ઐતિહાસિક આરંભ : હર્લી ગાલાનો તરખાટ, બીકેસીમાં હિપ હિપ હુર્રે...

28 November, 2022 12:47 PM IST  |  Mumbai | Ajay Motivala

ગઈ કાલે અન્ડર-19માં ઇન્ડિયા વતી જીવનની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે હર્લી ગાલાએ પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લઈને રચ્યો વિક્રમ. તેણે ચાર ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ લીધી. જોકે ભારતે આસાનીથી જીતેલી આ ટી૨૦માં હર્લીની બૅટિંગની જરૂર જ ન પડી

હર્લી ગાલા

`મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટારની ભારત વતી ડેબ્યુ મૅચના પહેલા જ બૉલમાં વિકેટઃ પ્રથમ ઓવરમાં બે વિકેટ લેવા સહિત કર્યા કુલ ત્રણ શિકાર : બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના અન્ડર-19 મુકાબલામાં ભારતનો ન્યુ ઝીલૅન્ડ સામે ૭ વિકેટે વિજય

દર વર્ષે રમાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનમાં ચૅમ્પિયન બનેલી વાગડ કલા કેન્દ્રની ૧૬ વર્ષની સુપરસ્ટાર ઑલરાઉન્ડર હર્લી ગાલાને ભારત વતી રમવાનો મોકો મળતાં તરત જ એમાં શરૂઆતથી જ ચમકી જશે એવી ધારણા હતી અને ગઈ કાલે તેણે એ અનુમાન સાચું પાડ્યું. આ ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ભારત વતી રમેલી કરીઅરની પહેલી જ મૅચમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લઈને ભારતીય મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો હતો. હર્લીએ જાણે પોતાના બેસ્ટ બૉલથી કારકિર્દીની શરૂઆત કરવાનું નક્કી કર્યું હશે અને તેણે એવા જ બૉલથી વિકેટ લીધી. ન્યુ ઝીલૅન્ડ અન્ડર-19 વિમેન્સ ટીમ સામેની આ ટી૨૦ મૅચમાં ઇન્ડિયા અન્ડર-19 વિમેન્સ ટીમની હર્લીએ પોતાને બોલિંગ મળતાં જ તરખાટ મચાવવાની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતની ત્રણેય વિકેટ તેણે લીધી હતી. આ સિરીઝ જાન્યુઆરીના અન્ડર-૧૯ વિમેન્સ વર્લ્ડ કપની પૂર્વતૈયારી તરીકે રમાઈ રહી છે.

કિવીઓની છાવણીમાં સન્નાટો

રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હર્લીને મળેલી ઓવર ન્યુ ઝીલૅન્ડની ઇનિંગ્સની બીજી અને હર્લીની સૌપ્રથમ ઓવર હતી. તેણે પહેલા જ બૉલમાં ઑલિવિયા ગેઇનને એલબીડબ્લ્યુમાં આઉટ કરી દીધી હતી. ઑલિવિયા ફક્ત ૧ રન બનાવીને પૅવિલિયન ભેગી થઈ હતી. હર્લીએ એ જ ઓવરના છેલ્લા બૉલમાં ઍના બ્રાઉનિંગ (૪ રન)ને ક્લીન બોલ્ડ કરી હતી. હર્લીની આ સેન્સેશ્નલ ઓવરથી કિવી ટીમની છાવણીમાં સન્નાટો છવાઈ હતો, જ્યારે ભારતીય ટીમના કૅમ્પમાં અને ચાહકોમાં હર્ષોલ્લાસ હતો.

હર્લીનાં મમ્મી બેહદ ખુશ

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં કલાકે ૧૧૦થી ૧૧૨ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતી હર્લી ગાલા વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની છે. તેનાં મમ્મી ભાવિકાબહેન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘હર્લી શરૂઆતથી જ ધમાકેદાર પર્ફોર્મ કરશે એની અમને ખાતરી હતી અને એવું જ થયું. તેની કાબેલિયત પર અમને પૂરો ભરોસો હતો. હર્લી ભારત વતી ડેબ્યુ બૉલમાં જ વિકેટ મેળવીને જોશમાં આવી ગઈ હતી અને તેની સાથી ખેલાડીઓએ પણ તેને ખૂબ અભિનંદન આપ્યાં હતાં. હર્લીમાં જબરદસ્ત આત્મવિશ્વાસ જોવા મળતો હતો અને એનો પુરાવો તેણે એ જ ઓવરમાં બીજી વિકેટ લઈને આપ્યો હતો.’

હર્લીની સતત ચાર ઓવર

કૅપ્ટન શ્વેતા સેહરાવતે હર્લીને ચારેય ઓવર એક જ સ્પેલમાં પૂરી કરવા કહ્યું હતું અને હર્લીએ પોતાના પર મુકાયેલા ભરોસા મુજબ પર્ફોર્મ કર્યું હતું. તેણે પોતાની બીજી ઓવરમાં સેકન્ડ-ડાઉન પ્લેયર ફ્લોરા ડેવૉનશર (પાંચ રન)ને સોનિયા મેંધિયાના હાથમાં કૅચઆઉટ કરાવીને ત્રીજી વિકેટ પણ લઈ લીધી હતી. તેણે પહેલી ત્રણેય વિકેટ લીધી હતી અને છેવટે તેની બોલિંગ ઍનૅલિસિસ ૪-૦-૧૮-૩ રહી હતી. હર્લીએ ફીલ્ડિંગ પણ સારી કરી હતી અને ન્યુ ઝીલૅન્ડની ટીમનો દાવ બૅટિંગ લીધા બાદ હર્લીના તરખાટને કારણે ૨૦ ઓવરમાં ૯ વિકેટે બનેલા માત્ર ૮૫ રનના સ્કોર પર સમેટાયો હતો. ઓપનર ઍબી જર્કેનના બાવીસ રન ટીમમાં હાઇએસ્ટ હતા. હર્લીની સાથી બોલર અને સ્પિનર સોનમ યાદવે બે તેમ જ મન્નત કશ્યપ, સોનિયા અને પાર્શવી ચોપડાએ એક-એક વિકેટ લીધી હતી.

સૌમ્યાના અણનમ બાવ

ભારતે ૧૧.૩ ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે ૮૯ રન બનાવીને સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ઓપનર સૌમ્યા તિવારી (બાવન અણનમ, ૩૩ બૉલ, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. શિખાએ ૧૧ રન બનાવ્યા હતા. કિવી બોલર્સમાં નેન્સી પટેલ નામની ભારતીય મૂળની બોલરને ૨૪ રનમાં એકેય વિકેટ નહોતી મળી. જોકે ઍમી હકરે બે વિકેટ લીધી હતી. હર્લીની બૅટિંગ પણ ટીમને ઘણી ઉપયોગી થાય એમ હતી, પરંતુ તેની બૅટિંગ આવે એ પહેલાં જ ભારતે મૅચ જીતી લીધી હતી.

પાંચ મૅચની સિરીઝમાં હવે આવતી કાલે બીકેસીના શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમીના જ મેદાન પર બીજી ટી૨૦ મૅચ રમાશે. ભૂતપૂર્વ ક્રિકેટર નૂશીન અલ ખાદીર ભારતીય ટીમના કોચ છે.

19
ગઈ કાલે હર્લી ગાલાની ચાર ઓવરમાં કુલ આટલા ડૉટ-બૉલ હતા અને ૪.૫૦ તેનો ઇકૉનૉમી રેટ હતો.

sports news sports cricket news u-19 world cup indian womens cricket team