12 July, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
ગઈ કાલે સાઉથમ્પ્ટનમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી મૅચમાં મૅચ સાંજે ૭ વાગ્યાને સ્થાને ૭.૩૦ વાગ્યે શરૂ થઈ હતી. ટીમ ઇન્ડિયાની બસ ટ્રાફિક જૅમમાં ફસાઈ હોવાથી ૬.૩૦ વાગ્યે ટૉસ થઈ શક્યો નહોતો. ભારતીય ટીમના સભ્યો મેદાનમાં પહોંચ્યા ત્યાર બાદ ૭.૧૫ વાગ્યે ટૉસ થયો હતો. ટૉસ જીતીને કૅપ્ટન શ્રેયસ ઐયરે પહેલાં બોલિંગ પસંદ કરી હતી.
7- ભારતીય T20 કૅપ્ટન તરીકે સતત આટલા ટૉસ જીતવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી શ્રેયસ ઐયરે. ધોની સાથે આવું ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે થયું હતું.
વૈભવ સૂર્યવંશી ડ્રૉપ, સંજુ સૅમસનની ટીમમાં રી-એન્ટ્રી
પાંચમી મૅચમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. પોતાની પહેલી ત્રણ મૅચમાં તેણે ૧૬૮ના સ્ટ્રાઇક-રેટથી પચીસ બૉલમાં ૧ ફોર અને પાંચ સિક્સની મદદથી ૪૨ રન કર્યા હતા. તેણે બે શાનદાર કૅચ પણ પકડ્યા હતા.
વૈભવ સૂર્યવંશીને સ્થાને ઓપનર તરીકે સંજુ સૅમસને ફરી પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી હતી, જ્યારે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરના સ્થાને સૂર્યાંશ શેડગેને રમવાની તક મળી હતી.
ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ માટે શિસ્તના કડક નવા નિયમો લાગુ થયા
ભૂતપૂર્વ કૅપ્ટન બેન સ્ટોક્સના નાઇટક્લબ વિવાદ બાદ ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ માટે આલ્કોહોલ પીવાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના નવા નિયમો હેઠળ મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ મૅચના એક દિવસ પહેલાં, દરમ્યાન અને મૅચ પછીના દિવસે આલ્કોહોલ ન પીએ.
આ માર્ગદર્શિકામાં ઘરઆંગણે અને વિદેશની સિરીઝ દરમ્યાન નાઇટ-કર્ફ્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો ખેલાડીઓ રાત્રે ૧૦ વાગ્યા પછી તેમની હોટેલની બહાર રહે છે તો મૅનેજમેન્ટને જાણ કરવી આવશ્યક છે. તેઓ જાહેરમાં નશાની સ્થિતિમાં દેખાશે તો કડક પગલાં લેવામાં આવશે.