દસ કા દમ

23 December, 2019 03:43 PM IST  |  Cuttack

દસ કા દમ

ટીમ ઇન્ડિયા

(મિડ-ડે પ્રતિનિધિ) ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક મૅચ ગઈ કાલે કટકમાં રમાઈ હતી. આ મૅચ ભારતે ચાર વિકેટે જીતી લેતાં સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી અને પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ વિરાટ કોહલીને અને પ્લેયર ઑફ ધ સિરીઝ રોહિત શર્માને આપવામાં આવ્યો હતો. આ સિરીઝ જીતીને ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત ૧૦મી સિરીઝ પોતાના નામે કરી છે.

ભારતે ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું અને મહેમાન ટીમે પહેલી વિકેટ માટે ૫૭ રનની પાર્ટનરશિપ કરી હતી. શરૂઆતમાં ધીમી ગતિએ રન બનાવતી વેસ્ટ ઇન્ડીઝ પાંચમી વિકેટ માટે રેકૉર્ડ ઇનિંગ રમ્યું હતું. નિકોલસ પૂરન અને કીરોન પોલાર્ડ વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૩૫ રનની ભાગીદારી થઈ હતી. પાછલી મૅચમાં જબરદસ્ત પર્ફોર્મન્સ આપનાર શઇ હૉપ અને શિમરોન હેટમાયર અનુક્રમે ૪૨ અને ૩૭ રન કરીને આઉટ થયા હતા. પૂરન આ મૅચમાં સૌથી વધારે ૮૯ રન બનાવીને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. કીરોન પોલાર્ડે સાત સિક્સર અને ત્રણ બાઉન્ડરી ફટકારીને ૫૧ બૉલમાં નૉટઆઉટ ૭૪ રન બનાવ્યા હતા.

સામા પક્ષે ઇન્ડિયન ટીમે ફરી એક વાર મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી કરી હતી. આ બન્ને પ્લેયરોએ પોતપોતાની પારીમાં આઠ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારીને અનુક્રમે ૬૩ અને ૭૭ રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ આઉટ થયા બાદ વન-ડાઉન આવેલા કૅપ્ટન કોહલીએ ટીમની પારી સંભાળી લઈને ૮૫ રન બનાવ્યા હતા. જોકે મિડલ ઑર્ડરમાં આવેલા શ્રેયસ અય્યર અને રિષભ પંત આ વખતે લાંબી ઇનિંગ રમી શક્યા નહોતા અને ૭-૭ રન બનાવીને આઉટ થયા હતા. કેદાર જાધવ પણ ૯ રન બનાવીને શેલ્ડન કૉટ્રેલનો શિકાર બન્યો હતો. રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે અનુક્રમે નૉટઆઉટ ૩૯ અને ૧૭ રન બનાવી ભારતને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો. ટીમ ઇન્ડિયા વતી વન-ડેમાં ડેબ્યુ કરનાર પ્લેયર નવદીપ સૈનીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

વન-ડેમાં શાઇ હૉપે પૂરા કર્યા 3000 રન
વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર શાઇ હૉપે વન-ડે ઇન્ટરનૅશનલમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા છે. તેણે ૬૭ ઇનિંગમાં આટલા રન બનાવ્યા છે. આ સાથે તે વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટેસ્ટ ૩૦૦૦ રન પૂરા કરનાર પ્લેયર બન્યો છે. હૉપ પહેલાં આ રેકૉર્ડ લેજન્ડ વિવિયન રિચર્ડ્સના નામે હતો, જેમણે ૬૯ ઇનિંગમાં ૩૦૦૦ રન પૂરા કર્યા હતા.

ઓપનર તરીકે રોહિત નંબર-વન : તોડ્યો જયસૂર્યાનો ૨૨ વર્ષ જૂનો રેકૉર્ડ
હિટમૅન રોહિત શર્માએ ગઈ કાલે ૬૩ રનની ઇનિંગ રમીને શ્રીલંકાના ભૂતપૂર્વ પ્લેયર સનથ જયસૂર્યાનો ૨૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડવામાં સફળતા મેળવી હતી. ઓપનર તરીકે એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધારે ૨૩૮૭ રન કરવાનો રેકૉર્ડ અત્યાર સુધી જયસૂર્યાના નામે હતો. જયસૂર્યાએ ૧૯૯૭માં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે એક કૅલેન્ડર વર્ષમાં ૨૩૮૭ રન બનાવ્યા હતા.

બીજી વન-ડે બાદ રોહિતને આ રેકૉર્ડ તોડવા ૯ રનની જરૂર હતી અને ગઈ કાલે ૬૩ રનની ઇનિંગ રમીને તેણે ઓપનર તરીકે એક કૅલેન્ડર વર્ષમાં કુલ ૨૪૪૨ રન બનાવીને આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિતના આ રનમાં વન ડે, ટી૨૦ અને ટેસ્ટ મૅચના રન સામેલ છે, જ્યારે જયસૂર્યાના રનમાં માત્ર વન-ડે અને ટેસ્ટ મૅચના રન સામેલ છે. વન-ડેમાં પણ ૧૪૯૦ રન સાથે એક કૅલેન્ડર વર્ષમાં રોહિત ટૉપ પર છે.

cricket news team india virat kohli board of control for cricket in india