અમ્પાયરના નિર્ણયથી ધોની ભલે નાખુશ, પણ લાયન ખુશ

23 December, 2014 05:58 AM IST  | 

અમ્પાયરના નિર્ણયથી ધોની ભલે નાખુશ, પણ લાયન ખુશ




ભારતીય ક્રિકેટ-ટીમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે માનતો હોય કે સિરીઝમાં અમ્પાયરિંગમાં સુધારો કરવાની જરૂર છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નૅથન લાયને કહ્યું હતું કે અમ્પાયર સારું કામ કરી રહ્યા છે. એક-બે ભૂલને કારણે મેદાન પર ઝઘડો ન થવો જોઈએ. પહેલી બે ટેસ્ટમાં અમ્પાયરની ભૂલોને કારણે પાંચ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા. ત્યાર બાદ ધોનીએ કહ્યું હતું કે અમ્પાયરિંગમાં સુધારો થવો જોઈએ, પરંતુ ઑફ સ્પિનર નૅથન લાયને કહ્યું હતું કે ‘ખેલાડીઓએ મેદાન પર પોતાની લાગણી પર નિયંત્રણ રાખવું જોઈએ. ઍડીલેડમાં કેટલાક એવા નિર્ણયો બન્ને ટીમોની વિરુદ્ધમાં આવ્યા તો લાગણીઓ ભડકી ઊઠી, પરંતુ આ ટેસ્ટ-ક્રિકેટ છે જેમાં ધીરજ રાખવી જોઈએ.’

ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) વિશે તેણે કહ્યું હતું કે ‘એના ઉપયોગ બાબતે બન્ને ટીમો વચ્ચે સહમતી હોવી જોઈએ. હું DRSની વિરુદ્ધ નથી. મારું માનવું છું કે એ રમત માટે સારું છે.’