07 August, 2026 09:12 AM IST | Sri Jayawardenepura Kotte | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીલંકામાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો કૅપ્ટન શુભમન ગિલ, વિકેટકીપર રિષભ પંત અને આકિબ નબી.
શ્રીલંકા સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયા આજથી ત્રણ દિવસની વૉર્મ-અપ મૅચ રમશે. કોલંબોના નૉન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે લોકલ શ્રીલંકા ઇલેવન સામે આ પ્રૅક્ટિસ-મૅચ રમીને ભારતીય ટીમ સ્પિન સામે પોતાની કુશળતા નિખારવાનો પ્રયાસ કરશે. ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામેની તાજેતરની ઘરેલુ સિરીઝ દરમ્યાન ઉચ્ચ ગુણવત્તાવાળી સ્પિન બોલિંગ સામે ભારતની બૅટિંગ લાઇનઅપ નબળી દેખાઈ હતી. શ્રીલંકા સામેનો સ્પિન-પડકાર એનાથી વધુ જબરદસ્ત હશે. શ્રીલંકાની ટીમ ખાસ કરીને ઘરઆંગણાની પરિસ્થિતિઓમાં મજબૂત સ્પિન યુનિટ ધરાવે છે. કૅપ્ટન શુભમન ગિલ સહિતના પ્લેયર્સે બુધવારે શ્રીલંકામાં પહેલા પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. સેશન પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમને કહ્યું કે ‘આપણે જાણીએ છીએ કે આગળ શું છે. આપણે સખત મહેનત કરી શકીએ છીએ, આપણી મર્યાદાઓને આગળ ધપાવી શકીએ છીએ, બધા જરૂરી બૉક્સ પર ટિક કરી શકીએ છીએ અને ૧૫ તારીખની સવારે ભલે આપણે પહેલાં બૅટિંગ કરીએ કે બોલિંગ કરીએ, આપણે દરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર હોઈશું. ’ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યાથી વૉર્મ-અપ મૅચની રમત શરૂ થશે. જોકે શહેરમાં સમયાંતરે વરસાદની આગાહી છે જે ભારતની યોજનાઓને જોખમમાં મૂકી શકે છે.
ભારતીય ઓપનર સાઈ સુદર્શન વૉર્મ-અપ મૅચમાં ભાગ લઈ શકશે નહીં. સાઈ સુદર્શન અંગૂઠાની નાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને ફિટ થવાની તૈયારીમાં છે. મુખ્ય સ્ક્વૉડનો ભાગ હોવા છતાં તે મંગળવારે બાકીના સભ્યો સાથે શ્રીલંકા ગયો નહોતો. રીહૅબની પ્રક્રિયા પૂર્ણ કરીને સાઈ સુદર્શન ૮ ઑગસ્ટે શ્રીલંકામાં ટીમ સાથે જોડાશે એવા અહેવાલ છે.