NZvIND : નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે 4 રનથી ભારતને હરાવી મેચ અને T-20

10 February, 2019 07:33 PM IST  | 

NZvIND : નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે 4 રનથી ભારતને હરાવી મેચ અને T-20

ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે જીતી સિરીઝ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં ભારતને 4 રનથી હાર આપીને શ્રેણી પર 2-1થી કબ્જો કરી લીધો છે. જોકે અંતિમ સમય સુધી દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાની લડાયક બેટીંગના દમ પર લાગી રહ્યું હતું કે મેચ ભારત જીતી જશે. પરંતુ અંતિમ ઓવરમાં આ જોડી ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે પહેલા બેટીંગ કરતા 212 રન કર્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારત તરફથી સૌથી વધુ વિજય શંકરે 43 રન અને રોહિત શર્માએ 38 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 16 બોલમાં 4 છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા તો કૃણાલ પંડ્યાએ પણ 13 બોલમાં 26 રનની ઇનીંગ રમી હતી. ભારતની આખી ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ કરી શક્યું હતું.

ભારતની શરૂઆત સારી ન રહી

ન્યુઝીલેન્ડે આપેલા 213 રનના જંગી લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત સારી રહી ન હતી. ટીમના ઓપનર શિખર ધવન માત્ર 5 રન પર આઉટ થયો હતો. ત્યાર બાદ સુકાની રોહિત શર્મા અને વિજય શંકર વચ્ચે બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાઇ હતી. વિજયએ આક્રમક બેટીંગ કરતા 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. તો સુકાની રોહિત આજે મોટી ઇનીંગ રમી શક્યો ન હતો તે 32 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 38 રન જ કરી શક્યો હતો. ત્યાર બાદ રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. પણ તે ટીમને જીતાડી શક્યા નહી. રિષભ પંતે 12 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 28 રન કર્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 11 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 21 રન કર્યા હતા. ત્યાર બાદ ધોની કોઇ મોટી ઇનીંગ રમી શક્યો નહી અને 2 રનમાં જ આઉટ થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાએ બાજી સંભાળી હતી. બંનેએ એક સમયે અસંભવ લાગતો સ્કોર 19 ઓવર સુધી જીતની નજીક પહોંચાડી દીધો હતો. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 28 બોલમાં 63 રનની ભાગીદારી નોંધાઇ હતી. અંતિમ ઓવરમાં જીતવ માટે જોઇતા 16 રન સામે ભારતે માત્ર 11 રન જ કરી શકી હતી.

ન્યૂઝીલેન્ડની શરૂઆત આક્રમક રહી હતી

પહેલી બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર ઓપનર કોલિન મુનરો અને ટીમ સિફર્ટે આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ પહેલા પાવરપ્લેમાં જ 66 રન ઝુડી કાર્યા હતા. ભારતીય ટીમને પહેલી સફળતા આઠમી ઓવરમાં કુલદીપ યાદવે અપાવી હતી. ટીમનો સ્કોર 80 રન હતો, ત્યારે ટિમ સિફર્ટ (43) રન બનાવી આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 3 સિક્સ અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કોલિન મુનરોએ 28 બોલમાં પોતાના ટી20 કરિયરની નવમી અડધી સદી પૂરી કરી હતી. તેણે ક્રુણાલ પંડ્યાની ઓવરમાં સિક્સ ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મુનરો અને કેને બીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 135 રન હતો ત્યારે મુનરો (76)ને કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો હતો. મુનરોએ 40 બોલમાં 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચોઃ મિશેલને ખોટો આઉટ આપ્યા બાદ ફરી વાર DRS વિવાદમાં

ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન (27)ને ખલીલ અહમદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 21 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે 150ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. કોલિન ડિ અને ડેરિલ મિશેલે ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ભુવનેશ્વર કુમારે ઈનિંગની 19મી ઓવરમાં કોલિન ડિ ગ્રાન્ડહોમ (30)ને આઉટ કરીને ભારતને ચોથા સફળતા અપાવી હતી. તેણે 16 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપીને બે સફળતા મેળવી હતી. ક્રુણાલ પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા.

team india new zealand cricket news