19 February, 2023 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાંચ વિકેટ ઝડપનાર રેણુકા સિંહ ઠાકુર (મધ્ય)ને અભિનંદન આપતી ભારતીય ટીમની ખેલાડીઓ.
ગઈ કાલે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં વિજય માટે ઇંગ્લૅન્ડે આપેલા ૧૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ પાંચ વિકેટે ૧૪૦ રન જ કરી શકતાં ૧૧ રનથી આ મૅચ હારી ગઈ છે. આમ ઇંગ્લૅન્ડે છ પૉઇન્ટ સાથે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ ભારતે હજી સેમી ફાઇનલમાં પહોંચવા માટે આયરલૅન્ડ સામેની મૅચ જીતવી જરૂરી છે. ભારત તરફથી મંધાનાએ આક્રમક બાવન રન કર્યા તો રિચા ઘોષે નૉટઆઉટ ૪૭ રન કર્યા હતા. મંધાના આઉટ થયા બાદ રિચાને વધુ બૅટિંગ કરવાની તક જ મળી નહોતી. વળી ભારતીય ટીમ પહેલી ૧૦ ઓવરમાં પણ વધુ આક્રમકતાથી રમી નહોતી, જે એને ભારે પડ્યું.
સેમી ફાઇનલમાં પહોંચવા માટે મહત્ત્વની સાઉથ આફ્રિકાના કેબેહા શહેરમાં રમાયેલી મૅચમાં મિડિયમ ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે પાંચ વિકેટ લેતાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લૅન્ડને ૭ વિકેટે ૧૫૧ રન જ કરવા દીધા હતા. ૧૫ રનમાં ૫ વિકેટ લેનાર રેણુકાએ શરૂઆતમાં ત્રણ વિકેટ ઝડપીને ઇંગ્લૅન્ડની ટીમમાં સોંપો પાડી દીધો હતો. ત્યાર બાદ છેલ્લે બે વિકેટ ઝડપી હતી. રેણુકાએ પહેલી ઓવરના ત્રીજા બૉલમાં જ ઇંગ્લૅન્ડના બોલર ડેન વેટને આઉટ કરી હતી. ત્યાર બાદની બીજી બે ઓવરમાં તેણે અન્ય બે બૅટરોને આઉટ કરીને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરવાના કૅપ્ટન હરમનપ્રીત કૌરના નિર્ણયને યોગ્ય સાબિત કરી દેખાડ્યો હતો. આમ એક સમયે ઇંગ્લૅન્ડે ૪.૪ ઓવરમાં ૨૯ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ નેતાલી સિવર અને કૅપ્ટન હિધર નાઇટ (૨૮) વચ્ચે માત્ર ૩૮ બૉલમાં ૫૧ રનની થયેલી પાર્ટનરશિપે ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. નેતાલી સિવરે ૪૨ બૉલમાં ૫૦ રન બનાવ્યા, પરંતુ ઇંગ્લૅન્ડને ખરી જરૂર હતી ત્યારે તેણે વિકેટ ગુમાવી દીધી હતી. એમી જોન્સે શાનદાર ૨૭ બૉલમાં ૪૦ રન કર્યા હતા.