19 August, 2026 03:03 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
રિષભ પંતે ૬૯ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે ૬૬ રન બનાવ્યા.
ગઈ કાલે ગૉલમાં શ્રીલંકા સામે પહેલી ટેસ્ટના ચોથા દિવસે ભારત પોતાની આ લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટ જીત સાથે ઉજવણી કરે એવી સ્થિતિમાં પહોંચી ગયું હતું. વરસાદના વિઘ્નનો ડર અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની આશા જીવંત રાખવા જીતવું જરૂરી હોવાથી ભારતે બીજી ઇનિંગ્સમાં ઝડપી રમવાનું પસંદ કર્યું હતું અને ૪૮.૫ ઓવરમાં ૧૯૩ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગ્સની ૧૭૮ની લીડ સાથે શ્રીલંકાને ટર્નિંગ પિચ પર ૩૭૨ રનનો ચૅલેન્જિંગ ટાર્ગેટ મળ્યો હતો. દિવસને અંતે તેમણે ૮૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હોવાથી જો આજે વરસાદ ન નડ્યો તો ભારતની જીત ઑલમોસ્ટ પાક્કી જ લાગી રહી છે.
ભારતની બીજી ઇનિંગ્સની શરૂઆત પણ નબળી રહી હતી અને ત્રીજા જ બૉલે યશસ્વી જાયસવાલને ખાતું ખોલાવ્યા વિના ગુમાવી દીધો હતો. કૅપ્ટન શુભમન ગિલ પણ માત્ર ૮ રન બનાવી શક્યો હતો. પહેલી ઇનિંગ્સમાં જાયસવાલ ૩૨ અને ગિલ ૧૬ રન જ બનાવી શક્યા હતા. પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલે ૭૫ બૉલમાં ૬ ફોર સાથે ૪૪ અને રિષભ પંતે ૬૯ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે ૬૬ રન બનાવ્યા હતા. પેસ બોલર અસિથા મદુસન્કાને સૌથી વધુ ૪ તો સ્પિનર પ્રભાત જયસૂર્યાને ૩ વિકેટ મળી હતી.
૩૭૨ રનના ટાર્ગેટ સામે ૨૧ રનમાં જ ૩ શ્રીલંકન બૅટરો પૅવિલિયનમાં પાછા ફર્યા હતાં. મોહમ્મદ સિરાજે ફરી પ્રથમ સફળતા જલદી અપાવી હતી. યુવા સ્પિનર માનવ સુથારે ત્યાર બાદ બે ઝટકા આપીને લંકન કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. કામિન્દુ મેન્ડિસની મહત્ત્વપૂર્ણ વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ અપાવી હતી. ત્યાર બાદ કૅપ્ટન ધનંજય ડિસિલ્વા (અણનમ ૩૨ રન) અને પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન સોનલ દિનુશા (અણનમ ૨૫ રન)એ ૭૪ બૉલમાંલાં અણનમ ૩૭ રનની પાટર્નરશિપ વડે પ્રતિકાર કર્યો હતો અને મૅચને છેલ્લા દિવસ સુધી લઈ જવામાં સફળ થયા હતાં.
બીજી ઇનિંગ્સમાં રિષભ પંતે ૬૯ બૉલમાં ૬૬ રનની આક્રમક ઇનિંગ્સ દરમ્યાન બે સિક્સર ફટકારી હતી. બીજી સિક્સર સાથે તેણે ટેસ્ટ-ક્રિકેટમાં ૧૦૦ સિક્સરનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. આવી કમાલ કરનાર ચે ભારતનો પ્રથમ અને બેન સ્ટોક્સ (૧૩૮), બ્રેન્ડન મૅક્કલમ (૧૦૭) અને ઍડમ ગિલ્ક્રિસ્ટ (૧૦૦) બાદ ચોથો ખેલાડી બની ગયો હતો. ભારતીયોમાં આ મામલે વીરેન્દર સહેવાગ (૯૦) બીજા, રોહિત શર્મા (૮૮) ત્રીજા, રવીન્દ્ર જાડેજા (૮૨) ચોથા અને મહેન્દ્ર સિંહ ધોની (૭૮) પાંચમા નંબરે છે.
પંતે આ ક્લબમાં સામેલ અન્ય ત્રણેય દિગ્ગજોને મૅચ, ઇનિંગ્સ અને બૉલના હિસાબે ઘણા પાછળ રાખી દીધા છે. પંતે માત્ર ૪૯૧૮ બૉલ રમીને આ સિદ્ધિ મેળવી હતી; જ્યારે ગિલ્ક્રિસ્ટે ૬૫૭૮, સ્ટોક્સે ૯૦૪૨ અને મૅક્કલમે ૯૭૫૬ બૉલ રમવા પડ્યા હતા. ઇનિંગ્સના મામલે સ્ટોક્સના રેકૉર્ડને ૪૧ ઓછી ઇનિંગ્સ રમીને પંતે તોડ્યો હતો.. ઉપરાંત પંતે મૅચ, ઇનિંગ્સ અને ડેબ્યુ બાદ સૌથી ઓછા દિવસોમાં આ સિદ્ધિ મેળવવાના મામલે પણ ત્રણેયને મોટા અંતરથી પાછળ રાખી દીધા છે.