ઑસ્ટ્રેલિયાને અશ્વિનનો ખોફ

12 February, 2023 09:55 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

ભારત એક ઇનિંગ્સ અને ૧૩૨ રનથી જીત્યું નાગપુર ટેસ્ટ, કાંગારૂઓ બીજી ઇનિંગ્સમાં ૯૧ રનમાં ઑલઆઉટ, ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની નજીક પહોંચ્યું

નાગપુર ટેસ્ટમાં વિકેટની ઉજવણી કરતો રવિચન્દ્રન અશ્વિન.

રવિચન્દ્રન અશ્વિન વેધક બોલિંગ દ્વારા ઑસ્ટ્રેલિયાના બૅટર્સને આઉટ કરતાં ભારતે એક ઇનિંગ્સ અને ૧૩૨ રનથી નાગપુર ટેસ્ટ જીતી લીધી. પહેલી ઇનિંગ્સની ૨૨૩ રનની લીડ બાદ ભારતે ૩૨.૩ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને ઑલઆઉટ કરી દીધું હતું. આમ નાગપુરના જામથાની ટેસ્ટ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. અક્ષર પટેલના ૮૪ રન અને મોહમ્મદ શમીના ૩૭ રનને કારણે પહેલા દાવમાં ભારત ૪૦૦ રન સુધી પહોંચ્યું હતું. કુલ ૭ વિકેટ લેનાર અને ૭૦ રન કરનાર જાડેજાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. વિજયને કારણે ભારતની ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની શક્યતાને વધુ મજબુત બનાવી છે.

અશ્વિને તેની કરીઅરમાં ૩૧મી વખત પાંચ વિકેટ લીધી હતી. બૅટર્સને ખબર જ નહોતી પડતી કે તેના બૉલ સામે ડિફેન્સ કરવું કે એને ફટકારવો. ભારતીય ઇનિંગ્સે એ વાત સાબિત કર્યું હતું કે ખામી પિચમાં નહોતી, પરંતુ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓના મગજમાં હતી. અશ્વિને ૩૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી તો જાડેજાએ ૩૪ રન આપીને બે વિકેટ લીધી હતી. સ્ટીવન સ્મિથે (નૉટઆઉટ ૨૫) માત્ર એક છેડો સાચવીને અનિવાર્ય હારને લંબાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મોહમ્મદ શમીએ છેલ્લી બે વિકેટ ઝડપીને હાર નિશ્ચિત કરી નાખી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી એક તરફ યુવા બોલર મર્ફીએ ૧૪ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી તો નૅથન લાયન માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. 

25
ભારતમાં ટેસ્ટ મૅચમાં અશ્વિને આટલી વખત પાંચ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે અનિલ કુંબલે સાથે સરખામણી કરી છે. ઘરઆંગણે સૌથી વધુ વખત પાંચ વિકેટ મુથૈયા મુરલીધરનની છે, જેણે ૪૫ વખત આ સિદ્ધિ મેળવી છે.   

91
નાગપુર ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ૯૧ રન ભારતમાં તેનો બીજી ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર હતો. અગાઉ મુંબઈમાં ૨૦૦૨માં તેઓ ૯૩ રનમાં ઑલઆઉટ થયા હતા. 

આ પણ વાંચો: વૉર્નરને ટીમમાંથી કાઢો : પૉન્ટિંગ

જાડેજાને દંડ થયો

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં જીતના હીરો રહેલા રવીન્દ્ર જાડેજાને અમ્પાયરની પરવાનગી લીધા વિના હાથની સૂજી ગયેલી આંગળી પર ક્રીમ ચોપડવા બદલ મૅચ-ફીના ૨૫ ટકા દંડ કરવામાં આવ્યો છે. મૅચના પહેલા દિવસે જાડેજા સિરાજ પાસેથી ક્રીમ લઈને ડાબા હાથની આંગળી પર ઘસતો જોવા મળ્યો હતો. આઇસીસીએ કહ્યું કે આ ક્રીમ માત્ર દુખાવા માટે લગાડાઈ હતી, જેથી બૉલની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહોતો, પરંતુ એનાથી આઇસીસીની આચારસંહિતાની કલમ ૨.૨૦નો ભંગ થયો હતો. એના રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટનો વધારો થયો છે.

નૅથન લાયનનો રેકૉર્ડ

ઑસ્ટ્રેલિયાનો નૅથન લાયન ટેસ્ટ ક્રિકેટમાં ૩૦,૦૦૦ બૉલ ફેંકનાર વિશ્વનો સાતમો અને ઑસ્ટ્રેલિયાનો બીજો બોલર બન્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે ૩૦,૦૦૦ બૉલ એક પણ નો-બૉલ વગર ફેંક્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. નૅથન પહેલાં ટેસ્ટમાં ૩૦,૦૦૦ બૉલ ફેંકનારાઓમાં મુથૈયા મુરલીધરન, અનિલ કુંબલે, શેન વૉર્ન, જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ અને કર્ટની વૉલ્સનો સમાવેશ છે. 

ધરમશાલામાં નહીં રમાય ત્રીજી ટેસ્ટ?

ધરમશાલામાં ત્રીજી ટેસ્ટની યજમાની પાછી લઈ લેવામાં આવે એવી શક્યતા છે, કારણ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં નવી ડ્રેનેજ સિસ્ટમ બાદ મેદાન ટેસ્ટ મૅચની યજમાની માટે સરખી રીતે તૈયાર નથી. ક્રિકેટ બોર્ડની એક ટીમ ત્યાં જશે. ડ્રેનેજ સિસ્ટમ માટે સમગ્ર મેદાન ખોદી નાખવામાં આવ્યું હતું, પરંતુ મેદાનમાં સરખી રીતે ઘાસ ઊગ્યું નથી. ટેસ્ટ મૅચ માટે મેદાન પર ઘાસ હોવું જરૂરી છે. 

sports news sports cricket news indian cricket team test cricket ravindra jadeja ravichandran ashwin border-gavaskar trophy rohit sharma nagpur