અમ્પાયરે બચાવ્યા, ઐયર અને મુકેશ-અર્શદીપે જિતાડી દીધા

04 December, 2023 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષરને મૅચનો અને બિશ્નોઈને સિરીઝનો અવૉર્ડ મળ્યો : ભારત ૪-૧થી સિરીઝ જીત્યું

શ્રેયસ ઐય્યર, રવિ બિશનોઈ , મુકેશ કુમાર , અરશદીપ સિંઘ

સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે ગઈ કાલે બૅન્ગલોરમાં ઑસ્ટ્રેલિયાને પાંચમી અને છેલ્લી ટી૨૦માં ૬ રનથી હરાવીને સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી અને ગયા મહિનાની વર્લ્ડ કપ ફાઇનલની હારને થોડી ભુલાવી દીધી હતી. બૅટિંગમાં શ્રેયસ ઐયર (૫૩ રન, ૩૭ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)નો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો, પરંતુ ખાસ તો બોલર્સે અને ફીલ્ડર્સે ટીમ ઇન્ડિયાને આ રોમાંચક વિજય અપાવ્યો હતો. આ સિરીઝની શાનદાર જીત સાથે ભારતે આગામી જૂનમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેના રિહર્સલનો સફળ આરંભ કર્યો છે. ઑસ્ટ્રેલિયા ૧૬૧ રનના લક્ષ્યાંક સામે ૮ વિકેટે ૧૫૪ રન બનાવી શક્યું હતું. અક્ષરને મૅચનો અને બિશ્નોઈને સિરીઝનો અવૉર્ડ અપાયો હતો.

ઑસ્ટ્રેલિયાની ૨૦મી ઓવર અર્શદીપ સિંહે (૪-૦-૪૦-૨) કરી હતી. કાંગારૂઓએ જીતવા માટે ૧૦ રન બનાવવાના હતા. પહેલા બે ડૉટ-બૉલ બાદ ત્રીજા બૉલે કૅપ્ટન મૅથ્યુ વેડ (બાવીસ રન, ૧૫ બૉલ, ચાર ફોર) યૉર્કરમાં બિગ શૉટના પ્રયાસમાં ડીપમાં ઐયરને કૅચ આપી બેઠો હતો. જોકે એ તબક્કે પણ ત્રણ બૉલમાં ૧૦ રન જ બનાવવાના હોવાથી ભારતને પરાજયનો ડર લાગતો હતો. ચોથા બૉલમાં એક રન બન્યા બાદ પાંચમા બૉલમાં એલિસની ફોર જઈ શકે એમ હતું, પરંતુ સ્ટ્રેઇટ શૉટમાં બૉલ અમ્પાયરના પગ પર વાગ્યો હતો અને ફક્ત એક રન મળતાં ઑસ્ટ્રેલિયાની હાર ત્યાં નિશ્ચિત થઈ ગઈ હતી. છેલ્લા બૉલમાં ૮ રન બાકી હતા અને એક રન બન્યો અને ભારતે થ્રિલિંગ એન્ડમાં ૬ રનના નાના માર્જિનથી વિજય મેળવ્યો હતો. મુકેશ કુમારે ૩૨ રનમાં ત્રણ, દીપક ચાહરને બદલે રમેલા અર્શદીપે ૪૦ રનમાં બે, રવિ બિશ્નોઈએ ૨૯ રનમાં બે અને અક્ષર પટેલે ૧૪ રનમાં એક વિકેટ લીધી હતી. બેન મૅક‍્ડરમૉટ (૫૪ રન, ૩૬ બૉલ, પાંચ સિક્સર)ની ફટકાબાજી પાણીમાં ગઈ હતી.

ખરાબ શરૂઆત પછી સાધારણ સ્કોર
ભારતે બૅટિંગ મળ્યા પછી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા. ૩૩મા રને બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (૨૧ રન) અને ઋતુરાજ ગાયકવાડ (૧૦ રન)ની વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઇન્ડિયાએ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (પાંચ રન)ની પણ વિકેટ ગુમાવી દીધી હતી. તે રાયપુરમાં બનાવેલા એક રન પછી સતત બીજી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. રિન્કુ સિંહ (૬ રન) અને વિકેટકીપર જિતેશ શર્મા (૨૪ રન)ની પણ સસ્તામાં વિકેટ પડ્યા પછી શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ (૩૧ રન, ૨૧ બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચેની જોડીમાં છઠ્ઠી વિકેટ માટે ૪૬ રન બન્યા હતા.
કિવી બોલર્સમાં જેસન બેહરનડૉર્ફે ૩૮ રનમાં બે અને બેન ડ‍્વારશુઇસે ૩૦ રનમાં બે વિકેટ લીધી હતી.

ચાહર તાકીદે ઘરે પહોંચ્યો
પેસ બોલર દીપક ચાહર પરિવારમાંથી મેડિકલ ઇમર્જન્સીને લગતો સંદેશો મળ્યા પછી ગઈ કાલે મૅચ પહેલાં બૅન્ગલોરથી રવાના થઈને આગરા પહોંચી ગયો હતો. તેના સ્થાને અર્શદીપ સિંહને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.

sports news shreyas iyer indian cricket team cricket news austria