એ છે કે તેમની ટીમનો કૅપ્ટન એન્જેલો મૅથ્યુઝ પહેલેથી જ તૈયારીમાં ઓછપ હોવાનું જણાવી ચૂક્યો છે.

ભારત તરફથી કટક વન-ડે મૅચમાં અક્ષર પટેલને સામેલ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. અક્ષરે બોલિંગમાં બે વિકેટ લેવા ઉપરાંત છેલ્લી ક્ષણોમાં બૅટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.

વિરાટે બે વખત બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

અમદાવાદમાં વન–ડે મૅચ રમવા આવેલા ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે બે વખત તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર આજે રમાનારી શ્રીલંકા સામેની વન-ડે મૅચના ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીનો ગઈ કાલે ૨૭મો બર્થ-ડે હતો અને એમાં સામેલ થવા બૉલીવુડની હિરોઇન અને કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા પણ અમદાવાદ આવી પહોંચી હતી. ટીમ ઇન્ડિયાના અન્ય સભ્યો સાથે મંગળવારે મોડી રાતે જ વિરાટ કોહલીનો બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને ગઈ કાલે પણ ફરી વાર બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે ટીમ ઇન્ડિયા જે હોટેલમાં રોકાઈ છે એ નોવાટેલ હોટેલનાં સૂત્રોએ બર્થ-ડે સેલિબ્રેટ ન થયો હોવાનું કહ્યું હતું.

સ્પિનર અક્ષર પટેલના ૨૦૦ ફૅમિલી-મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ મૅચ જોશે

ગુજરાતના નડિયાદમાં રહેતા લેગ સ્પિનર અક્ષર પટેલના ગામ નડિયાદથી આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અક્ષરને મૅચ રમતો જોવા માટે ૨૦૦ જેટલા ફૅમિલી-મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ આવશે. જોકે અક્ષરના ફાધર રાજેન્દ્ર પટેલ દીકરાને રૂબરૂ મૅચ રમતો જોવાના મામલે અવઢવભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

આ વિશે અક્ષર પટેલના ફાધર રાજેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અક્ષર IPLની કે ભારતની ટીમ વતી મૅચ રમતો હોય ત્યારે ઘરમાં મોટું પ્રોજેક્ટર મૂકીને મિત્રો, રિલેટિવ્સ તેમ જ સમાજના મિત્રો સાથે બેસીને મૅચ જોતા હોઈએ છીએ. આજે અમદાવાદમાં મૅચ છે ત્યારે અમદાવાદ જઈને મૅચ જોવી કે ઘરે બધાની સાથે પ્રોજેક્ટર પર મૅચ જોવી એ હજી નક્કી કરી શક્યો નથી. જોકે રાત સુધીમાં નક્કી કરી દઈશું.’

જો ટીમ ઇન્ડિયામાં આખરી ઘડીએ કોઈ ચેન્જ નહીં થાય તો લોકલ બૉય અક્ષર પટેલ શ્રીલંકા સામે વન-ડે મૅચ રમવા ઊતરશે.