કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટના ચમચા બનો તો ટીમમાં ટકો : જુનૈદ ખાન

06 May, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના લેફ્ટ આર્મ પેસર બોલર જુનૈદ ખાન માને છે કે પાકિસ્તાન ક્રિકેટમાં ખેલાડીઓ હંમેશાં અસલામત જ રહેવાના છે અને આરોપ કર્યો હતો કે જો તમારે ટીમમાં ટકી રહેવું હોય તો કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટના ચમચા બનવું પડે.

જુનૈદ ખાન

પાકિસ્તાનના લેફ્ટ આર્મ પેસર બોલર જુનૈદ ખાન માને છે કે પાકિસ્તાન ક્રિકેટમાં ખેલાડીઓ હંમેશાં અસલામત જ રહેવાના છે અને આરોપ કર્યો હતો કે જો તમારે ટીમમાં ટકી રહેવું હોય તો કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટના ચમચા બનવું પડે. ૩૧ વર્ષના જુનૈદે ૨૨ ટેસ્ટ, ૭૬ વન-ડે અને ૮ ટી૨૦ મૅચમાં કુલ ૧૯૦ આસપાસ વિકેટ લીધી છે અને મે ૨૦૧૯થી તેને એકેય ફૉર્મેટમાં મોકો નથી મળ્યો. 

એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે ‘આ એવું છેને કે જો તમે કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટ સાથે સારા સંબંધ રાખો તો જ તમને બધા ફૉર્મેટમા તમારી ટૅલન્ટ સિદ્ધ કરવા માટે પ્રૉપર મોકો મળે. જો એમ ન કરો તો આવન-જાવન માટે તમારે તૈયાર રહેવું પડે.’   

જૈનેદે આરોપ કર્યો હતો કે ‘મારા સાતત્યભર્યા પર્ફોર્મન્સ છતાં મને લાંબા સમય માટે ટીમમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. એક સમયે ત્રણેય ફૉર્મેટમાં હું રમી રહ્યો હતો. ત્યારે હું થોડા આરામ માટે વિનંતી કરતો હતો, પણ નહોતો મળતો. પણ પછી ગમો-અણગમો થવા લાગ્યો અને મને ડ્રૉપ કરી દેવામાં આવ્યો.’ 

જુનૈદે છેલ્લે કહ્યું કે ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં મેં હસન અલી બાદ સેકન્ડ હાઇએસ્ટ વિકેટ લીધી હોવા છતાં ૨૦૧૯ના વર્લ્ડ કપમાં મારી અવગણના કરવામાં આવી હતી, કારણ એકમાત્ર હતું કે મારે સિલેક્ટરો સાથે સંબંધ સારો નહોતો.’

cricket news sports news pakistan