ભારત-ઑસ્ટ્રેલિયા ઇલેવનની પહેલી પ્રૅક્ટિસ મૅચ ડ્રૉ

26 November, 2014 06:06 AM IST  | 

ભારત-ઑસ્ટ્રેલિયા ઇલેવનની પહેલી પ્રૅક્ટિસ મૅચ ડ્રૉ




પહેલી ટેસ્ટ-મૅચ પહેલાં પાંચ ભારતીય બૅટ્સમેનોને સારીએવી મૅચ-પ્રૅક્ટિસ થઈ હતી. સોમવારે ઑસ્ટ્રેલિયા ઇલેવનને ૨૧૯ રને ઑલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ પાંચ બૅટ્સમેનોએ ફટકારેલી હાફ સેન્ચુરીને કારણે ૮ વિકેટ ૩૬૩ રન કર્યા હતા. પરિણામે ઍડીલેડના ગિલ્ડેરોલ સ્ટેડિયમમાં રમાયેલી મૅચ ડ્રૉ થઈ હતી. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ ૬૦ રન, મુરલી વિજયે (૫૧ રિટાયર્ડ આઉટ), ચેતેશ્વર પુજારા (૫૫ રિટાયર્ડ આઉટ), વિકેટકીપર વૃદ્ધિમાન સહા (૫૬ નૉટઆઉટ), કર્ણ શર્માએ (૫૫ નૉટઆઉટ) રન કર્યા હતા. સુરેશ રૈના તથા રોહિત શર્માએ પણ અનુક્રમે ૪૪ અને ૨૩ રન કર્યા હતા. મુરલી તથા પુજારા અડધી સદી બાદ રિટાયર્ડ આઉટ થયા હતા, જેથી અન્ય બૅટ્સમેનોને રન કરવાની તક મળી શકે. બે ભારતીય બૅટ્સમેનો અજિંક્ય રહાણે (૧) અને ઓપનર શિખર ધવન ૧૦ રને સસ્તામાં આઉટ થયા હતા.

પહેલી ટેસ્ટ-મૅચમાં ક્લાર્ક નહીં રમે

ઈજાગ્રસ્ત ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્ક ટીમ ઇન્ડિયા સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં નહીં રમે, કારણ કે શુક્રવારે રમાનારી બીજી પ્રૅક્ટિસ મૅચ પહેલાં તે સાજો થઈ શક્યો નથી. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે જો ક્લાર્કે પહેલી ટેસ્ટમાં રમવું હશે તો તેણે શુક્રવારની પ્રૅક્ટિસ મૅચ પહેલાં પોતાની ફિટનેસ પુરવાર કરવી પડશે. ભારત સામેની પહેલી ટેસ્ટ ૪ ડિસેમ્બરથી ગબ્બામાં શરૂ થઈ રહી છે.