30 September, 2023 02:41 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ટીમ ઇન્ડિયા ટેસ્ટ તથા ટી૨૦ ઉપરાંત વન-ડેમાં પણ વર્લ્ડ નંબર-વન છે અને આજે કિંગ તથા વર્લ્ડ કપની યજમાન ટીમ ઇન્ડિયાનો ગુવાહાટીમાં ગયા વર્લ્ડ કપ (૨૦૧૯)ના વિજેતા ઇંગ્લૅન્ડ સામે વૉર્મ-અપ મૅચમાં મુકાબલો છે. આ બિનસત્તાવાર મૅચ હોવાથી બન્ને ટીમ એમાં ઇલેવન કરતાં વધુ ખેલાડીઓને રમાડી શકે છે.
ભારતીય ટીમમાં છેલ્લી ઘડીએ ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને રવિચન્દ્રન અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સમાવીને સિલેક્ટર્સે તથા ટીમ મૅનેજમેન્ટે ઘણા દિવસોથી અશ્વિનની બાદબાકીના મુદ્દે ચાલતી ચર્ચાનો અંત લાવી દીધો છે. તેણે ગઈ કાલે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી. ભારતના અમુક પ્લેયર્સ જ ગઈ કાલે નેટમાં હતા, પરંતુ ઇંગ્લૅન્ડના પ્લેયર્સે લાંબા પ્રવાસ બાદ પ્રૅક્ટિસ કરી હતી.
ભારતીય ખેલાડીઓ છેલ્લા થોડા દિવસો દરમ્યાન બૅન્ગલોર, કોલંબો, પલ્લેકેલ, કોલંબો, મોહાલી, ઇન્દોર અને રાજકોટમાં મૅચ રમ્યા પછી ગુવાહાટી પહોંચ્યા છે. જોકે જૉસ બટલરની ટીમ ૩૮ કલાકના લાંબા પ્રવાસ બાદ આવી છે. તેઓ લંડનથી રવાના થયા બાદ દુબઈ તથા મુંબઈમાં થોડા કલાકો માટે રોકાયા બાદ ગુવાહાટી પહોંચ્યા છે.