રાહુલે લાજ રાખી, પણ એલ્ગરે લીડ અપાવી

28 December, 2023 08:51 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

ભારતીય વિકેટકીપરના ૧૦૧ રનને સાઉથ આફ્રિકન ઓપનરે અણનમ ૧૪૦ રનથી થોડા ઝાંખા પાડ્યા

કે. એલ. રાહુલ , બુમરાહ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજો દિવસ બે અવિસ્મરણીય સેન્ચુરી માટે યાદ રખાશે. પહેલાં ખમીરવંતા કે. એલ. રાહુલે (૧૦૧ રન, ૧૩૭ બૉલ, ૪ સિક્સર, ૧૪ ફોર) સાઉથ આફ્રિકાના ચારેય ફાસ્ટ બોલર્સનો પડકાર ઝીલીને ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવીને ૨૪૫ રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો અને ત્યાર પછી છેલ્લી સિરીઝ રમી રહેલા ઓપનર ડીન એલ્ગરે (૧૪૦ નૉટઆઉટ, ૨૧૧ બૉલ, ૨૩ ફોર) યજમાન ટીમની આબરૂ સાચવી લીધી હતી અને સરસાઈ અપાવી હતી.

સાઉથ આફ્રિકા ૨૫૬/૫
એલ્ગરની નિવૃત્તિને ૧૧ દિવસ બાકી છે અને ગઈ કાલે તેની લાજવાબ અણનમ ઇનિંગ્સને કારણે જ સાઉથ આફ્રિકા ૧૧ રનની લીડ લઈ શક્યું હતું. બૅડ લાઇટને કારણે રમત વહેલી પૂરી થયેલી જાહેર કરવામાં આવી ત્યારે ઈજાગ્રસ્ત કૅપ્ટન ટેમ્બા બવુમાની ટીમનો સ્કોર પાંચ વિકેટે ૨૫૬ રન હતો. એટલા રન ૬૬ ઓવરમાં બન્યા હતા. ભારતે પ્રથમ દાવમાં રાહુલના ૧૦૧ રન તથા ખાસ કરીને શાર્દૂલના ૨૪ રનની મદદથી ૨૪૫ રન બનાવ્યા હતા. રબાડાએ ૫૯ રનમાં પાંચ અને નવોદિત ફાસ્ટ બોલર નાન્ડ્રે બર્ગરે ૫૦ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. કૉએટ‍્ઝીને ૭૪ રનમાં એક અને યેનસેનને બાવન રનમાં એક વિકેટ મળી હતી.

ડેબ્યુવાળો બૅટર પણ તારણહાર
ડેવિડ બેડિંગમ (૫૬ રન, ૮૭ બૉલ, બે સિક્સર, સાત ફોર)ની આ પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ છે અને એમાં તેણે એલ્ગરને સારો સાથ આપીને તેની સાથે ૧૩૧ રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. એ પહેલાં એલ્ગરે ટૉની ઝૉર્ઝી (૨૮) સાથે ૯૩ રનની પાર્ટનરશિપ કરી હતી. એકંદરે ભારતની નબળી પડેલી બોલિંગનો યજમાન બૅટર્સે ફાયદો લીધો હતો.

બુમરાહની ડબલ સ્ટ્રાઇક
બુમરાહે ૪૮ રનમાં બે વિકેટ લીધી હતી. તેણે ટૉની અને કીગૅન પીટરસન (૨)ની ઉપરાઉપરી ઓવરમાં વિકેટ લઈને ભારતને સરસાઈ મળશે એવી આશા અપાવી હતી, પરંતુ એલ્ગરે ક્રીઝ પર ચીટકી રહીને આશા પર પાણી ફેરવ્યું હતું. સિરાજે ૬૩ રનમાં બે અને પહેલી જ ટેસ્ટ રમી રહેલા પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૬૧ રનમાં એક વિકેટ લીધી હતી. શાર્દૂલને ૫૭ રનમાં અને અશ્વિનને ૧૯ રનમાં વિકેટ નહોતી મળી.

indian cricket team test cricket south africa kl rahul jasprit bumrah sports news sports