શુભમન ગિલ : ભારતનો ફાસ્ટેસ્ટ, વિશ્વનો યંગેસ્ટ

19 January, 2023 12:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફક્ત ૧૯ વન-ડેમાં ૧૦૦૦ રન પૂરા કરી કોહલી-ધવનનો સંયુક્ત વિક્રમ તોડ્યો : સૌથી નાની ૨૩ વર્ષની ઉંમરે વન-ડેનો ડબલ સેન્ચુરિયન પણ બન્યો

શુભમન ગિલ

૨૩ વર્ષનો ઓપનિંગ બૅટર શુભમન ગિલ (૨૦૮ રન, ૧૪૯ બૉલ, ૯ સિક્સર, ૧૯ ફોર) ગઈ કાલે હૈદરાબાદમાં ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમ્યો હતો. તેની લાજવાબ ડબલ સેન્ચુરીની મદદથી ભારત બૅટિંગ કરીને ૩૪૯/૮નો તોતિંગ સ્કોર નોંધાવી શક્યું હતું.

ઇશાન કિશને ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી ત્યારે એવું લાગતું હતું કે વન-ડે ટીમમાં ગિલનું સ્થાન હાલપૂરતું ભયમાં કહી શકાય. જોકે ટીમમાં પાછા આવ્યા બાદ ૭૦, ૨૧ અને ૧૧૬ રનની ઇનિંગ્સ રમ્યા પછી હવે ગઈ કાલે ગિલે બૅટિંગ માટે સાવ આસાન ન કહી શકાય એવી પિચ પર એકસાથે બે વિક્રમ નોંધાવીને આ મૅચને સુવર્ણ અક્ષરે લખાવી.

ગિલે ૧૦૬ રન કર્યા ત્યારે વન-ડે કરીઅરમાં તેના ૧૦૦૦ રન પૂરા થયા હતા અને તે સૌથી ઓછી માત્ર ૧૯ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનારો ભારતનો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો છે. તેણે વિરાટ કોહલી અને શિખર ધવનનો સંયુક્ત વિક્રમ તોડ્યો છે. કોહલી-ધવને ૨૪-૨૪ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

બીજું, ૨૩ વર્ષનો ગિલ ગઈ કાલે વિશ્વનો સૌથી યુવાન ઓડીઆઇ ડબલ સેન્ચુરિયન બન્યો હતો. મહિના પહેલાં ૨૪ વર્ષના ઈશાન કિશને ડબલ સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો : ગિલ ૧૦૬ રન બનાવીને કરોડોનાં દિલ જીતી શકશે

ભારતનો પાંચમો, વિશ્વનો આઠમો

શુભમન ગિલ ગઈ કાલે વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો ખેલાડી બન્યો હતો : સચિન તેન્ડુલકર (૨૦૦*), રોહિત શર્મા (૨૬૪, ૨૦૯, ૨૦૮*), સેહવાગ (૨૧૯), ઈશાન કિશન (૨૧૦), શુભમન ગિલ (૨૦૮), ગપ્ટિલ (૨૩૭*), ગેઇલ (૨૧૫) અને ફખર ઝમાન (૨૧૦*).

જીવતદાન પછી ગિલની સિદ્ધિઓ

ગિલ ગઈ કાલે હાફ સેન્ચુરી પહેલાં વિકેટકીપર ટૉમ લેથમના હાથે સ્ટમ્પ-આઉટ થતાં બચી ગયો હતો. કિવી ફીલ્ડર્સે કેટલાક કૅચ પણ છોડ્યા હતા. ગિલે છગ્ગો મારીને ૧૫૦ રન પૂરા કર્યા હતા અને પછી ૨૦૦મા રનની સિદ્ધિ પણ સિક્સરથી મેળવ્યા બાદ આક્રમક મૂડમાં યાદગાર સેલિબ્રેશન કર્યું હતું.

૧૨ બૉલમાં ફટકાર્યા ૬ છગ્ગા

શુભમન ગિલે ૪૮ અને ૫૦મી ઓવર દરમ્યાન પોતે રમેલા કુલ ૧૨ બૉલમાંથી ૬ બૉલમાં સિક્સર ફટકારી હતી. એ રીતે તેણે અચાનક જ સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો.

ગિલના ૨૦૮ પછી રોહિતના ૩૪

ગઈ કાલે ભારતે ૮ વિકેટે જે ૩૪૯ રન બનાવ્યા હતા એમાં ગિલના ૨૦૮ રન સૌથી વધુ હતા, પરંતુ તેના પછીનો ટીમમાં હાઇએસ્ટ સ્કોર રોહિતનો હતો જેણે ૩૪ રન બનાવ્યા હતા. કોહલી (૮), કિશન (૫), સૂર્યા (૩૧), હાર્દિક (૨૮), વૉશિંગ્ટન સુંદર (૧૨) ટીમના બીજા રનકર્તા હતા.

હાર્દિક ક્લીન બોલ્ડ કે સ્ટમ્પ-આઉટ? : ગઈ કાલે ડેરિલ મિચલના બૉલમાં ચર્ચાસ્પદ સંજોગોમાં આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરે નિર્ણય આપ્યો હતો કે વિકેટકીપર લેથમના ગ્લવ્ઝથી બેલ્સ ઊડી હોવાના સ્પષ્ટ પુરાવા ન હોવાથી હાર્દિક ક્લીન બોલ્ડ થયો હોવાનું ડિસિઝન આપવામાં આવી રહ્યું છે. તસવીર એ.એફ.પી.

પ્રેક્ષકોએ જ્યારે ગિલને પ્રભાવિત કરવા ‘સારા...સારા...’ની બૂમો પાડી

શુભમન ગિલ ગઈ કાલે હૈદરાબાદમાં બેનમૂન ઇનિંગ્સ રમ્યો એ બદલ પ્રેક્ષકોએ તેને ખૂબ બિરદાવ્યો હતો, પરંતુ તાજેતરમાં શ્રીલંકા સામે પૂરી થયેલી એક વન-ડેમાં યાદગાર મૅચવિનિંગ બૅટિંગ કર્યા પછી જ્યારે મેદાન પર હતો ત્યારે પ્રેક્ષકોના એક જૂથે ‘સારા...સારા...’ની બૂમો પાડીને ગિલને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગિલે પ્રેક્ષકો તરફ જોઈને હાથ ઊંચો કર્યો હતો. એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. ગિલે શ્રીલંકા સામે ૭૦, ૨૧, ૧૧૬ રન બનાવ્યા હતા. સચિન તેન્ડુલકરની પુત્રી સારા અને ગિલ વચ્ચે સારી ફ્રેન્ડશિપ હોવાની વાતો અગાઉ ચગી હતી.

sports news sports cricket news indian cricket team new zealand hardik pandya rohit sharma Sara Tendulkar