જો ભારતીય પ્લેયર્સ હાથ મિલાવવા નથી માગતા તો મને પણ કોઈ શોખ નથી : મોહસિન નકવી

31 December, 2025 11:42 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

આતંકવાદીઓને શરણ આપવા માટે જાણીતા પાકિસ્તાનના આ ગૃહમંત્રીએ પાકિસ્તાન ક્રિકેટને રાજકારણમુક્ત બતાવવાનો લૂલો પ્રયાસ કર્યો હતો

મોહસિન નકવી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીએ મેદાન પર પાકિસ્તાન પ્રત્યેના ભારતીય પ્લેયર્સના કડક અભિગમ વિશે મોટી કમેન્ટ કરી છે.  આતંકવાદીઓને શરણ આપવા માટે જાણીતા પાકિસ્તાનના આ ગૃહમંત્રીએ પાકિસ્તાન ક્રિકેટને રાજકારણમુક્ત બતાવવાનો લૂલો પ્રયાસ કર્યો હતો.

લાહોરમાં એક પત્રકાર પરિષદમાં મોહસિન નકવીએ કહ્યું કે ‘પાકિસ્તાનના વડા પ્રધાને મને બે વખત કહ્યું છે કે આપણે ક્રિકેટ જેવી રમતોમાં રાજકારણને આવવા દેવું જોઈએ નહીં. પહેલા દિવસથી જ અમારું વલણ એવું રહ્યુ છે કે ક્રિકેટ અને રાજકારણ અલગ રહેવાં જોઈએ. તેઓ સતત ખેલભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો તેઓ હાથ મિલાવવા માગતા નથી તો અમને પણ કોઈ શોખ નથી હાલ મિલાવવાનો. ભારત સાથે સમાનતાના ધોરણે જ કામ થશે. એવું શક્ય નથી કે તેઓ કંઈક કરે અને આપણે પીછેહઠ કરીએ. એવું બિલકુલ નહીં થાય.’

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય અન્ડર-19 ટીમના ઉગ્ર વર્તનની ફરિયાદ કરવા માટે ICCને લેટર પણ મોકલ્યો છે. ભારતીય સિનિયર ટીમને હજી સુધી એશિયા કપ ટ્રોફી કેમ નથી મળી એ સવાલનો જવાબ આપવાનું મોહસિન નકવીએ ટાળ્યું હતું.

pakistan india cricket news sports sports news indian cricket team mohsin naqvi