03 January, 2024 07:57 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
કેપટાઉન : સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ખરાબ રીતે હરાવ્યું હતું, માત્ર ૩ દિવસમાં જ ટીમ ઇન્ડિયાને હરાવી હતી. ભારત એ મૅચ એક ઇનિંગ્સ અને ૩૨ રનથી હાર્યું હતું. હવે રોહિતસેનાનું સંપૂર્ણ ધ્યાન કેપટાઉન ટેસ્ટમાં રહેશે. મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરાવવા માટે રોહિતસેના એડીચોટીનું જોર લગાવશે.કેપટાઉનમાં જો ટીમ ઇન્ડિયાએ પોતાની લાજ બચાવવી હશે તો બોલિંગમાં બુમ-બુમ બુમરાહે પોતાની કમાલ બતાવવી પડશે. જસપ્રીત બુમરાહે આજથી પાંચ વર્ષ પહેલાં આ જ સ્ટેડિયમ કેપટાઉનમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક
જસપ્રીત બુમરાહે ૨૦૧૮માં કેપટાઉનમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારે બુમરાહે સાઉથ આફ્રિકા સામે ૪ વિકેટ લીધી હતી. બુમરાહે કેપટાઉનમાં અત્યાર સુધી કુલ બે ટેસ્ટ મૅચમાં ૧૦ વિકેટ ઝડપી છે. જો બુમરાહ આ બીજી ટેસ્ટમાં ૭ વિકેટ લેવામાં સફળ થાય તો તે ઇંગ્લૅન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનને પાછળ છોડી દેશે.
હાલમાં જેમ્સ ઍન્ડરસનના નામે કેપટાઉનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ છે. ઍન્ડરસને કેપટાઉનમાં સૌથી વધુ ૧૬ વિકેટ લીધી છે, તો બીજી તરફ કેપટાઉનમાં ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર જાવાગલ શ્રીનાથે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે આ મેદાન પર ૧૨ વિકેટ ઝડપી છે. અનિલ કુંબલેએ આ મેદાન પર ૧૧ વિકેટ ઝડપી છે. જો બુમરાહ બીજી ટેસ્ટમાં ૩ વિકેટ લેવામાં સફળ થાય તો આ બન્ને ભારતીય દિગ્ગજ બોલરોને પણ પાછળ છોડી દેશે.