રેકૉર્ડ બન્યા ટ્રોફી ગુમાવી

15 March, 2021 10:08 AM IST  | 

રેકૉર્ડ બન્યા ટ્રોફી ગુમાવી

સેન્ચુરી ફટાકાર્યા બાદ દર્શકોનું અભિવાદન સ્વીકારતી પૂનમ યાદવ

ભારત અને સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ વચ્ચે ગઈ કાલે પાંચ વન-ડે મૅચમાંની ચોથી વન-ડે રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાનું ટીમવર્ક ભારતીય મહિલા ટીમ પર ભારે પડ્યું હતું અને મહેમાન ટીમે ૭ વિકેટે મૅચ જીતીને સિરીઝ ૩-૧થી કબજે કરી લીધી છે.
ભારતની જોરદાર વળતી લડત
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ભારતને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનર સ્મૃતિ મંધાના માત્ર ૧૦ રને આઉટ થઈ હતી અને ત્યાર બાદ ૩૨ રને પ્રિયા પુનિયા પણ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. વનડાઉન આવેલી પૂનમ યાદવે છેલ્લે સુધી ૧૨૩ બૉલમાં ૧૦ ચોગ્ગા ફટકારીને અણનમ ૧૦૪ રનની ઇનિંગ્સ રમી ટીમને ટેકો પૂરો પાડ્યો હતો. કૅપ્ટન મિતાલી રાજ ૭૧ બૉલમાં ૪ ચોગ્ગા ફટકારી ૪૫ રને આઉટ થતાં પાંચ રનથી હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી. જોકે આ મૅચમાં તેણે વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. હરમનપ્રીત કૌર ૩૭ બૉલમાં ૭ ચોગ્ગા અને એક સિક્સર મારી ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ આપી ૫૪ રનની ઇનિંગ્સ રમી હતી. દીપ્તિ શર્માએ નૉટઆઉટ ૮ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની ટુમી સેખુખુનેએ સૌથી વધારે બે વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાનો હાથ ઉપર
સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમે ૨૬૭ રનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા શાનદાર ટીમવર્કનું ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. લિઝેલ લી અને કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ વચ્ચે પહેલી વિકેટ માટે ૧૧૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. લીએ ૭૫ બૉલમાં ૧૦ ચોગ્ગા ફટકારી ટીમ માટે સૌથી વધારે ૬૯ રન બનાવ્યા હતા, જ્યારે લૉરા ૫૩ રને આઉટ થઈ હતી. મિગ્ટન ડુ પ્રીઝ ૫૫ બૉલમાં ૮ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી ૬૧ રને આઉટ થઈ હતી, જ્યારે લારા ગોડલે અણનમ ૫૯ અને મૅરીઝેન કપ્પે અણનમ ૨૨ રન કરી ટીમને ૪૮.૪ ઓવરમાં ૭ વિકેટે વિજયી બનાવી હતી. પ્રીઝને પ્લેયર ઑૅફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી. ટૂંકમાં ભારત વતી આ મૅચમાં રેકૉર્ડ તો બન્યા, પણ તેમણે સિરીઝ હારીને ટ્રોફી ગુમાવી છે. બન્ને દેશ વચ્ચેનો અંતિમ મુકાબલો બુધવારે ૧૭ માર્ચે થશે.

indian womens cricket team india south africa cricket news sports news