ભારત - ઓસ્ટ્રેલિયા પ્રેક્ટિસ મેચ : બીજો દિવસ બે બૅટ્સમેનો અને બે સ્પિનરોનો

21 December, 2011 09:41 AM IST  | 

ભારત - ઓસ્ટ્રેલિયા પ્રેક્ટિસ મેચ : બીજો દિવસ બે બૅટ્સમેનો અને બે સ્પિનરોનો



કૅનબેરા: સોમવારે મેલબૉર્નમાં શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાંની છેલ્લી પ્રૅક્ટિસ-મૅચમાં ગઈ કાલના બીજા દિવસે ભારત અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ચૅરમૅન્સ ઇલેવન બન્ને ટીમ સરખી સ્થિતિમાં હતી. જોકે આજે છેલ્લા દિવસે મૅચ ડ્રૉ થવાની વધુ શક્યતા છે.

ગઈ કાલે બન્ને ટીમના એક-એક બૅટ્સમૅને સદી ફટકારી હતી, જ્યારે બન્નેના એક-એક સ્પિનરે ટીમમાં સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું.

સોમવારે હાફ સેન્ચુરી સાથે નૉટઆઉટ રહેલા વિરાટ કોહલી (૧૩૨ રન, ૧૭૧ બૉલ, ૨ સિક્સર, ૧૮ ફોર)એ શાનદાર સદીથી ભારતને ૨૬૯ રનનું ટોટલ અપાવ્યું હતું અને મોટી મુસીબતમાંથી બચાવ્યું હતું. તેની સાથે નૉટઆઉટ રહેલો રોહિત શર્મા ૪૭ રનના તેના સ્કોરે આઉટ થઈ ગયો હતો. મહેન્દ્ર સિંહ ધોની માત્ર ૩ રન બનાવી શક્યો હતો. હરીફ ટીમના લેફ્ટી સ્પિનર જૉન હૉલૅન્ડે ૭૦ રનમાં કોહલી સહિત ભારતની છ વિકેટ લીધી હતી. ભારતની છેલ્લી પાંચેય વિકેટ હૉલૅન્ડે લીધી હતી.

ભારતના ૨૬૯ રન સામે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ચૅરમૅન્સ ઇલેવને ૭ વિકેટે ૨૧૪ રન બનાવ્યા હતા જેમાં ઓપનર એડ કૉવન (૧૦૯ રન, ૧૫૪ બૉલ, ૧૬ ફોર)ની સદી સૌથી મોટું આકર્ષણ હતી. કૉવને આ સદી સાથે પ્રથમ ટેસ્ટ માટેની ટીમમાં સમાવેશ માટેનો દાવો મજબૂત કરી દીધો છે.

વૉર્નર બે જ રનમાં આઉટ

કૅપ્ટન અને સૌથી ડેન્જરસ બૅટ્સમૅન ડેવિડ વૉર્નર પાંચ બૉલની ઇનિંગ્સમાં ફક્ત બે રન બનાવીને અભિમન્યુ મિથુનના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેનું ઑફ સ્ટમ્પ દૂર ઊડી ગયું હતું. વનડાઉનમાં ઉસમાન ખ્વાજાએ ૨૦ રન બનાવ્યા હતા.

ધોનીએ પકડ્યા ત્રણ કૅચ

ધોનીએ હરીફ ટીમના કુલ ત્રણ કૅચ પકડ્યા હતા.

ઝહીરને એકેય વિકેટ નહીં

રવિચન્દ્રન અશ્વિને બાવન રનમાં ચાર વિકેટ લીધી હતી. મિથુન ઉપરાંત ઉમેશ યાદવ અને પ્રજ્ઞાન ઓઝાને એક-એક વિકેટ મળી હતી, પરંતુ મુખ્ય બોલર ઝહીર ખાનને ૪૧ રનમાં અને વિનયકુમારને ૧૩ રનમાં એકેય વિકેટ નહોતી મળી.

ઝહીરને ઈજા થઈ?

ઝહીર ખાન ગઈ કાલની રમત પછી તરત જ ફિઝિયોથેરપિસ્ટ સાથે કારમાં જતો જોવા મળ્યો હતો. ઈશાન્ત હજી ઈજામાંથી પૂરો મુક્ત નથી થયો. શેન વૉટ્સને ગઈ કાલે બૅટિંગ કૅમ્પમાં ભાગ નહોતો લીધો