તમે હવે મેદાન પરના અમ્પાયરોની વાત સાંભળી શકશો

13 November, 2014 03:37 AM IST  | 

તમે હવે મેદાન પરના અમ્પાયરોની વાત સાંભળી શકશો





ICCએ અમ્પાયરિંગને વધુ પારદર્શક બનાવવાના હેતુથી અમ્પાયરો વચ્ચે થનારી વાતચીતને પણ પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. ICCના આ નિર્ણયથી હવે ટીવી-અમ્પાયર તથા મેદાનમાં રહેનારા અમ્પાયરો વચ્ચે થનારી વાતચીત પણ દર્શકો સાંભળી શકશે. વેબસાઇટ www.espncricinfo.com ના જણાવ્યા પ્રમાણે અમ્પાયરો વચ્ચે થનારી વાતચીતનું પ્રસારણ ઑસ્ટ્રેલિયા તથા સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી વન-ડે સિરીઝમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવશે. એમાં અમ્પાયરો વચ્ચે થતી વાતચીત, ચર્ચા અને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) પ્લેયર રિવ્યુઝ દરમ્યાનની તમામ વાતો દર્શકો સાંભળી શકશે.

આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થનારા વર્લ્ડ કપની કેટલીક મૅચોમાં પણ એને લાગુ પાડવામાં આવી શકે છે. કાલથી શરૂ થનારી પાંચ મૅચની વન-ડે સિરીઝ દરમ્યાન સ્પોર્ટ્સ ચૅનલ નાઇન નેટવર્ક અમ્પાયરો વચ્ચે થનારી વાતચીત વચ્ચે-વચ્ચે પ્રસારિત કરશે. ICCના આ નિર્ણયને કારણે દર્શકોના મનમાં અમ્પાયરો દ્વારા લેવામાં આવતા નિર્ણયોની રહસ્યમય પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી વર્લ્ડ કપની ફાઇનલમાં જો મૅચ ટાઇ થાય અથવા વરસાદને કારણે ધોવાઈ જાય તો ફાઇનલમાં આવેલી બન્ને ટીમો વચ્ચે વર્લ્ડ કપ શૅર કરવામાં આવશે અને કોઈ પણ જાતની સુપરઓવર નાખવામાં નહીં આવે.