ભારત અને પાકિસ્તાનની મૅચ સૌથી વધુ જોવાયેલી ટી૨૦ મૅચ બની : આઇસીસી

26 November, 2021 02:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

યુએઈમાં રમાયેલી આ ટુર્નામેન્ટને વિશ્વભરમાં ૧૬૭ કરોડ લોકોએ જોઈ યુએઈમાં રમાયેલી આઇસીસી ટી૨૦

ભારત અને પાકિસ્તાનની મૅચ સૌથી વધુ જોવાયેલી ટી૨૦ મૅચ બની

યુએઈમાં રમાયેલી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપે વ્યુઅરશિપનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ગઈ કાલે જાહેર કરાયેલા આંકડા મુજબ વિશ્વભરમાં કુલ ૧૬૭ કરોડ લોકોએ આ મૅચ જોઈ હતી. ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા ૨૦૦ દેશમાં અંદાજે ૧૦,૦૦૦ કલાકનું લાઇવ કવરેજ કરવામાં આવ્યું હતું. ભારત, પાકિસ્તાન, યુકે, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટાર ઇન્ડિયા નેટવર્કે જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ કુલ ૧૫૯૦ કરોડ મિનિટ જોવાઈ હતી, જે એક નવો રેકૉર્ડ હતો. જે ટી૨૦ના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મૅચ બની હતી. એ મૅચે ૨૦૧૬માં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની સેમી ફાઇનલ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો. 
આ ટુર્નામેન્ટમાં ભારત વહેલું બહાર થઈ ગયું હોવા છતાં ભારતમાં કુલ ૧૧૨ અબજ મિનિટ સુધી લોકોએ ટીવી પર આ ટુર્નામેન્ટ જોઈ હતી. આઇસીસીના સીઈઓએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં અનેક લોકોએ આ ટુર્નામેન્ટ જોઈ હતી જે દર્શકોને આકર્ષવાની ટી૨૦ ક્રિકેટની ક્ષમતા બતાવે છે. એને કારણે અમને અમેરિકા સહિત અન્ય દેશોમાં આ રમતની લોકપ્રિયતા વધારવાની તક મળશે. દર્શકોની સંખ્યા વધવાથી વધુ ને વધુ બાળકો આ રમત પ્રત્યે આકર્ષાશે. પરિણામે સ્પૉન્સર્સ અને બ્રૉડકાસ્ટર્સ પણ આનો ફાયદો ઉઠાવવા માગશે. યુકેમાં ભારત અને પાકિસ્તાનની મૅચના દર્શકોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો, તો કુલ દર્શકોની સંખ્યામાં ૭ ટકાનો વધારો થયો હતો. 
પાકિસ્તાનમાં પીટીવી, એઆરવાય અને ટેન સ્પોર્ટ્સ એ ત્રણ બ્રૉડકાસ્ટરે આ ઇવેન્ટનું પ્રસારણ કર્યું હતું. ૨૦૧૬ની એડિશન કરતાં દર્શકોની સંખ્યામાં ૭.૩ ટકાનો વધારો થયો હતો. ઑસ્ટ્રેલિયામાં ફૉક્સ નેટવર્કમાં દર્શકોની સંખ્યામાં ૧૭૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને અમેરિકામાં આ સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ બની હતી. 

sports news cricket news t20