કોણ કરશે ફરી ક્વૉર્ટરવાળી કમાલ?

23 August, 2012 05:49 AM IST  | 

કોણ કરશે ફરી ક્વૉર્ટરવાળી કમાલ?

ટાઉન્સવિલ (ઑસ્ટ્રેલિયા): ઑસ્ટ્રેલિયામાં ચાલતા વન-ડેના અન્ડર-૧૯ વલ્ર્ડ કપની આજની બીજી સેમી ફાઇનલ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦)માં ભારતનો મુકાબલો ન્યુ ઝીલૅન્ડ સામે છે. બન્ને ટીમોએ ક્વૉર્ટર ફાઇનલમાં ભારે રોમાંચક અને થિþલર મૅચમાં વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં ભારતે ભારે ઉતાર-ચડાવવાળી મૅચમાં એના કટ્ટર હરીફ પાકિસ્તાનને એક વિકેટે, જ્યારે ન્યુ ઝીલૅન્ડે એક થિþલર મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

બૅટિંગ-પ્રૉબ્લેમ

ભારતીય ટીમને સૌથી મોટી સમસ્યા એના બૅટ્સમેનોની નિષ્ફળતાની છે. ઝિમ્બાબ્વે સામેની મૅચને બાદ કરતાં કોઈ મૅચમાં એના ટૉપ ઑર્ડરે કમાલ નથી બતાવી. કૅપ્ટન ઉનમુક્ત ચંદ ચાર મૅચમાં ફક્ત ૧૦૪ રન જ બનાવી શક્યો છે, જેમાં ઝિમ્બાબ્વે સામેના ૭૮ રનનો સમાવેશ છે. પાકિસ્તાન સામેની મૅચ-વિનિંગ હાફ-સેન્ચુરીને બાદ કરતાં તામિલનાડુના બાબા અપરાજિતે ત્રણ મૅચમાં ફક્ત ૪૩ રન જ બનાવ્યા છે. ઓપનર પ્રશાંત ચોપડા પાકિસ્તાન સામે શૂન્ય પર આઉટ થઈ ગયો હતો, પણ બે હાફ સેન્ચુરી સાથે તે જ એકમાત્ર સૌથી સફળ બૅટ્સમૅન છે. વિજય ઝોલ અને વિકેટકીપર-બૅટ્સમૅન સ્મિત પટેલ મર્યાદિત સફળ રહ્યા પછી આજે તેમના તરફથી વધુ સારા પફોર્ર્મન્સની જરૂર પડશે.

બોલરો પર જ ભરોસો

કમલ પાસી, સંદીપ સિંહ અને રવિકાંત સિંહ અત્યાર સુધી ટીમના ભરોસા પર ખરા સાબિત થયા છે અને આજે પણ ફાઇનલમાં પહોંચવા તેમની કમાલની જરૂર પડશે.

સ્મિતની કમાલ

ભારતની ટીમનો જો સૌથી સ્ટ્રૉન્ગ પૉઇન્ટ હોય તો એ એની શાર્પ ફીલ્ડિંગ છે. ક્વૉર્ટર ફાઇનલમાં અપરાજિત અને ગુજરાતના વિકેટકીપર સ્મિતે ચાર-ચાર કૅચ પકડીને કમાલ કરી હતી. સ્મિતે છેલ્લી લીગ મૅચમાં પપુઆ ન્યુ ગિની સામે પણ ચાર કૅચ પકડ્યા હતા. તેણે ચાર મૅચમાં કુલ ૧૨ કૅચ અને એક સ્ટમ્પિંગ સાથે તેના સૉલિડ વિકેટકીપિંગ સાથે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

કિવી ઑલરાઉન્ડર ઇન્જર્ડ

ક્વૉર્ટર ફાઇનલમાં મજબૂત વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી ઓવરમાં મૂળ ભારતના અને કિવીઓ વતી રમતા ઈશ સોઢીએ જરૂરી ૧૮ રન ફટકારીને ટીમને સેમી ફાઇનલમાં પહોંચાડી હતી. કિવીઓ આજે ભારત સામે ફરી સોઢીની કમાલની આશા રાખી રહ્યા છે. જોકે તેમનો ઑલરાઉન્ડર હેન્રી વૉલ્શ ઇન્જર્ડ થતાં તેની ખોટ સાલશે. હેન્રી વતન પાછો જતો રહ્યો છે અને તેની જગ્યાએ બૅટ્સમૅન બૅન હાયડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની હાર, શ્રીલંકાની જીત

પાંચમા સ્થાન માટેની પ્લે-ઑફ સેમી ફાઇનલના મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને ૧૬ રને હાર આપી હતી. પાંચમા સ્થાન માટે હવે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આખરી જંગ જામશે, જ્યારે ૯મા સ્થાન માટે પ્લે-ઑફ સેમી ફાઇનલમાં શ્રીલંકાએ આયર્લેન્ડને ૧૦૯ રનથી હાર આપી હતી.

ભારત બે વાર ચૅમ્પિયન

ભારત બે વાર ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૭-’૦૮માં અન્ડર-૧૯ વલ્ર્ડ કપ જીતીને ચૅમ્પિયન રહી ચૂક્યું છે, જ્યારે ૨૦૦૫-’૦૬માં ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારીને રનર-અપ રહ્યું હતું. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડ ૧૯૯૭-’૯૮માં એક જ વાર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યું છે. જોકે ફાઇનલમાં એનો ઇંગ્લૅન્ડ સામે પરાજય થયો હતો. અત્યાર સુધી રમાયેલા આઠ અન્ડર-૧૯ વલ્ર્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સૌથી વધુ ત્રણ વાર ચૅમ્પિયન બન્યું છે, જ્યારે ભારત અને પાકિસ્તાને બે વાર અને ઇંગ્લૅન્ડે એક વાર કમાલ કરી છે.