ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

12 March, 2021 09:58 AM IST  |  Ahmedabad

ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

સ્પિનર્સ સાથે રમી શકે છે બન્ને ટીમ : ટેસ્ટ સિરીઝમાં માથાકૂટનું કારણ બનેલી પિચ આજે ફ્લૅટ રહેશે

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મૅચની સિરીઝ પૂરી થયા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઇન્ડિયા આજથી ઇંગ્લૅન્ડ સામે પાંચ ટી૨૦ મૅચની સિરીઝનો આરંભ જીતથી કરવા માગશે, જ્યારે ટેસ્ટ સિરીઝ ગુમાવી ચૂકેલી ઇંગ્લૅન્ડની ટીમ આ સિરીઝમાં સકારાત્મક વિચારધારા સાથે કમબૅક કરવા માગશે. આંકડાઓ મુજબ જોઈએ તો પણ બન્ને ટીમ એકમેકને સારી એવી લડત આપવામાં સક્ષમ છે. અહીં તાજેતરમાં રમાયેલી ટેસ્ટ-મૅચો જેમાં સ્પિનર્સનું વર્ચસ હતું એને ધ્યાનમાં લેતાં ટી૨૦ શ્રેણીમાં પણ બન્ને ટીમ સલામતી માટે વધુ સ્પિનર્સ રાખે તો નવાઈ નહીં.

રોહિત-રાહુલ ઓપનિંગમાં

વિરાટ કોહલીની સેના સામે સૌથી મોટો પ્રશ્ન યોગ્ય પ્લેયર્સની અને યોગ્ય કૉમ્બિનેશનની પસંદગી કરવાનો છે. જોકે દાવની શરૂઆત કરવાના મુદ્દે હવે બહુ ચિંતા નથી. રોહિત શર્મા ઓપનિંગ કરશે અને બીજા ઓપનર તરીકે લોકેશ રાહુલને તક આપવામાં આવી હોવાનું કૅપ્ટન કોહલીએ ગઈ કાલે એક મુલાકાતમાં કહ્યું હતું. શિખર ધવનને અનામત ઓપનર તરીકે રાખવામાં આવ્યો છે. આઇપીએલની પાછલી સીઝનમાં આ બન્ને ખેલાડીઓ (રાહુલ-શિખર)એ પોતાની ક્ષમતાનો સારો પરચો આપ્યો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ટીમ જો કોઈક કારણસર રોહિત કે રાહુલ ઈજાગ્રસ્ત થશે અને મૅચ નહીં રમી શકે તો શિખરનો ટીમમાં સમાવેશ થઈ શકે છે.

ઐયર-સૂર્યકુમારના નંબરમાં અદલાબદલી?

જો વિરાટસેના શિખર ધવનને લઈને મેદાનમાં ઊતરે તો સંભવ છે કે લોકેશ રાહુલને ચોથા નંબરે બૅટિંગ કરવા મોકલવામાં આવી શકે. જો એમ થાય તો શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન અપાતાં ડેબ્યુ પ્લેયર સૂર્યકુમાર યાદવે ભારત વતી ટી૨૦માં રમવા રાહ જોવી પડી શકે. ઓપનિંગ જોડીને બાદ કરતાં ટીમ માટે શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ ચોથા અને પાંચમા ક્રમે બૅટિંગ કરવા સક્ષમ છે. ટૂંકમાં ફૉર્મમાં ચાલી રહેલા કયા પ્લેયરને લઈને મેદાનમાં ઊતરવું એ ભારતીય ટીમ માટે કોયડો છે. બોલિંગ-ડિપાર્ટમેન્ટમાં પણ ટીમ અનુભવી ભુવનેશ્વર કુમારને રમાડી શકે છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નવદીપ સૈની, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરનો વિકલ્પ ટીમ પાસે ઉપલબ્ધ રહેશે.

ઇંગ્લૅન્ડ કરી શકે છે કમબૅક

ટેસ્ટ સિરીઝમાં ૧-૩થી પરાજય જોયા બાદ ઇંગ્લૅન્ડની ટીમ આજે ઓઇન મૉર્ગનના નેજા હેઠળ નવા લક્ષ્ય સાથે મેદાનમાં ટીમ ઇન્ડિયાને લડત આપવા ઊતરશે. એવામાં ટીમને પોતાના ઑલરાઉન્ડર પાસેથી સારી એવી આશા હશે; જેમાં બેન સ્ટોક્સ, મોઇન અલી અને સૅમ રેન મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફ્રા આર્ચર, ક્રિસ જૉર્ડન અને માર્ક વુડ જેવા ફાસ્ટ બોલર અને રિસ્ટ-સ્પિનર આદિલ રાશિદને લીધે ટીમ ઇન્ડિયાને જોરદાર હરીફાઈનો સામનો કરવો પડી શકે છે.

કેવી રહી શકે છે પિચ?

પ્રાપ્ત જાણકારી મુજબ વિશ્વના સૌથી મોટા મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટને ધ્યાનમાં રાખતાં સપાટ રહેવાની સંભાવના છે. આ ફ્લૅટ પિચ પર પુષ્કળ રન બની શકશે. વાસ્તવમાં ટી૨૦ ક્રિકેટમાં પિચ પરથી આતશબાજી થાય તો હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોને મોજ પડી જાય. જોકે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં આ સ્ટેડિયમની પિચ પર જે પ્રકારના પર્ફોર્મન્સ જોવા મળ્યા એ જોતાં બૅટ્સમેનો માટે આજે પણ પિચ લાભદાયી રહી શકે છે. સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની કુલ ૭ મૅચ આ ગ્રાઉન્ડમાં રમાઈ હતી અને એક પણ ટીમ ૧૬૫ રનના આંકડાને પાર નહોતી કરી શકી.

આજથી નવો હિસાબ

અત્યાર સુધી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે કુલ ૧૪ ટી૨૦ મૅચ રમાઈ છે જેમાંથી બન્ને ટીમ ૭-૭ મૅચ જીતી ચૂકી છે. આજે જીતનારી ટીમ સરસાઈ સાથે આગળ વધશે. એવામાં ભારત-ઇંગ્લૅન્ડની દમદાર ટીમ આ ગ્રાઉન્ડમાં કેવું પ્રદર્શન કરે છે એ જોવાનું રહેશે.

કયા રેકૉર્ડ તૂટી શકે છે?

- વિરાટ કોહલી ૭૨ રન બનાવવાની સાથે ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩૦૦૦ રન પૂરા કરનાર પહેલો બૅટ્સમૅન બનશે. અત્યાર સુધી તેણે ૮૫ ટી૨૦ મૅચમાં ૨૯૨૮ રન બનાવ્યા છે.

-આ સિરીઝ દરમ્યાન ૧૭ રન બનાવતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી કૅપ્ટન તરીકે ૧૨,૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો કૅપ્ટન બની શકે છે. આ પહેલાં આવું પરાક્રમ રિકી પૉન્ટિંગ (૧૫,૪૪૦) અને ગ્રેમ સ્મિથ (૧૪,૮૭૮) કરી ચૂક્યા છે.

- પાંચ ટી૨૦ મૅચની સિરીઝમાં ૧૩ સિક્સર ફટકારી ‘હિટમૅન’ રોહિત શર્મા ન્યુ ઝીલૅન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલને ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની બાબતમાં પાછળ મૂકી શકે છે. હાલમાં ગપ્ટિલ ૧૩૯ સિક્સર સાથે પહેલા ક્રમે, જ્યારે રોહિત ૧૨૭ સિક્સર સાથે બીજા ક્રમે છે.

- જો વિરાટસેના સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપશે તો તે ૧૦૦ આઇપીએલ મૅચ રમ્યા બાદ ભારત માટે ટી૨૦માં ડેબ્યુ કરનાર પહેલો પ્લેયર બનશે. અત્યાર સુધી સૂર્યકુમારે કુલ ૧૦૧ આઇપીએલ મૅચ રમ્યો છે.

- ઇંગ્લૅન્ડનો બૅટ્સમૅન ડેવિડ મલાન આ ટી૨૦ સિરીઝમાં ૧૪૫ રન બનાવી લે તો ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન બનાવનાર પ્લેયર બનશે. અત્યાર સુધી તેણે ૧૯ ઇનિંગ્સમાં ૮૫૫ રન બનાવ્યા છે, જ્યારે આ યાદીમાં પાકિસ્તાનનો બાબર આઝમ ૨૬ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન બનાવીને નંબર-વન છે.

india england narendra modi stadium ahmedabad cricket news sports news t20