આઇપીએલનો રોમાંચ વધારશે ઇમ્પૅક્ટ પ્લેયર સિસ્ટમ

03 December, 2022 11:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં આ નિયમ લાગુ કરાયો હતો, જેની સફળતા બાદ આઇપીએલમાં પણ એ લાગુ પાડવામાં આવશે

આઇપીએલનો રોમાંચ વધારશે ઇમ્પૅક્ટ પ્લેયર સિસ્ટમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝનની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ૨૩ ડિસેમ્બરે એને માટે હરાજી થવાની છે. કુલ ૯૯૧ ખેલાડીઓ પર ૮૭ સ્પૉટ માટે બોલી લગાવવામાં આવશે. દરમ્યાન આગામી સીઝનમાં આઇપીએલના નિયમમાં એક એવો ફેરફાર કરવામાં આવશે જેનાથી રમતની મજા બેવડાશે. ક્રિકેટ બોર્ડ આ સીઝનથી ઇમ્પૅક્ટ પ્લેયર નિયમ લાગુ કરશે, જે અંતર્ગત ટૉસ દરમ્યાન કૅપ્ટન ૧૧ને બદલે ૧૫ ખેલાડીઓનાં નામ બતાવશે. આ ૪ ખેલાડીઓ પૈકી એકનો દરેક ટીમ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. હાલમાં આ નિયમને સઈદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં લાગુ કરવામાં આવ્યો છે. 

શું છે આ નિયમ?
ઇમ્પૅક્ટ પ્લેયર ૧૧ પૈકી કોઈની પણ જગ્યા લઈ શકે છે, પરંતુ આ કામ બન્ને ઇનિંગ્સની ૧૪મી ઓવર સુધી જ કરી શકાશે, ત્યાર બાદ નહીં. ૧૪મી ઓવર સુધી કોઈ ઇમ્પૅક્ટ પ્લેયર આવે તો બોલિંગમાં ચાર ઓવર નાખી શકે અથવા બૅટિંગ કરી શકે, વળી આ ખેલાડી જે ખેલાડીને બદલે આવે એનો મૅચના રોલમાં કોઈ ફરક નહીં પડે. જો એક બોલરે ૧૪ ઓવર પૂરી થાય એ પહેલાં ૩ ઓવર બોલિંગ કરી છે તો એને બદલે આવનાર ઇમ્પૅક્ટ પ્લેયર પોતાની ૪ ઓ‍વરનો ક્વોટા પણ પૂરો કરી શકે. વળી કોઈ બૅટર આઉટ થઈ ગયો હોય તો તેનું સ્થાન ઇમ્પૅક્ટ પ્લેયર લઈ રહ્યો હોય તો તે બૅટિંગ પણ કરી શકશે. વન-ડે ક્રિકેટમાં ૨૦૦૫થી ૨૦૦૬ વચ્ચે સુપર સબ સિસ્ટમ લાવવામાં આવી હતી. બિગ બૅશ લીગમાં એક્સ-ફૅક્ટર રૂલ ચાલે છે, જે મુજબ કોઈ પણ ટીમ મૅચની પહેલી ૧૦ ઓવર બાદ એક ખેલાડીને બદલી શકશે. 

ipl 2022 indian premier league cricket news sports news sports