અંધ પ્લેયરોના પ્રથમ T20 વર્લ્ડ કપ પર ભારતનો કબજો

14 December, 2012 03:07 AM IST  | 

અંધ પ્લેયરોના પ્રથમ T20 વર્લ્ડ કપ પર ભારતનો કબજો



બૅન્ગલોર : પહેલી જ વાર રમાયેલા જોઈ ન શકતા ક્રિકેટરોના T20 વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ૨૯ રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

બૅન્ગલોરની સેન્ટ્રલ કૉલેજના ગ્રાઉન્ડની આ નિર્ણાયક મૅચમાં ભારતે ૮ વિકેટે ૨૫૮ રન બનાવ્યા હતા જેમાં ગુજરાતના ઑલરાઉન્ડર કેતન પટેલે આક્રમક ફટકાબાજીથી બનાવેલા ૯૮ રન સૌથી વધુ હતા. ગયા વર્ષે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કેતન પટેલે બૅટિંગ ઉપરાંત બોલિંગના તરખાટથી મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતી લીધો હતો.

ગઈ કાલે પ્રકાશ જયરામૈયાએ ૪૨ રન અને વાઇસ કૅપ્ટન અજયકુમાર રેડ્ડીએ પચીસ રનનો ફાળો આપ્યો હતો.

પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૯ રન બનાવી શકી હતી જેમાં મોહમ્મદ જમીલના ૪૭, અલી મુર્તઝાના ૩૮ અને મોહમ્મદ અકરમના ૩૨ રન હતા.

ટુર્નામેન્ટમાં શરૂઆતથી સેમી ફાઇનલ સુધીમાં પાકિસ્તાન સતત આઠ મૅચ જીત્યું હતું, પરંતુ ગઈ કાલે ભારત સામે પરાસ્ત થયું હતું. ભારત લીગ રાઉન્ડમાં પાકિસ્તાન સામે હાર્યું હતું, પરંતુ ગઈ કાલે એણે બદલો લઈ લીધો હતો.

જોઈ ન શકતા પ્લેયરોના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની ૨૦૦૬ની સાલ પછીની આ પ્રથમ જીત છે. ૨૦૦૬માં વન-ડેના વિશ્વકપની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો.

ટીમમાં ગુજરાતના પાંચ પ્લેયરો

ગઈ કાલે બૅન્ગલોરમાં જોઈ ન શકતા પ્લેયરો માટેનો પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ૧૭ ખેલાડીઓનું સુકાન કર્ણાટકના શેખર નાઈક નામના પ્લેયરે સંભાળ્યું હતું. ટીમમાં પાંચ ખેલાડીઓ ગુજરાતના હતા અને એમાં કેતન પટેલ, હિતેશ પટેલ, વિકાસ પટેલ, સુભાષ ભોયા અને ગણેશ ભુસારાનો સમાવેશ હતો.