"૯૦ના દાયકામાં દરેક દેશની ક્રિકેટ ટીમે મૅચો ફિક્સ કરી હતી"

17 November, 2011 05:43 AM IST  | 

"૯૦ના દાયકામાં દરેક દેશની ક્રિકેટ ટીમે મૅચો ફિક્સ કરી હતી"

 

ફિક્સિંગનો દાનવ એશિયાના દેશો પૂરતો સીમિત નહોતો, બીજા ક્રિકેટ-પ્લેઇંગ દેશોની ટીમોએ પણ એ કૌભાંડમાં હાથ કાળા કર્યા હતા. મને ખાતરી છે કે અમે ૨૦૦૧ની સાલમાં ફિક્સિંગની વિરુદ્ધમાં મોટા પાયે સક્રિય બન્યા એ પહેલાં આખેઆખી મૅચો ફિક્સ કરતું છેલ્લું કૌભાંડ ૨૦૦૧ની સાલમાં બન્યું હશે. ૧૯૯૦થી ૨૦૦૧ સુધીના વષોર્માં રમી ચૂકેલા તમામ પ્લેયરોને ત્યારે શું બની રહ્યું હતું એનું પૂરું ભાન હશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેઓ અવાજ નહીં ઉઠાવી શક્યા હોય.’

સ્પૉટ-ફિક્સિંગ ૨૦૦૩ના વર્લ્ડ કપથીલૉર્ડ પૉલ કૉન્ડન એક સમયે લંડન મેટ્રોપૉલિટન પોલીસ વિભાગના કમિશનર હતા. તેમણે ગઈ કાલે લંડનના ‘ધ ઇવનિંગ સ્ટાન્ડર્ડ’ અખબારને એવું પણ જણાવ્યું હતું કે ‘૨૦૦૧માં અમે ફિક્સિંગ-વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી અને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં એકેએક મૅચ પર બારીકાઈથી નજર રાખી હતી. એમાં આખી મૅચ ફિક્સ કરવાનો કોઈ બનાવ નહોતો બન્યો એટલે મૅચ-ફિક્સિંગને તો અમે ત્યારે સાવ નાબૂદ કરી દીધું હતું એમ કહી શકાય, પરંતુ મને લાગે છે કે એ ટુર્નામેન્ટથી મૅચની ઝીણી-ઝીણી બાબતોને આવરી લેતા સ્પૉટ-ફિક્સિંગની શરૂઆત થઈ હશે. એ વર્લ્ડ કપની એક લીગ મૅચની બે ઓવર દરમ્યાન બે બૅટ્સમેનો અચાનક ફટકાબાજી કરતા અટકી ગયા હતા અને માત્ર એક-બે રન લેતા રહીને ટીમનું રન-મશીન તેમણે ધીમું પાડી દીધું હતું. સ્પૉટ-ફિક્સિંગમાં આવું બધુ જ તો બનતું હોય છે.’

T20એ જ ક્રિકેટરોને ભ્રષ્ટ બનાવ્યા

પ્લેયરોને ભ્રષ્ટ બનાવવામાં T20 ક્રિકેટનું સૌથી મોટું યોગદાન હોવાનું પૉલ કૉન્ડને કહ્યું હતું. તેમણે વેસ્ટ ઇન્ડીઝની સ્ટૅન્ડફર્ડ સુપર સિરીઝ પર તેમ જ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પર આકરા પ્રહારો કર્યા હતા. કૉન્ડનના મતે ‘T20 મૅચોના આગમન સાથે ક્રિકેટનું મોટા પાયે કમર્શિયલાઇઝેશન થતું ગયું એ સાથે જ પ્લેયરો વધુને વધુ ભ્રષ્ટ થવા લાગ્યા હતા. સ્ટૅન્ફર્ડ સિરીઝની ઇનામી-રકમે જ પ્લેયરોને ઝડપથી કરોડો રૂપિયા બનાવી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. એમાં વિજેતા ટીમને બે કરોડ ડૉલર (અંદાજે ૯૦ કરોડ રૂપિયા) મળ્યા હતા, જ્યારે પરાજિત પ્લેયરોને કંઈ નહોતું મળ્યું. એવી ટુર્નામેન્ટોમાં જે પ્લેયરોને ખાસ કંઈ નહોતું મળતું તેમણે ફિક્સિંગનો માર્ગ અપનાવવાની શરૂઆત કરી દીધી હતી.’

૨૦૦૮ની સ્ટૅન્ફર્ડ સુપર સિરીઝની ટ્રોફી ક્રિસ ગેઇલના નેતૃત્વવાળી સ્ટૅન્ફર્ડ સુપરસ્ટાર્સ ટીમે જીતી લીધી હતી. એ ટીમમાં કીરૉન પોલાર્ડ, શિવનારાયણ ચંદરપૉલ, રામનરેશ સરવન, ડૅરેન પોવેલ અને જેરોમ ટેલર જેવા જાણીતા કૅરિબિયન પ્લેયરો હતા. તેમની ટીમે ફાઇનલમાં ઇંગ્લૅન્ડને હાર આપી હતી.

આઇપીએલના મોવડીઓ કૉન્ડન પર ગુસ્સે

પૉલ કૉન્ડને સ્ટૅન્ફર્ડ સિરીઝ અને આઇપીએલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આવી ટુર્નામેન્ટોમાં રમીને કંઇકેટલાય પ્લેયરોએ કરોડો રૂપિયા બનાવ્યા છે. ઇઝી મની કમાઈ લેવાની ભાવના પ્લેયરમાં કેવી રીતે જાગતી હોય છે એનું ઉદાહરણ આપું. ફિક્સિંગની લાલચનો શિકાર બનતા બોલરને સામાન્ય રીતે એવો વિચાર આવતો હોય છે કે હું એકાદબે નો બૉલ ફેંકીશ તો મારી ટીમનું કંઈ નહીં બગડે. આવું હું કરીશ તો પણ અમારી ટીમ જ જીતશે અને હું હીરો થઈ જઈશ.’

પૉલ કૉન્ડને ૨૦૦૮ની આઇસીસીની બોર્ડ-મીટિંગની વાત કરતા કહ્યું હતું કે ‘મેં T20 ક્રિકેટમાં કરોડો રૂપિયાની થતી રેલમછેલ તરફ ક્રિકેટના સત્તાધીશોનું મીટિંગમાં ધ્યાન દોર્યું ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના મોવડીઓ મને આઇપીએલના વિરોધી ગણાવીને મારા પર ગુસ્સે થઈ ગયા હતા. મેં સત્તાધીશોને T20 ક્રિકેટથી નોખો ચોકો કરી લેવાની સલાહ આપતા કહ્યું હતું કે ટેસ્ટક્રિકેટરો જો T20 ક્રિકેટનો શિકાર થઈ જશે તો તેઓ ક્યારેય ટેસ્ટક્રિકેટમાં પાછા નહીં આવે. મારું સજેશન કોઈએ ધ્યાનમાં નહોતું લીધું. ભારતીય મોવડીઓએ મીટિંગમાં કહ્યું હતું કે આવું સૂચન કરવાનો મને કોઈ અધિકાર નથી. આઇપીએલની કાયદેસરતાને હું પડકારી રહ્યો છું એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.’

સ્ટ્રાઉસ માટે કૉન્ડનની ટકોર

ક્રિકેટના કરપ્શનને કાબૂમાં લેવા આઇસીસી પૂરતા પગલાં નથી લઈ રહી એવી ઇંગ્લૅન્ડના ટેસ્ટકૅપ્ટન ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસની તાજેતરની કૉમેન્ટના જવાબમાં લૉર્ડ  પૉલ કૉન્ડને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘સ્ટ્રાઉસનો ગુસ્સો હું સમજી શકું છું. તે અને તેના જેવા કેટલાક પ્લેયરો એવી વ્યક્તિ ઇચ્છે છે કે જે જાદુઈ છડી ફેરવીને ફિક્સિંગને તાબડતોબ સાવ નાબૂદ કરી દે. જોકે આવું બોલવું સહેલું છે, પણ કરવું અઘરું છે. હું તો કહું છું કે સ્ટ્રાઉસ જેવા પ્લેયરોએ ફિક્સિંગના દાનવને નાથવાનો ઉકેલ લાવવામાં આઇસીસીને સક્રિયપણે સાથ આપવો જોઈએ.’