ઇન્દોરમાં ભારત ક્યારેય નથી હાર્યું

13 October, 2015 07:05 AM IST  | 

ઇન્દોરમાં ભારત ક્યારેય નથી હાર્યું


T20 સિરીઝમાં હાર બાદ રવિવારે પ્રથમ વન-ડેમાં હાથમાં આવેલી બાજી ઝૂંટવાઈ જતાં નિરાશ ટીમ ઇન્ડિયા માટે ઇન્દોરના ધ હોલકર સ્ટેડિયમમાં ટીમનો રેકૉર્ડ રાહતરૂપ બની શકે એમ છે. ઇન્દોરમાં ધ હોલકર સ્ટેડિયમમાં આવતી કાલે ડે-નાઇટ મુકાબલો (બપોરે ૧.૩૦ વાગ્યાથી) જામવાનો છે. આ મેદાનમાં ભારત અત્યાર સુધી ત્રણ વન-ડે રમ્યું છે અને ત્રણેયમાં જીત મેળવી છે.

ચાર વર્ષ બાદ લાગશે જીતનો ચોક્કો?


આ મેદાનમાં પ્રથમ વન-ડે ૨૦૦૬ની ૧૫ એપ્રિલે ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી જે ભારતે સાત વિકેટે જીતી લીધી હતી. ત્યાર બાદ ૨૦૦૮ની ૧૭ નવેમ્બરના બીજા મુકાબલમાં પણ ભારતે ઇંગ્લૅન્ડને જ ૫૪ રનથી પરાજિત કરી દીધું હતું. ત્રીજા અને છેલ્લા મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝ સામે વીરેન્દર સેહવાગના અફલાતૂન ૨૧૯ રન સાથે મેદાન ગજાવતાં ભારતે ૪૧૮ રનનો સ્કોર બનાવી દીધો હતો. ભારત આ મૅચ ૧૫૩ રનના માર્જિનથી જીતી ગયું હતું. હવે ચાર વર્ષ બાદ આ લકી ગ્રાઉન્ડમાં ટીમ ઇન્ડિયા આવતી કાલે ફરી મેદાનમા ઊતરશે અને સાઉથ આફ્રિકાને પછાડીને મેદાનમાં જીતની બાઉન્ડરી ફટકારે છે કે નહીં એ રસપ્રદ બની રહેશે.

રનોનો વરસાદ

મેદાન પરની ત્રણ વન-ડેમાં ભારતે અનુક્રમે ૨૮૯, ૨૯૨ અને ૪૧૮ રન સાથે ભરપૂર રન બનાવ્યા છે. આમ પહેલી વન-ડેની જેમ આવતી કાલે પણ હાઈ-સ્કોરિંગ મૅચ જોવા મળી શકે છે.

આફ્રિકા અને ડિવિલિયર્સને દંડ

પ્રથમ વન-ડેની વિજેતા ટીમ સાઉથ આફ્રિકાને સ્લો ઓવર-રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ટાઇમ-લિમિટની સમાપ્તિ વખતે સાઉથ આફ્રિકા બે ઓવર પાછળ હોવાથી મૅચ-રેફરી ક્રિસ બ્રૉડે આફ્રિકન ટીમને ૨૦ ટકા અને કૅપ્ટન એ.બી. ડિવિલિયર્સને ૪૦ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો હતો. નિયમ પ્રમાણે સમયમર્યાદા બાદ બાકી રહેલી ઓવરદીઠ ખેલાડીઓને ૧૦ ટકા અને કૅપ્ટને ડબલ ૨૦ ટકા મૅચ-ફીનો દંડ કરવામાં આવે છે.