પહેલી ટેસ્ટ-મૅચ મોકૂફ

30 November, 2014 05:13 AM IST  | 

પહેલી ટેસ્ટ-મૅચ મોકૂફ



પત્રકાર મીટીંગમાં ક્લાર્ક રડી પડ્યો


લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રગ્બી મેચ દરમિયાન પણ ફિલ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


ફિલ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના શહેર મેક્સવિલમાં રાખવામાં આવેલું એક મોટું પોટ્રેટ.





ફિલ હ્યુઝની અચાનક થયેલી વિદાયના દુ:ખમાંથી ક્રિકેટઆલમ હજી બહાર આવી નથી એને પરિણામે આવતા સપ્તાહે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ-મૅચને અચોક્કસ તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ખેલાડીને શ્રદ્ધાંજલિ આપવા માટે કદાચ એ મૅચ રદ કરવામાં આવે એવી શક્યતા છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડે ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘બ્રિસ્બેનમાં ૪ ડિસેમ્બરથી રમાનારી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી મૅચ બુધવારે મૅક્સવિલમાં ફિલ હ્યુઝના યોજાનારા અંતિમ સંસ્કારને કારણે મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમ તથા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જશે.’

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડના CEO જેમ્સ સધરલૅન્ડે કહ્યું હતું કે ‘આ એક અસાધારણ સંજોગ છે. અમે કેવી રીતે આશા રાખી શકીએ કે પોતાના એક સાથીખેલાડીના અંતિમ સંસ્કારમાં ભાગ લીધાના બીજા દિવસે તેઓ ટેસ્ટ-મૅચ રમે. તેમનું કલ્યાણ એ અમારી પ્રાથમિકતા છે. તેઓ દુખી છે ત્યારે તેમને એક ટેસ્ટ-મૅચમાં રમાડવાની આશા રાખવી વધુ પડતી છે. વળી આવા સમયે ભારતીય ક્રિકેટ ર્બોડે પણ આપેલા સમર્થનના અમે આભારી છીએ. આવા વિકટ સમયે તેમણે ઘણી સમજદારી બતાવી છે.’

આ ટેસ્ટ-મૅચ ક્યારે રમાશે એની કોઈ વિગત આપવામાં નથી આવી. જોકે એ મૅચની ટિકિટ જેમણે લીધી હોય તેમને ટિકિટ પોતાની પાસે સાચવી રાખવા જણાવાયું છે. પ્રવાસી ભારતીય ટીમના પ્રવક્તા ડૉ. આર. એન. બાબાએ કહ્યું હતું કે ‘પહેલી ટેસ્ટ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. ટેસ્ટ કદાચ શુક્રવારથી શરૂ થાય.’

જોકે ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટરના થયેલા મૃત્યુને કારણે ઊભા થયેલા માહોલને જોતાં એ રદ થાય એવું પણ બની શકે. એ માટેનો અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે.

ગઈ કાલે સિડનીમાં રાખવામાં આવેલી પત્રકાર-પરિષદમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્ક ભાંગી પડ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું ખેલાડીઓ મૅચ રમી શકે એવી માનસિક સ્થિતિમાં છે? ટીમ ઇન્ડિયા સોમવારે બ્રિસ્બેનમાં જશે. જો મૅચ ન રમાય તો બ્રિસ્બેનમાં એક ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમાશે. બીજી ટેસ્ટ-મૅચ ઍડીલેડમાં યોજાવાની છે. જોકે મૅચ રદ થાય એવા સમાચાર આવે એ પહેલાં ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ-મૅચ માટેની તૈયારીઓ કરી લીધી હતી. તેમણે ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં આખો દિવસ પ્રૅક્ટિસ કરી હતી. ટીમ ઇન્ડિયા બે પ્રૅક્ટિસ મૅચ રમવાનું હતું. શુક્રવારે રમાનારી બે દિવસની મૅચ પણ રદ કરવામાં આવી હતી. ગઈ કાલે હાથ પર બ્લૅક બૅન્ડ બાંધીને ટીમ ઇન્ડિયાએ બંધબારણે પ્રૅક્ટિસ કરી હતી. ઇશાન્ત શર્માએ ઘણા ભારતીય બૅટ્સમનો વિરુદ્ધ બોલિંગ કરી હતી, જેમાં બાઉન્સર પણ ફેંક્યા હતા. એટલે ક્રિકેટ-મૅચમાં બાઉન્સર રહેશે એટલું ચોક્કસ છે. ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ પણ ઘણી પ્રૅક્ટિસ કરી હતી. જોકે ભુવનેશ્વર કુમાર અને વરુણ ઍરોને બોલિંગ નહોતી કરી. તેઓ આ બે બોલરો પર વધુપડતું દબાણ લાવવા નથી માગતા.

હ્યુઝ વગર ડ્રેસિંગરૂમ પહેલાં જેવો નહીં રહે : ક્લાર્ક

ફિલ હ્યુઝને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં અત્યંત ભાવુક બનેલા ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાનો ડ્રેસિંગરૂમ ફિલ વગર પહેલાં જેવો નહીં રહે. સમગ્ર ટીમ વતી એક નિવેદન વાંચતાં માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે ‘ફિલિપ હ્યુઝની વન-ડેનો જર્સી નંબર ૬૪ કોઈ પણ અન્ય ઑસ્ટ્રેલિયન ક્રિકેટરને આપવામાં નહીં આવે. ફિલિપ હ્યુઝની સ્મૃતિ જળવાઈ રહે એ માટે શક્ય એટલી તમામ મદદ કરવાનું વચન મેં તેના પરિવારને આપ્યું છે. દેશ વતી રમતાં ફિલ સૌથી વધુ ખુશ રહેતો. તેનું જોરજોરથી હસવું અને આંખોમાં રહેલી ચમક અમને હંમેશાં યાદ રહેશે. ’

હ્યુઝની બૅટિંગ-સ્ટાઇલ ગિલક્રિસ્ટ જેવી હતી : પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ફિલ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘તેને પડકારનો સામનો કરવાનું ગમતું હતું. વળી તેની બૅટિંગ-સ્ટાઇલમાં ઍડમ ગિલક્રિસ્ટ જેવું સાહસ નજરે પડતું હતું.’

પોતાની કૉલમમાં પૉન્ટિંગે લખ્યું હતું કે ‘જેટલો હું હ્યુઝથી પ્રભાવિત થયો હતો એટલો અન્ય કોઈથી નહોતો થયો. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન તેણે ડેલ સ્ટેનની બોલિંગમાં જે રીતે બૅટિંગ કરી હતી એનાથી હું હેરાન થઈ ગયો હતો.’

ફિલિપ હ્યુઝના અંતિમ સંસ્કાર બુધવારે

માથામાં બૉલ વાગવાને કારણે મરણ પામેલા ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝના અંતિમ સંસ્કાર ત્રીજી ડિસેમ્બરે બુધવારે થશે. તેના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે તેના ન્યુ સાઉથ વેલ્સમાં આવેલા હોમટાઉન મૅક્સવિલેમાં ઑસ્ટ્રેલિયન સમય મુજબ બપોરે બે વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે સાડાઆઠ વાગ્યે) અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફિલિપ હ્યુઝ જે સ્કૂલમાં ભણ્યો હતો એ સ્કૂલના સ્ર્પોટ્સ હૉલમાં તેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. હૉલ બહુ નાનો છે તેમ જ મોટા પ્રમાણમાં લોકો આવશે એવી શક્યતાને કારણે સ્કૂલની બહાર મોટી સ્ક્રીન રાખવામાં આવશે.

તેના અંતિમ સંસ્કારની તમામ વિધિઓનું રેડિયો તથા ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડની વેબસાઇટ પર પણ લાઇવ દેખાડવામાં આવશે. તેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માગતા લોકો માટે એ શહેરમાં પહોંચવા માટે સિડનીથી બે વિશેષ વિમાન-સર્વિસ પણ ચલાવવામાં આવશે, જેમાં વિમાન કંપની નહીં નુકસાન નહીં નફોના ધોરણે ટિકિટભાડું લેશે.