દ્રવિડે સૂર્યકુમારને પૂછ્યું કે નાનો હોઈશ ત્યારે તેં મને બૅટિંગ કરતો જોયો નહીં હોય

09 January, 2023 01:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામેની ત્રીજી ટી૨૦માં સૂર્યકુમાર યાદવની આક્રમક બૅટિંગ જોઈને ભારતીય ટીમના કોચે કરી મજાક

સૂર્યકુમાર યાદવ અને રાહુલ દ્રવિડ

સૂર્યકુમાર યાદવે જ્યારે ભારતીય ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું ત્યારે તે ૩૦ વર્ષનો થઈ ચૂક્યો હતો. તાજેતરમાં પોતાની આક્રમક બૅટિંગને કારણે ધૂમ મચાવનાર આ બૅટરના મતે તેની પસંદગીમાં થયેલા વિલંબે મારા સંકલ્પને મજબૂત બનાવ્યો અને સફળતા મેળવવા માટે મારી ભૂખને વધારી હતી. 

શનિવારે રમાયેલી ટી૨૦ મૅચમાં ફરી પાછો તે આક્રમક રમત રમ્યો અને ૫૧ બૉલમાં ફટકારેલા નૉટઆઉટ ૧૧૨ રનને કારણે ભારતે શ્રીલંકાને ૯૧ રનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ભારતીય કોચ રાહુલ દ્રવિડે તેને પૂછ્યું કે ‘તક મળવામાં થયેલા વિલંબને કારણે આ સફળતાનું મહત્ત્વ તું સમજે છે? એના જવાબમાં તેણે કહ્યું કે ‘હું મુંબઈ તરફથી ઘણી મૅચ રમ્યો. મને ત્યારે પણ રમવાની મજા આવતી હતી. હા, છેલ્લાં કેટલાંક વર્ષોમાં થોડું મુશ્કેલીજનક બન્યું હતું, પરંતુ ત્યારે મારી જાતને હું પૂછતો કે તમે આ રમત રમો છો, કારણ કે તમને મજા આવે છે. આ રમત પ્રત્યેના પ્રેમને કારણે હું જોડાયેલો રહ્યો.’ 

બીસીસીઆઇ ટીવી દ્વારા આ બન્નેના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુની શરૂઆત કરતી વખતે દ્રવિડે મજાક કરતાં કહ્યું હતું કે ‘તું નાનો હશે ત્યારે તેં મને ક્યારેય બૅટિંગ કરતો જોયો નહીં હોય.’ જવાબમાં સૂર્યાએ કહ્યું કે ‘મેં તમને બૅટિંગ કરતા જોયા છે.’ સૂર્યા અને રાહુલ દ્રવિડની બૅટિંગમાં ઘણું અંતર છે. દ્રવિડે તેની કોઈ એક સૌથી ગમતી ઇનિંગ્સ પસંદ કરવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે કોઈ એક ઇનિંગ્સ પસંદ કરવી ઘણી મુશ્કેલ છે. મને મુશ્કેલ પરિસ્થિતિમાં બૅટિંગ કરવાનું ગમે છે. છેલ્લા એક વર્ષથી હું જે પ્રકારની બૅટિંગ કરી રહ્યો છું એ મને ગમે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં રમવાનું મને ગમે છે.’

છેલ્લા સાત મહિનાથી આ ફૉર્મેટમાં તેણે ત્રીજી સદી ફટકારી છે. ઓપનિંગ કરતો ન હોવા છતાં ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. ‘કેટલા શૉટ પહેલેથી નક્કી કરેલા હોય છે?’ એના જવાબમાં સૂર્યાએ કહ્યું કે ‘આ ફૉર્મેટમાં થોડું પહેલેથી નક્કી કરેલું હોવું જોઈએ. વળી બોલર તમારા કરતાં હોશિયાર હોય તો તમારે યોજના બદલવી પણ પડે. હું બૉલને છેક સુધી બૅટ પર આવવા દઉં છું. લેફ્ટી સ્પિનર અથવા લેગ સ્પિનર અથવા ફાસ્ટ બોલર બોલિંગ કરે ત્યારે એ પ્રમાણે હું બૉલને ફટકારવાનો પ્રયાસ કરું છું.’

સૂર્યકુમારને ટેસ્ટમાં રમાડવાનો સમય આવી ગયો છે : ગંભીર

સૂર્યકુમાર યાદવે જ્યારથી ટી૨૦માં પદાર્પણ કર્યું છે ત્યારથી તેને તેના શાનદાર ફૉર્મ માટે ઘણી બધી પ્રશંસા મળી રહી છે, જેમાં નવો ઉમેરો ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનો છે. સૂર્યાએ શાનદાર અણનમ સદી ફટકારતાં ભારતે રાજકોટમાં રમાયેલી નિર્ણાયક ટી૨૦ મૅચમાં શ્રીલંકા સામે ૯૧ રનથી જીત મેળવી હતી. એને લીધે હાર્દિક પંડ્યાની ટીમ ૨-૧થી સિરીઝ જીતી ગઈ હતી. શ્રીલંકા સામેની છેલ્લી મૅચમાં સૂર્યાની રમત જોઈને ગંભીરે કહ્યું હતું કે ૩૨ વર્ષના ખેલાડી માટે ટેસ્ટ ક્રિકેટમાં જવાનો સમય આવી ગયો છે. તેની પસંદગી થવી જોઈએ.

sports sports news rahul dravid indian cricket team cricket news t20 international