29 January, 2026 08:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારત અને પાકિસ્તાનની અંડર 19 ક્રિકેટ ટીમ
ICC અંડર-19 વનડે વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટેની સ્પર્ધા મુશ્કેલ બની છે. તેથી, કઈ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે તે અંગે હવે ઉત્સુકતા પણ વધુ છે. આ કારણે, ભારત-પાકિસ્તાન મૅચનો રંગ પણ વધી ગયો છે. ભારત અને પાકિસ્તાન પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અંડર-19 વનડે વર્લ્ડ કપમાં એકબીજા સામે આવી રહ્યા છે. આ મૅચ ભારત કરતાં પાકિસ્તાન માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાને બે પોઈન્ટ અને નેટ રન રેટનું ગણિત પણ ઉકેલવું પડશે. તેની સરખામણીમાં, ભારતનું ગણિત સરળ છે. ભારત આ મૅચ જીતે કે હારે? તેનાથી કોઈ ફરક પડતો નથી, એવું લાગે છે. આ મૅચ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે દરેક મુદ્દે અશાંતિ અને તણાવ જોવા મળે છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી, ભારતે પાકિસ્તાન સાથે વાત કરવાનું બંધ કર્યું છે, અને હાથ મિલાવવાનું તો દૂરની વાત છે. તેથી, તેમાં કોઈ શંકા નથી કે આ મૅચમાં પણ સમાન પરિસ્થિતિ હશે. પરંતુ આ મૅચ પહેલા એક અલગ ચિત્ર જોવા મળ્યું છે. સ્પર્ધાના વ્યસ્ત સમયપત્રકને કારણે, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં પ્રૅક્ટિસ માટે કોઈ સ્લૉટ ઉપલબ્ધ નથી. તેથી, બન્ને ટીમોને બુલાવાયોના એથ્લેટિક ક્લબમાં સાથે પ્રૅક્ટિસ કરવી પડે છે. હવે ફક્ત પ્રૅક્ટિસ ગ્રાઉન્ડ પર જ નહીં પરંતુ એક જ હૉટેલમાં પણ રોકાવાનો સમય આવી ગયો છે.
ટુર્નામેન્ટમાં ઘણી મૅચો એકસાથે રમાઈ રહી છે. આ કારણે, સુવિધાઓનો અભાવ છે. બન્ને ટીમોને ન ઈચ્છા હોવા છતાં સાથે સમય વિતાવવો પડે છે. મોટી ટુર્નામેન્ટમાં, બન્ને ટીમો અલગથી પ્રૅક્ટિસ કરે છે. પરંતુ આ વખતે, પ્રૅક્ટિસ કૅમ્પમાં બન્ને ટીમોના ખેલાડીઓ મેદાન પર સાથે જોવા મળ્યા હતા. જોકે, બન્ને ટીમોએ એક જ મેદાન પર અલગથી પ્રૅક્ટિસ કરી હતી. ભારતે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગ્રુપ સ્ટેજમાં તેઓએ ત્રણેય મૅચ જીતી હતી. સુપર 6 રાઉન્ડમાં, તેઓએ ઝિમ્બાબ્વેને 204 રનથી હરાવ્યું અને શાનદાર નેટ રન રેટ બનાવ્યો. તેથી, સેમિફાઇનલ રમવાનું ભારતનું ગણિત સરળ થઈ ગયું છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) T20 વર્લ્ડ કપ 2026માં શરૂ કરેલો વિવાદ હવે વધ્યો છે. બાંગ્લાદેશ હવે, તેઓ અંડર-19 વર્લ્ડ કપમાં મુશ્કેલી ઉભી કરવા માટે હવે તૈયારીઓ કરી છે. ભલે તેમની અંડર-19 ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય, BCB એ એક નવું નિવેદન બહાર પાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર અયોગ્ય સમયપત્રકનો આરોપ લગાવ્યો છે. BCB ગેમ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર હબીબુલ બશારે કહ્યું કે બાંગ્લાદેશની ટીમનો પરાજય ફક્ત પ્રદર્શનને કારણે નહીં, પરંતુ ખેલાડીઓ પર વધુ પડતા મુસાફરીના દબાણને કારણે પણ થયો હતો. તેમણે ઇંગ્લૅન્ડ અને ભારત સામેની મૅચોમાં વ્યૂહાત્મક ભૂલો સ્વીકારી, પરંતુ મુસાફરીના સમયપત્રકની અન્યાયી તરીકે ટીકા પણ કરી. હબીબુલ બશારે કહ્યું, "લોકો તેને બહાનું કહી શકે છે, પરંતુ મુસાફરીનું સમયપત્રક એવું હતું કે તે ખેલાડીઓ પર બિનજરૂરી શારીરિક અને માનસિક દબાણ લાવતું હતું."