લેથમની લડત સામે શિખરની ટીમ પરાસ્ત

26 November, 2022 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦૪ બૉલમાં બનાવ્યા અણનમ ૧૪૫, વિલિયમસનના ૯૪ અણનમ ઃ ઑકલૅન્ડમાં ૩૦૦-પ્લસના સફળ ચેઝવાળી બીજી જ મૅચ

લેથમની લડત સામે શિખરની ટીમ પરાસ્ત

ન્યુ ઝીલૅન્ડના પ્રવાસમાં ભારત ટી૨૦ સિરીઝ તો જીતી ગયું, પણ હવે ત્રણ મૅચની વન-ડે શ્રેણીમાં ભારતે હાર સાથે શરૂઆત કરી છે. ભારતે બૅટિંગ મળ્યા બાદ ૫૦ ઓવરમાં ૭ વિકેટે બનાવેલા ૩૦૬ રનનો સન્માનજનક સ્કોર તો નોંધાવ્યો હતો, પરંતુ વિકેટકીપર ટૉમ લેથમ (૧૪૫ અણનમ, ૧૦૪ બૉલ, પાંચ સિક્સર, ઓગણીસ ફોર) અને કૅપ્ટન કેન વિલિયમસન (૯૪ અણનમ, ૯૮ બૉલ, અેક સિક્સર, સાત ફોર)ની જોડી સામે ભારતીય બોલર્સ મર્યાદિત વિકલ્પોને કારણે નબળા સાબિત થયા હતા. બન્ને વચ્ચે ૧૬૫ બૉલમાં ૨૨૧ રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ન્યુ ઝીલૅન્ડે ૩૦૭ રનનો ટાર્ગેટ ૭ વિકેટ અને ૧૭ બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. ઑકલૅન્ડના ઈડન પાર્કમાં વન-ડેમાં કોઈ ટીમે ૩૦૦-પ્લસનો લક્ષ્યાંક ચેઝ કરી લીધો હોય અેવું બીજી જ વખત બન્યું છે. ફેબ્રુઆરી ૨૦૦૭માં ઑસ્ટ્રેલિયા સામે ન્યુ ઝીલૅન્ડે ૩૩૭ રનનો લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ગઈ કાલે લેથમને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તે પાંચમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને સાતમી વન-ડે સેન્ચુરી ફટકારીને કૅપ્ટન સાથે અણનમ રહ્યો હતો.
શાર્દુલની ખર્ચાળ ઓવરમાં ટર્ન
અેક તબક્કે યજમાન ટીમનો સ્કોર ૨૦મી ઓવરમાં ૩ વિકેટે ૮૮ રન હતો અને જો ત્યારે ભારતીયો વધુ અેક કે બે વિકેટ લઈ શક્યા હોત તો વિજય ભારતના કબજામાં હોત, પરંતુ વિલિયમસન સાથે ત્યારે લેથમ જોડાયો હતો અને બન્નેઅે છેક સુધી યુવાન ભારતીય બોલર્સને હંફાવ્યા હતા. અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને વૉશિંગ્ટન સુંદરે અેકેય વિકેટ તો નહોતી મળી, બન્ને કિવી બૅટર્સ સામે તેમનું આક્રમણ નિસ્તેજ પુરવાર થઈ હતી. શરૂઆતમાં ફિન અૅલન (બાવીસ રન)ની વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર ઇનિંગ્સની ૪૦મી ઓવર જરૂર ભૂલવાની કોશિશ કરશે, કારણકે લેથમે તેની અે ઓવરમાં ચાર ફોર અને અેક સિક્સરની મદદથી પચીસ રન ખડકી દીધા હતા. અે ઓવરથી જ બાજી પલટાઈ ગઈ હતી અને ન્યુ ઝીલૅન્ડની તરફેણમાં જતી રહી હતી. વિલિયમસને વિનિંગ રન પણ બાઉન્ડરીથી બનાવ્યા હતા.
ઉમરાન ચમક્યા પછી ખર્ચાળ
જમ્મુનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ગઈ કાલે શરૂઆતમાં કાતિલ બોલિંગને કારણે છવાઈ ગયો હતો. તેણે ગણતરીની ઓવર્સમાં વિકેટકીપર ડેવૉન કૉન્વે (૨૪) અને ડેરિલ મિચલ (૧૧)ની વિકેટ લીધી હતી, પણ પછી લેથમ અને વિલિયમસન સામે નહોતો ફાવ્યો અને ખર્ચાળ સાબિત થયો હતો. તેની ૧૦ ઓવરમાં ૬૬ રન બન્યા હતા. ટી૨૦માં ધૂમ મચાવનાર અર્શદીપ સિંહ (૬૮ રનમાં વિકેટ નહીં), શાર્દુલ ઠાકુર (૬૩ રનમાં અેક) અને ચહલ (૬૭ રનમાં વિકેટ નહીં) પણ ખર્ચાળ પુરવાર થયા હતા.
શ્રેયસ, શિખર, ગિલની હાફ સેન્ચુરી
અે પહેલાં, ભારતે ૭ વિકેટે જે ૩૦૬ રન બનાવ્યાહતા અેમાં શ્રેયસ અૈયર (૮૦ રન, ૭૬ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર), કૅપ્ટન શિખર ધવન (૭૨ રન, ૭૭ બૉલ, ૧૩ ફોર) તથા શુભમન ગિલ (૫૦ રન, ૬૫ બૉલ, ત્રણ સિક્સર, અેક સિક્સર)ના સૌથી મોટા યોગદાનો હતા. ટી૨૦ સિરીઝમાં ન રમવા મળ્યો અેનો અફસોસ ભૂલીને ગઈ કાલે સિરીઝની પ્રથમ વન-ડેમાં રમવા મળેલી તકનો સંજુ સૅમસન (૩૬ રન, ૩૮ બૉલ, ચાર ફોર) પૂરો લાભ નહોતો લઈ શક્યો.
સુંદરની ફટકાબાજી અેળે ગઈ
સુંદરે પણ ગઈ કાલે બૅટિંગમાં પોતાનો થોડો પરચો કરાવી દીધો હતો. તેણે માત્ર ૧૬ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ ૩૭ રન બનાવ્યા હતા, પરંતુ પછીથી બોલિંગમાં તેને કોઈ સફળતા નહોતી મળી. ભારતની ઇનિંગ્સમાં કિવી બોલર્સમાંથી ટિમ સાઉધી અને લૉકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ તેમ જ અૅડમ મિલ્નઅે અેક વિકેટ લીધી હતી. મૅટ હેન્રી અને મિચલ સૅન્ટનરને વિકેટ નહોતી મળી.
બીજી વન-ડે રવિવારે
હવે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે ૭.૦૦ વાગ્યાથી) બીજી વન-ડે હૅમિલ્ટનમાં રમાશે. અે મૅચ જીતીને ભારતે સિરીઝ ૧-૧થી લેવલ કરવી જ પડશે.

cricket news sports news