ઇંગ્લૅન્ડ સામે ભારત બન્ને T20 જીતશે તો રૅન્કિંગ્સમાં નંબર વન

29 October, 2012 06:15 AM IST  | 

ઇંગ્લૅન્ડ સામે ભારત બન્ને T20 જીતશે તો રૅન્કિંગ્સમાં નંબર વન



દુબઈ: આઇસીસીએ ગઈ કાલે બહાર પાડેલા T20 ક્રિકેટના નવા રૅન્કિંગ્સમાં શ્રીલંકા નંબર વન, વેસ્ટ ઇન્ડીઝ નંબર ટૂ અને ભારત નંબર થ્રી છે. જો ડિસેમ્બરમાં ભારત ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બન્ને T20 જીતશે તો આ રૅન્કિંગ્સમાં નંબર વન થઈ શકે. એ બેમાંથી પ્રથમ T20 મૅચ ૨૦ ડિસેમ્બરે પુણેમાં અને બીજી ૨૨ ડિસેમ્બરે મુંબઈમાં રમાશે. જોકે એ પહેલાં કેટલાક દેશોની T20 મૅચોના પરિણામો ભારતની ફેવરમાં આવવા જરૂરી છે.

આ વર્ષના અંત સુધીમાં ટોચની ટીમોની કુલ સાત T20 મૅચ રમાશે.

T20 વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહેલા શ્રીલંકાના ૧૨૭ રેટિંગ પૉઇન્ટ છે. T20 વર્લ્ડ કપના સુપર એઇટ્સ રાઉન્ડમાં બન્ને મૅચ સુપર ઓવરમાં હારી જનાર ન્યુ ઝીલૅન્ડ જો મંગળવારે શ્રીલંકા સામેની પલ્લેકેલની એકમાત્ર T20 મૅચ હારી જશે તો શ્રીલંકા વર્ષ ૨૦૧૨ના અંતે રૅન્કિંગ્સમાં મોખરાનું સ્થાન જાળવી શકશે. જો શ્રીલંકા આ મૅચ હારશે તો ૬ રેટિંગ પૉઇન્ટ ગુમાવશે અને એના વેસ્ટ ઇન્ડીઝ જેટલા ૧૨૧ પૉઇન્ટ થશે અને બન્ને ટીમ મોખરે રહેશે.

જોકે વેસ્ટ ઇન્ડીઝ ૧૦ ડિસેમ્બરે ઢાકામાં બંગલા દેશને એકમાત્ર T20 મૅચમાં હરાવશે તો નંબર વન થઈ જશે અને T20ના વર્લ્ડ ટાઇટલ પછી હવે એ બીજી મોટી સિદ્ધિ પણ મેળવશે.

જોકે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝની ફસ્ર્ટ રૅન્કને ક્ષણજીવી બનાવી શકે. ભારતના અત્યારે ૧૨૦ રેટિંગ પૉઇન્ટ છે. ભારત જો ઇંગ્લૅન્ડને T20માં ૨-૦થી હરાવશે તો ધોની ઍન્ડ કંપનીના રેટિંગ પૉઇન્ટમાં ૭ પૉઇન્ટનો વધારો થઈને આંકડો ૧૨૭ ઉપર પહોંચી શકે અને વેસ્ટ ઇન્ડીઝને ઓળંગીને ભારત નંબર વન થઈ શકે. જોકે ભારત-ઇંગ્લૅન્ડની સિરીઝ ૧-૧થી ડ્રૉ જશે તો ભારત ત્રીજા નંબરે અને ઇંગ્લૅન્ડ ચોથા નંબરે જળવાઈ રહેશે.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ