ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું

04 December, 2020 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું

તસવીર સૌજન્યઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ

ભારતે ત્રણ T-20 સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને કેનબરા ખાતે 11 રને હરાવ્યું છે. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. તેમના માટે આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. કોઈપણ બેટ્સમેન શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં. ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા ત્રણ T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.

જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે બોલિંગ કરવા આવેલા યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી. તેણે મેથ્યુ વેડ, આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને મેચ ભારતની તરફેણમાં લાવી દીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ગ્લેન મેક્સવેલ ટી. નટરાજનની બોલિંગમાં LBW થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે નોટઆઉટ આપતા ટીમ ઇન્ડિયાએ રિવ્યૂ લઈને મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 3 બોલમાં 2 રન કર્યા હતા. તે પછી ડાર્સી શોર્ટ 34 રને નટરાજનની બોલિંગમાં લોન્ગ-ઓન પર હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો.

ભારતે ખાતે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. ભારત માટે લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી ફિફટી ફટકારતા 51 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44* રન કર્યા. વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે મળીને માત્ર 12 રન કર્યા. કાંગારું માટે મોઝેઝ હેનરિક્સે 3, મિચેલ સ્ટાર્કે 2, જ્યારે એડમ ઝામ્પા અને મિચ સ્વેપ્સને 1-1 વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા માટે મીડિયમ પેસર મોઝેઝ હેનરિક્સે પોતાના ઇન્ટરનેશનલ T-20 કરિયરનો શ્રેષ્ઠ દેખાવ કરતા 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે લોકેશ રાહુલ, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગા કર્યા હતા. પંડ્યા હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 1 સિક્સની મદદથી 16 રન કર્યા હતા.

cricket news australia