બે મિચલનો ભારે ડર, પણ ટીમ ઇન્ડિયા મચાવી શકે છે હલચલ

22 March, 2023 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે ચેન્નઈમાં નિર્ણાયક વન-ડે : મિચલ સ્ટાર્કે ૮ વિકેટ લઈને ભારતીય બૅટર્સની ઊંઘ હરામ કરી દીધી છે, જ્યારે મિચલ માર્શ ૨૭ બાઉન્ડરી સાથે ૧૪૭ રન કરીને ભારે પડ્યો છે : સૂર્યા આજે ખોલાવી શકશે ખાતું?

ખુરસી ખતરામાં? જો ભારત આજની મૅચ હારીને સિરીઝ ગુમાવશે તો રોહિત શર્મા માટે કૅપ્ટન્સી ખતરામાં આવી જશે અને હાર્દિક પંડ્યાને ટીમની કમાન મળી શકે છે.

ચેન્નઈમાં આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન-ડે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) ટક્કર જામવાની છે. પ્રથમ વાનખેડે જંગ ભારતે પાંચ વિકેટે જીતીને શુભ શરૂઆત કરી હતી, પણ રવિવારે વિશાખાપટનમમાં કાંગારૂઓએ જબરો વળતો પ્રહાર કરીને ૧૦ વિકેટે શાનદાર વિજય મેળવીને સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. હવે આજે ચેન્નઈમાં બન્ને ટીમ વચ્ચે સિરીઝ જીતવાનો ખરાખરીનો જંગ જામશે.

‘મિચલ’ના મારથી બચવું પડશે

બન્ને વન-ડેમાં ભારતને બે કાંગારૂઓ મિચલ માર્શ અને મિચલ સ્ટાર્કે ખૂબ પરેશાન કર્યા છે. માર્શે પહેલી વન-ડેમાં ૬૫ બૉલમાં પાંચ સિક્સર અને ૧૦ ફોર સાથે ૮૧ રન ફટકાર્યા હતા, જ્યારે બીજી મૅચમાં તે ૩૦ બૉલમાં ૬ સિક્સર અને ૬ ફોર સાથે ૬૬ રનની અફલાતૂન ઇનિંગ્સ રમ્યો હતો. આમ બે મૅચમાં તેણે ૧૧ સિક્સર અને ૧૬ ફોરની રમઝટ બોલાવીને કુલ ૧૪૭ રન કર્યા છે. જ્યારે સ્ટાર્કે પહેલી મૅચમાં ૪૯ રનમાં ૩ વિકેટ અને બીજી મૅચમાં ૫૩ રનમાં પાંચ વિકેટનો તરખાટ મચાવી ભારતીય ટૉપ ઑર્ડરની કમર તોડી નાખી હતી. આમ આજે ભારતે સિરીઝ જીતવા માટે આ બન્ને મિચલનો તોડ કાઢવો પડશે. 

સૂર્યોદયની આશા

ટી૨૦ ફૉર્મેટમાં શાનદાર પર્ફોર્મન્સ સાથે રૅન્કિંગ્સમાં નંબર વનનું સ્થાન હાંસલ કરનાર સૂર્યકુમાર વન-ડેમાં હજી એવી કમાલ નથી કરી શક્યો. આગામી વન-ડે વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન પાકું કરવા સૂર્યકુમાર પાસે આ સિરીઝમાં ગોલ્ડન ચાન્સ હતો. શ્રેયસ ઐયર ઇન્જર્ડ હોવાથી ટીમમાં તેને મોકો મળ્યો છે, પણ તે એનો હજી સુધી લાભ નથી લઈ શક્યો. બન્ને મૅચમાં પહેલા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછો ફરીને તેણે ચાહકો અને મૅનેજમેન્ટને નિરાશ કર્યા છે. સૂર્યકુમાર પાસે આજે કદાચ વર્લ્ડ કપ માટેની દાવેદારી નોંધાવવાનો છેલ્લો મોકો છે. આજની વન-ડે બાદ ભારત છેક જૂન-જુલાઈમાં વન-ડે રમશે અને ત્યાં સુધી ઐયર ફિટ થઈ જશે તો સૂર્યકુમાર માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની જશે. 

સૂર્યાને પાંચમા નંબરે મોકલો : જાફર

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે સિરીઝમાં સૂર્યકુમારના ફ્લૉપ શોને લીધે તેને થોડા નીચલા ક્રમાંકે એટલે કે પાંચમા નંબરે મોકલવાનું કહ્યું છે અને પર્ફોર્મન્સ જો આવો જ રહ્યો તો તેને બદલે ટીમમાં સંજુ સૅમસનને મોકો આપવો જોઈએ. જોકે કૅપ્ટન રોહિત શર્માનો સૂર્યકુમારને ફુલ સપોર્ટ હોવાથી તેને હજી એક મોકો મળી શકે છે. રોહિતે કહ્યું કે ‘હું ટી૨૦ના નંબર વન બૅટરની ક્ષમતા વિશે સંપૂર્ણપણે વાકેફ છું એથી વન-ડેમાં લય મેળવવા તેને ૭થી ૧૦ મૅચ આપવા માગું છું.’

આ પણ વાંચો:  હાર્દિક કાંગારૂઓને ફરી ભારે પડશે?

પેસ કે સ્પિન, ચેન્નઈનું સસ્પેન્સ

સિરીઝની બન્ને મૅચમાં પેસ બોલર્સની બોલબાલા રહી છે, પણ ચેન્નઈમાં હંમેશાં સ્પિનર્સને સહાય મળી છે. જોકે નવી બનાવાયેલી ચેન્નઈની પિચ અને લાંબા ગાળા બાદ ઇન્ટરનૅશનલ મૅચનું આયોજન થઈ રહ્યું હોવાથી એ કોને ફળશે એ વિશે જુદા-જુદા મત વ્યક્ત થઈ રહ્યા છે. નૉર્મલી ચેન્નઈમાં સ્લો બોલર્સ અસરકારક સાબિત થયા હોય છે અને મિડલ ઓવર્સમાં રન બનાવવા આસાન નથી હોતા, પણ એવી પણ ચર્ચા છે કે આ નવી તૈયાર થયેલી પિચને ચેન્નઈ સુપર કિંગ્સની સ્ટ્રેંગ્થ પેસ બોલરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. 

ટૉસ જીતો, બૅટિંગ કરો

આ સિરીઝમાં ચેઝ કરનાર ટીમનો હાથ ઉપર રહ્યો છે, પણ ચેન્નઈમાં એ અપ્રોચ કદાચ બદલવો પડશે. ચેન્નઈમાં અત્યાર સુધી રમાયેલી ૨૦ મૅચમાંથી ૧૩ વાર પ્રથમ બૅટિંગ કરનાર ટીમે વિજય મેળવ્યો છે. ચેન્નઈમાં પિચ સેકન્ડ હાફમાં ખૂબ ધીમી થતી જાય છે અને રન બનાવવા મુશ્કેલ થઈ પડે છે. છેલ્લે ૨૦૧૯માં અહીં રમાયેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને હરાવ્યું હતું.

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પ્રયોગ ચાલુ રાખીશુંઃ રાહુલ દ્રવિડ

ભારતીય ટીમના હેડ-કોચ રાહુલ દ્રવિડની નજર સિરીઝના પરિણામને બદલે ઘરઆંગણે રમાનારા આગામી વન-ડે વર્લ્ડ કપ માટે યોગ્ય ખેલાડીઓના સિલેક્શન પર વધુ છે. રાહુલ દ્રવિડે વર્લ્ડ કપ પહેલાંની ઘરઆંગણેની ૯ વન-ડે (ત્રણ ન્યુ ઝીલૅન્ડ સામે, ત્રણ શ્રીલંકા સામે અને ત્રણ ઑસ્ટ્રેલિયા સામે) મૅચમાં ૧૭-૧૮ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મોટા ભાગે એમાં સફળ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

sports news sports indian cricket team cricket news hardik pandya rohit sharma australia mitchell starc