અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પાંચ વિકેટે હાર્યું

15 February, 2016 06:52 AM IST  | 

અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પાંચ વિકેટે હાર્યું



અન્ડર-૧૯ વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મૅચમાં મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા કેસી કાર્ટીના નૉટઆઉટ બાવન રનને કારણે વેસ્ટ ઇન્ડીઝે ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ભારતની ટીમ ૪૫.૧ ઓવરમાં ૧૪૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૪૯.૩ ઓવરમાં પાંચ વિકેટે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બંગલા દેશના ઑલરાઉન્ડર મેહંદી હસન મિરાઝને મૅન ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

પાંચ ફાઇનલમાંથી ત્રણ જીત્યા

કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારત આ વર્ષે અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. ભારત એની સાથે આ પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. લીગ મૅચ અને નૉકઆઉટ મૅચમાં હરીફ ટીમોને હરાવવામાં ભારતને વધુ મુશ્કેલી નહોતી પડી, પરંતુ ફાઇનલમાં એ હારી ગયું હતું. ભારત ૨૦૦૦, ૨૦૦૮ અને ૨૦૧૨માં ચૅમ્પિયન બની ચૂક્યું છે.

ડાગરની મહેનત નિષ્ફળ

સ્પિનર મયંક ડાગરે ફટાફટ ત્રણ વિકેટ લઈને ભારતીય ટીમ માટે જીતની આશા જન્માવી હતી, પરંતુ ત્યાર બાદ ભારતે વિકેટ મેળવવા ઘણી મહેનત કરવી પડી હતી, પણ એમાં નિષ્ફળતા મળી હતી. ડાગરે ૧૦ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

ગુમાવી સરળ તક

ફીલ્ડિંગમાં પણ ભારતે મહત્વની તકો ગુમાવી હતી. એ પૈકી અમુક કૅચ તો સહેલાઈથી પકડી શકાતા હતા. એ પહેલાં ભારત બૅટિંગમાં પણ ખાસ કંઈ કરી શક્યું નહોતું. એકમાત્ર સરફરાઝ ખાને ૮૯ બૉલમાં ૫૧ રન કર્યા હતા. તે અન્ડર-૧૯ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ૫ હાફ સેન્ચુરી કરનારો ખેલાડી બન્યો છે.

વેસ્ટ ઇન્ડીઝની શાનદાર બોલિંગ

વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ સવારે પિચમાં રહેલા ભેજનો લાભ ઉઠાવ્યો હતો. અલઝારી જોસેફ અને રેયાન જૉને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કેમાર હોલ્ડરે પણ કરકસરભરી બોલિંગ કરીને ૧૦ ઓવરમાં માત્ર ૨૦ જ રન આપ્યા હતા.

૫૦ રનમાં અડધી ટીમ પૅવિલિયનમાં

વેસ્ટ ઇન્ડીઝ સામે ફાઇનલ મૅચમાં ભારતીય બૅટિંગ લાઇનઅપની હાલત કફોડી બની હતી. ઓપનર રિષભ પંત અને ઇશાન કિશન માત્ર પાંચ રનની પાર્ટનરશિપ જ કરી શક્યા હતા. પંતે એક અને કૅપ્ટન ઇશાને ચાર રન બનાવ્યા હતા. સેમી ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ રહેલો અનમોલપ્રીત સિંહ આ મૅચમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.