IPL 2022: ગુજરાત ફાઇનલમાં, ટ્રોફીથી એક ડગલું દૂર

25 May, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિલર (અણનમ ૬૮) અને હાર્દિક (અણનમ ૪૦)ની જોડી મૅચવિનર, ‘રૉયલ’ બટલરના ૮૯ રન પાણીમાં

ગુજરાત ટાઈટન્સે આઇપીએલની ક્વૉલિફાયર-વનમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો

કલકત્તામાં ગઈ કાલે સીઝનની સૌથી સફળ અને વિજય માટે ફેવરિટ ગણાતી તેમ જ અનેક મૅચ-ફિનિશર્સ તથા મૅચ-વિનર્સવાળી ટીમ ગુજરાત ટાઇટન્સે (૧૯.૩ ઓવરમાં ૧૯૧/૩) આઇપીએલની ક્વૉલિફાયર-વનમાં રાજસ્થાન રૉયલ્સ (૧૮૮/૬)ને ૭ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સંજુ સૅમસનની ટીમ હવે આજની એલિમિનેટરની વિજેતા ટીમ સામે શુક્રવારે રમશે. ૩ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ-મનીવાળા મિલર (અણનમ ૬૮, ૩૮ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને ૧૫ કરોડવાળા હાર્દિકે (અણનમ ૪૦, ૨૭ બૉલ, પાંચ ફોર) ૧૦૬ રનની અતૂટ ભાગીદારીથી અને મિલરે ત્રણ બૉલમાં સિક્સરથી ગુજરાતની નૈયા પાર પાડી હતી. ઓપનર શુભમન ગિલે ૩૫ રન અને મૅથ્યુ વેડે પણ ૩૫ રન બનાવ્યા હતા. મિલરે છેલ્લી ઓવરમાં જીત અપાવી હતી. બીજો ઓપનર સાહા બૉલ્ટના બૉલમાં ઝીરો પર જ વિકેટ ગુમાવી બેઠો હતો.
એ પહેલાં રાજસ્થાને બૅટિંગ મળ્યા બાદ ફરી એક વાર જૉસ બટલર (૮૯ રન, ૫૬ બૉલ, બે સિક્સર, બાર ફોર)ના સુપર-પર્ફોર્મન્સથી ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. યશસ્વી જૈસવાલ (૩) વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ બટલર અને કૅપ્ટન સૅમસન (૪૭ રન, ૨૬ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની જોડીએ આક્રમક બૅટિંગથી ગુજરાતના બોલર્સ પર વર્ચસ જમાવીને ૬૮ રનની ભાગીદારી કરી હતી. દેવદત્ત પડિક્કલ (૨૮ રન, ૨૦ બૉલ, બે સિક્સર, બે ફોર)નું ફરી સાધારણ યોગદાન હતું. ગુજરાતના બોલર્સમાં રાશિદ ખાન (૪-૦-૧૫-૦)ને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે રાજસ્થાનના બૅટર્સને કાબૂમાં રાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમી, યશ દયાલ, આર. સાઇ કિશોર અને કૅપ્ટન હાર્દિક પંડ્યા એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. અલ્ઝારી જોસેફ (૨-૦-૨૭-૦) પણ વિકેટ વિનાનો રહ્યો હતો. રાજસ્થાને છેલ્લી પાંચ ઓવરમાં ૬૪ રન ખડકી દીધા હતા.

sports news cricket news gujarat titans