આજથી શરૂ થતી ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન કૂલની ખરી કસોટી

26 December, 2014 05:46 AM IST  | 

આજથી શરૂ થતી ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન કૂલની ખરી કસોટી





ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા આજે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાર ટેસ્ટ-મૅચની સિરીઝની ત્રીજી મૅચ રમવા મેદાને પડશે. પહેલી બે ટેસ્ટમાં હાર અને ડ્રેસિંગ રૂમમાં થોડા અસહજ માહોલ વચ્ચે ધોની ઍન્ડ કંપની ત્રીજી મૅચ જીતીને ટેસ્ટ-સિરીઝ જીવંત રાખવા માટે મરણિયા પ્રયાસ કરશે. ઑસ્ટ્રેલિયા ૨-૦થી આગળ હોવાથી એક ટેસ્ટ ડ્રૉ થાય તો પણ ર્બોડર-ગાવસકર ટ્રોફી જીતી લેશે અને ભારતે આ ટ્રોફી પોતાની પાસે જાળવી રાખવી હશે તો બાકીની બન્ને ટેસ્ટ મૅચ જીતવી જ પડશે. આ મેદાન પર ભારત ઑસ્ટ્રેલિયા સામે ૧૧ ટેસ્ટ મૅચ રમ્યું છે જેમાં ભારતે ૧૯૭૭-૭૮ અને છેલ્લે ૧૯૮૧માં જીત મેળવી હતી. આઠ ટેસ્ટ મૅચમાં ભારતનો ભૂંડો પરાજય થયો છે અને એક મૅચ ડ્રોમાં પરિણમી હતી.

યજમાન ઑસ્ટ્રેલિયા ઍડીલેડમાં પહેલી ટેસ્ટમાં ૪૮ રનથી અને બ્રિસ્બેનમાં બીજી મૅચમાં ચાર વિકેટથી જીતી ચૂક્યું છે. ચાર ટેસ્ટની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા બાકીની બેમાંથી એક પણ મૅચ જીતશે કે ડ્રૉ કરશે તો ટ્રોફી જીતી લેશે.

ટીમ ઇન્ડિયાનું કૌવત ક્યાં ગયું?


૨૦૧૧-’૧૨માં ઇંગ્લૅન્ડની ધરતી પરથી શરૂ થયેલી ભારતની વિદેશની ધરતી પરની માઠી દશા હજી સુધરી નથી, કેમ કે આ પહેલાં વિદેશની ધરતી પર રમાયેલી પાંચ ટેસ્ટ-સિરીઝ ભારત હારી ચૂક્યું છે. જીતનો આટલો લાંબો દુકાળ અગાઉ જ્યારે ટીમ ઇન્ડિયા કમજોર ગણાતી અને ૧૯૩૨માં ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે હતો. જ્યારે ભારત વિદેશની ધરતી પર કુલ ૨૧ ટેસ્ટમાંથી ૧૨માં હારી હતી અને સતત ૬ ટેસ્ટ-સિરીઝ ગુમાવી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. હવે ટીમ ઇન્ડિયા બળૂકી છે અને ક્રિકેટ વર્લ્ડમાં એની ધાક છે.

લૉર્ડ્સની જીત છેલ્લું પરાક્રમ

જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કરી ચૂક્યા છે અને યંગસ્ટર્સ વન-ડે અને વ્૨૦ જેવા ફૉર્મેટમાં તો બધાને હંફાવી રહ્યા છે, પરંતુ ટેસ્ટ-મૅચમાં અને એમાંય વિદેશની ધરતી પર ઓછો અનુભવ ધરાવે છે. આ રીતે સાઉથ આફ્રિકાથી ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં નવી ટીમ ઇન્ડિયા ઘણું શીખી હોવાના દાવા ટીમ-મૅનેજમેન્ટ કરી રહ્યું છે, પરંતુ ઇંગ્લૅન્ડમાં લૉર્ડ્સમાં જીત મેળવવા સિવાય ટીમ ઇન્ડિયાએ વિદેશની ધરતી પર ખાસ કાંઈ ઉકાળ્યું નથી એ હકીકત છે.

આક્રમકતા માત્ર વાતોમાં?


ઑસ્ટ્રેલિયા જઈને ટીમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી જોયો હતો અને મેદાન પર આક્રમકતા દાખવી હતી, પરંતુ ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ફિલિપ હ્યુઝનું એક લોકલ મૅચમાં રમતી વખતે બાઉન્સર બૉલ વાગતાં મેદાન પર કરુણ મોત થયા બાદ પહેલી ટેસ્ટ તેને સમર્પિત કરવામાં આવી હતી અને સ્ર્પોટ્સમૅન-સ્પિરિટનું પ્રભુત્વ રહ્યું હતું. પહેલી બે ટેસ્ટમાં ભારતની હાર થઈ હતી.

આ બે ટેસ્ટ દરમ્યાન ભારતના ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મુરલી વિજય અને ઇશાન્ત શર્માએ અલગ-અલગ સમયે આક્રમકતા દાખવી અને ક્યારેક મગજ પરનો કાબૂ પણ ગુમાવ્યો હતો.

હવે સુધરશે?

જોકે હવે ટીમ ઇન્ડિયાને કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનું ફુલટાઇમ માર્ગદર્શન મળતું રહેશે. આજથી શરૂ થતી બૉક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મેદાને પડશે એટલે આક્રમકતાને ડ્રેસિંગ રૂમમાં જ મૂકીને આવશે અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, નહીંતર સિરીઝ ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

કયા બૅટ્સમેનો ફૉર્મમાં છે?


વિરાટ કોહલી અને મુરલી વિજય ફૉર્મમાં છે. તેમણે લાંબી ઇનિંગ્સ માટે તૈયાર રહેવું પડશે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે શરૂઆત સારી કરે છે, પરંતુ હવે તેઓ મોટો સ્કોર કરી બતાવે એ જરૂરી છે.

રોહિતને પડતો મુકાશે?


જોકે ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવનનું ફૉર્મ ચિંતાજનક છે. બે ટેસ્ટમાં માત્ર એક ફિફ્ટી સિવાય એ અપેક્ષા પ્રમાણે રમ્યો નથી. હવે શિખર ધવનને બદલે લોકેશ રાહુલને ટેસ્ટ-કૅપ આપવાની હિંમત કૅપ્ટન કૂલ કરશે કે કેમ એ જોવાનું છે. એમ તો ધોની રોહિત શર્માથી ખાસ્સો પ્રભાવિત છે, પરંતુ બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં તેનો સ્કોર ૪૩, ૬, ૩૨ અને છેલ્લે ઝીરો રહ્યો છે જે તેની પ્રતિભાને અનુરૂપ નથી. એથી ધોની જો સ્ટ્રૅટેજી બદલશે તો રોહિતને પડતો મૂકી શકે છે.

ઇંગ્લૅન્ડમાં ટીમ ઇન્ડિયાએ પાંચ બોલરને ટીમમાં સમાવ્યા હતા અને રોહિતને રમવાનો ચાન્સ નહોતો મળ્યો. ધોની આ વખતે એવું કરશે કે પછી જરૂર પડ્યે સ્પિન બોલિંગ કરી શકતા સુરેશ રૈનાને રોહિતના સ્થાને તક આપશે? આનું કારણ એ છે કે ગુરુવારે પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્માને નવા ખેલાડીની જેમ બૅટિંગ કરાવીને શૉર્ટ લેગ પર ફીલ્ડિંગ માટે ઊભો રખાયો હતો. રૈનાએ નેટ્સમાં રોહિત પહેલાં બૅટિંગ કરી અને કૅચની પણ પ્રૅક્ટિસ કરી હતી. રોહિતે ફીલ્ડિંગ-પ્રૅક્ટિસમાં ભાગ નહોતો લીધો.

ભુવનેશ્વર કુમાર નહીં રમે

ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચો પર ટીમ ઇન્ડિયા પાસે ફાસ્ટ બોલર્સના વિકલ્પ ખૂબ ઓછા છે. ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ઍરોને પ્રૅક્ટિસ ભરપૂર કરી છે. ભુવનેશ્વર કુમાર હવે ફિટ છે અને તેણે બોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ત્રીજી ટેસ્ટમાં કદાચ ધોની તેને લેવાનું જોખમ નહીં લે.

ભારતને અનુકૂળ વિકેટ : પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા મેલબર્ન ટેસ્ટથી વળતો હુમલો કરીને જીતી શકે એવી ક્ષમતા અને ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે. મેલબર્નની ધીમી અને સપાટ વિકેટ ઇન્ડિયાને અનુકૂળ આવે એવી છે.

ઑસ્ટ્રેલિયન ટીમમાં બે ફેરફાર

યજમાન ટીમે બે ટેસ્ટ-મૅચ જીતી લીધા બાદ હવે એને સિરીઝ હારવાનો ખતરો નથી અને મોટા ભાગના ખેલાડીઓ હળવી પ્રૅક્ટિસ કરીને પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશન પણ કરી રહ્યા છે. જોકે ડેવિડ વૉર્નરના અંગૂઠાની ઈજા અને શૉન માર્શના હાથની ઈજાથી ટીમ થોડી પરેશાન છે, પરંતુ તેમને ટીમમાં જાળવી રખાયા છે. ઈજાગ્રસ્ત મિશેલ માર્શની જગ્યાએ જો બન્ર્સને તેમ જ મિશેલ સ્ટાર્કની જગ્યાએ રાયન હૅરિસને ટીમમાં લેવામાં આવશે. હૅરિસ છઠ્ઠા ક્રમ પર રમવા ઉતરશે. એક પછી એક ઈજાગ્રસ્ત ખેલાડીઓને કારણે જ ખરાબ ફૉર્મ છતાં શેન વૉટ્સન અને બ્રૅડ હૅડિનને પણ ટીમમાં જાળવી રખાયા છે.