મહેન્દ્ર સિંહ ધોનીની આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાંથી ઓચિંતિ નિવૃત્તિ

30 December, 2014 09:27 AM IST  | 

મહેન્દ્ર સિંહ ધોનીની આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાંથી ઓચિંતિ નિવૃત્તિ
















ટેસ્ટ-ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી, ચોથી ટેસ્ટ પણ નહીં રમે : કહ્યું કે આમ પણ વધુમાં વધુ છ મહિનામાં રિટાયર થવાનો હતો તો હમણાં કેમ નહીં? : વિરાટ નવો કપ્તાન, પોતાના નિર્ણયોથી ભલભલા ધુરંધરોને આશ્ચર્યમાં મૂકતા મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ત્રીજી ટેસ્ટ બાદ અચાનક ટેસ્ટ-કારકિર્દીને અલવિદા કરવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી


મેલબર્ન: ભારતીય ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ બાદ ટેસ્ટ-કરીઅરને બાય-બાય કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. સિરીઝમાં હજુ એક ટેસ્ટ રમવાની બાકી હોવાથી આ રીતે અધવચ્ચે રિટાયર્મેન્ટ જાહેર કરીને ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાવી દીધું હતું. જોકે અમુક લોકોએ તેના આ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો હતો.

૩૩ વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયર્મેન્ટની જાહેરાત કરતાં ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ધોનીએ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં રમવાને કારણે શરીર પર વધતા દબાણને કારણે ટેસ્ટ-ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે અને વન-ડે તથા વ્૨૦માં વધુ ધ્યાન કેãન્દ્રત કરવા ઇચ્છે છે.

ધોનીના સ્થાને ક્રિકેટ બોર્ડે વાઇસ કૅપ્ટન વિરાટ કોહલીને ટીમની કમાન સોંપી છે. આમ અત્યાર સુધી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં કૅપ્ટન કૂલનું રાજ હતું જે ગઈ કાલે સમાપ્ત થઈ ગયું હતું અને હવે મેદાનમાં વતણૂક વડે હંમેશાં વિવાદમાં રહેતા મિસ્ટર હૉટ વિરાટ કોહલીનું શાસન શરૂ થઈ ગયું છે.

છઠ્ઠી જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થતી ચોથી અને છેલ્લી ટેસ્ટ ટીમમાં હવે ધોનીની જગ્યાએ વૃદ્ધિમાન સહાને ફરી મોકો મળી શકશે.

ધોની ટીમ સાથે સિડની જશે નૉન-પ્લેઇંગ મેમ્બર તરીકે

બિપિન દાણી

ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કહેનારો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમ સાથે સિડનીનો પ્રવાસ કરશે એવી માહિતી મૅનેજર અર્શદ અયુબે આપી છે.

મેલબર્નથી ધોનીની નિવૃત્તિની મિનિટો બાદ આ અખબાર સાથે ટેલિફોન પર વાતચીત કરતાં અયુબે જણાવ્યું હતું કે ટીમના નૉન-પ્લેઇંગ ખેલાડી તરીકે ધોની સિડની આવશે.

ચાર ટેસ્ટની શ્રેણી ભારત ૦-૨થી હારી ગયું છે અને ચોથી ટેસ્ટ-મૅચ સિડનીમાં ૬ જાન્યુઆરીથી શરૂ થશે. આખરી ટેસ્ટની સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડની ત્રીજી ટીમ વન-ડેના ત્રિકોણ જંગમાં જોડાશે. ત્રિકોણ સ્પર્ધા ૧૮ જાન્યુઆરીથી મેલબર્નમાં શરૂ થશે.

મૅનેજરે જણાવ્યું હતું કે ‘ધોનીનો ટેસ્ટ-ક્રિકેટને સાયોનારા કહેવાનો નિર્ણય ભારે આશ્ચર્યજનક હતો. ટેસ્ટના આખરી દિવસે શરૂઆતમાં અથવા મૅચની સમાપ્તિ બાદ પણ ઇનામી સમારંભમાં તેણે અમને નિવૃત્તિનો અણસાર આવવા દીધો નહોતો. મૅચ પત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં આવી તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.’

ધોનીને ટેસ્ટ-કૅપ્ટન તરીકે ટકી રહેવા કોઈએ કેમ સમજાવ્યો નહીં એવા પ્રશ્નનો ઉત્તર આપવાનું મૅનેજરે ટાળ્યું હતું. ધોનીનો નિર્ણય ભારે ઇમોશનલ હતો એમ મૅનેજરે જણાવ્યું હતું. સિડની ટેસ્ટમાં વૃદ્ધિમાન શહા અથવા લોકેશ રાહુલ વિકેટકીપિંગ કરશે.

એક સિંહ જ આવો નિર્ણય લઈ શકે : સંજય પટેલ

હરિત જોશી

ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી સંજય પટેલે મહેન્દ્ર સિંહ ધોનીને સિડની ખાતે ૬ જાન્યુઆરીથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ માટે કૅપ્ટન તરીકે ચાલુ રહેવાની વિનંતી કરી હતી, પરંતુ કૅપ્ટન ધોની પોતાના નિર્ણય પર અટલ રહ્યો હતો.

સંજય પટેલે જણાવ્યું હતું કે ‘જ્યારે ધોનીએ તેના નિર્ણય વિશે મને વાત કરી ત્યારે મેં તેને વિનંતી કરી હતી કે તું શા માટે અંતિમ ટેસ્ટ સુધી ચાલુ રહેતો નથી, ત્યાર બાદ આપણે જાહેર કરીશું. જોકે તેણે જણાવ્યું હતું કે એનાથી કંઈ ફરક પડતો નથી. હું જ્યારે છ મહિનામાં ટેસ્ટ-ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું તો અત્યારે શા માટે નહીં. તેને લાગ્યું હતું કે ટીમ સારી સ્થિતિમાં છે અને સારું કરી રહી છે ત્યારે અમે તેના નિર્ણયને માન આપ્યું.’

સંજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘ટેસ્ટમાંથી સંન્યાસ લેવાનો વિચાર કદાચ તેણે ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં કયોર્ હશે, પરંતુ એના વિશે તેણે અમને ક્યારેય જણાવ્યું નથી. ટેસ્ટ-મેચ પત્યા પછી જ આ બધું બન્યું છે, જેનાથી અમને પણ નવાઈ લાગી છે. ધોની ટીમ પર ભાર હતો એવી ઇલેક્ટ્રૉનિક મીડિયામાં વહેતી વાતો સાવ બકવાસ છે. તે પ્રામાણિકતાની એક મૂરત છે. ૫૦,૦૦૦ હજાર પ્રેક્ષકોની જંગી માનવમેદની સામે પોતાનું ભવ્ય ફેરવેલ થાય એમ તે ઇચ્છતો ન હતો. તે માત્ર આ એક ફૉર્મેટમાંથી જ સંન્યાસ લઈ રહ્યો છે. ફક્ત એક સિંહ જ આવો નિર્ણય લઈ શકે છે. તેની કૅપ્ટન્સીની બાબતે અમે કોઈ પ્રેશર નથી કર્યું. વાસ્તવમાં પ્રેશર અને ધોની એ બન્ને એકસાથે ન રહી શકે.


ધોનીની ટેસ્ટ કારકિર્દી પર એક નજર

મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત શ્રીલંકા સામે વર્ષ 2005માં કરી હતી. 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2005 વચ્ચે રમાયેલી એ મેચમાં ધોનીએ વિકેટકિપર તરીકે એક કેચ ઝડપ્યો હતો અને પહેલી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતાં. આ મેચ ડ્રોમાં પરિણમી હતી.

ધોનીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 90 મેચોની કુલ 144 ઈનિંગ રમી હતી. જેમાં 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા હતાં. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકિપરના રૂપમાં કુલ 256 કેચ ઝડપ્યા હતાં, જ્યારે 38 ખેલાડીને સ્ટમ્પ આઉટ કર્યા હતાં. ધોનીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી.