20 September, 2025 10:21 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સાતમી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરીની ઉજવણી કરતો દેવદત્ત પડિક્કલ.
લખનઉના એકાના સ્ટેડિયમમાં આયોજિત ઇન્ડિયા-A અને ઑસ્ટ્રેલિયા-A વચ્ચેની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સના ૫૩૨/૬ના સ્કોર સામે ભારતે વરસાદના વિઘ્ન વચ્ચે ૧૪૧.૧ ઓવરમાં ૫૩૧/૭ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૬ ઓવરમાં ૫૬ રન કર્યા, પણ અંતિમ દિવસ હોવાથી મૅચ ડ્રૉ રહી હતી. ૧૪ ફોર અને એક સિક્સર ફટકારનાર ભારતીય ઓપનર દેવદત્ત પડિક્કલ ૨૮૧ બૉલમાં ૧૫૦ રન ફટકારી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ચોથા અને અંતિમ દિવસે ભારતે ૧૦૪મી ઓવરમાં ૪૦૩-૪ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ૧૩ ફોર અને પાંચ સિક્સર ફટકારનાર ધ્રુવ જુરેલ (૧૯૭ બૉલમાં ૧૪૦ રન)એ ૪૫૦ રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ દેવદત્ત પડિક્કલે નાની-નાની પાર્ટનરશિપની મદદથી ટીમનો સ્કોર ૫૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના આઠ બોલિંગ-વિકલ્પમાંથી સ્પિનર કોરી રોકિઓલી (૧૫૯ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.