06 June, 2026 10:15 AM IST | New Chandigarh | Gujarati Mid-day Correspondent
ભારતનો કૅપ્ટન શુભમન ગિલ, અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી
ન્યુ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચની શરૂઆત થશે. એક તરફ ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનના આગળના શેડ્યુલ માટેની તૈયારી માટે ઊતરશે તો બીજી તરફ અફઘાનિસ્તાન ટેસ્ટ-ક્રિકેટમાં પોતાની ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
અફઘાનિસ્તાન જૂન ૨૦૧૮માં પોતાની પહેલી ટેસ્ટ-મૅચ ભારત સામે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમ્યું હતું. એ મૅચમાં ભારતે ૪૭૪ રન કર્યા હતા અને જવાબમાં અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૦૯ રન કરી શક્યું હોવાથી એને ફૉલો-ઑન મળ્યું હતું અને બીજા દાવમાં ટીમ ૧૦૩ રનમાં ઢેર થતાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૬૨ રનની વિશાળ જીત મેળવી હતી. ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે આજે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે.
એક ઇનિંગ્સ અને ૨૬૨ રનની ભારતની સૌથી મોટી ટેસ્ટ-જીતનો રેકૉર્ડ એ જ વર્ષે ઑક્ટોબરમાં તૂટ્યો હતો. એ સમયે ભારતીય ટીમે રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને ૨૭૨ રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન ૧૨ ટેસ્ટ-મૅચમાંથી ૪ જીત્યું છે અને ૭ હાર્યું છે. જ્યારે એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ભારત ૧૯૩૨થી ૨૦૨૫ વચ્ચે ૫૯૮ ટેસ્ટ-મૅચ રમ્યું છે અને એમાંથી ૧૬૫માં જીત્યું છે, ૧૮૮માં હાર્યું છે, ૨૨૪ ડ્રૉ અને એક ટાઇ થઈ છે.
ટેસ્ટ-મૅચમાં વચ્ચે પિન્ક બૉલનો ઉપયોગ કરવાનો નિર્ણય મને ખરેખર ગમ્યો. આ ખૂબ પ્રોઍક્ટિવ નિર્ણય છે. આ નિર્ણયને તમામ ટીમોએ પૉઝિટિવ થઈને આવકારવો જોઈએ. - ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર
અફઘાનિસ્તાનની વર્તમાન સ્ક્વૉડના ખેલાડીઓએ ટેસ્ટ-મૅચમાં માત્ર ૧૩ વિકેટ લીધી છે, જ્યારે ભારતની વર્તમાન સ્ક્વૉડના ખેલાડીઓએ ૨૮૧ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ ટેસ્ટ-ફૉર્મેટમાં ૧૩૯ વિકેટ સાથે આ મૅચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. વર્તમાન અફઘાનિસ્તાનની સ્ક્વૉડે માત્ર ૨૩૮૮ રન કર્યા છે જે ભારતીય કૅપ્ટન શુભમન ગિલના ટેસ્ટ-ફૉર્મેટના ૨૮૪૩ રન કરતાં ઓછા છે. ભારતની વર્તમાન ટેસ્ટ-સ્ક્વૉડના ખેલાડીઓએ ૧૪,૫૫૫ રન કર્યા છે. ૪૦૫૩ રન સાથે કે. એલ. રાહુલ સૌથી અનુભવી ખેલાડી છે.
નવા બનેલા મુલ્લાંપુર સ્ટેડિયમમાં ૨૦૨૫માં એક મેન્સ T20 મૅચ અને બે વિમેન્સ વન-ડે મૅચ રમાઈ હતી. આજે મુલ્લાંપુર સ્ટેડિયમ ભારતનું ૩૧મું ટેસ્ટ-વેન્યુ બનશે. ૨૦૦૮થી હમણાં સુધી ભારતને નાગપુર, હૈદરાબાદ, ઇન્દોર, રાજકોટ, વિશાખાપટનમ, પુણે, રાંચી, ધરમશાલા જેવાં ટેસ્ટ-વેન્યુ મળ્યાં છે.