પાકિસ્તાનના પ્લેયરોને ટી૨૦ વર્લ્ડ કપના વિઝા મળે એ માટે ICC વાત કરે

20 October, 2020 04:02 PM IST  |  Mumbai | PTI

પાકિસ્તાનના પ્લેયરોને ટી૨૦ વર્લ્ડ કપના વિઝા મળે એ માટે ICC વાત કરે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને તાજેતરમાં જણાવ્યું છે કે આવતા વર્ષે ભારતમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે પીસીબીએ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથેનો વિઝાનો મુદ્દો આઇસીસી સુધી પહોંચાડ્યો છે અને આ મુદ્દે આઇસીસી પીસીબીને સહકાર કરે એવી અરજી કરી છે. નજીકના સમયમાં અને ૨૦૨૩માં શરૂ થતા નવા ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)માં ભારત-પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય સીરીઝની કોઈ સંભાવના ન હોવાનું વસીમ ખાને જણાવ્યું હતું.
વસીમ ખાને કહ્યું કે ‘આ આઇસીસીનો મુદ્દો છે. અમે અમારો પક્ષ તેમની સામે મૂકી દીધો છે. હોસ્ટ કન્ટ્રીએ તેમને ત્યાં વર્લ્ડ કપ રમવા આવનાર દરેક ટીમને વિઝા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે અને પાકિસ્તાન એમાંની એક છે. અમને આઇસીસી પાસેથી વિશ્વાસ પ્રાપ્ત થયો છે કે અમારા પ્લેયર્સને વિઝા અને અન્ય સુવિધા મળી રહેશે. આઇસીસી બીસીસીઆઇ સાથે આ સંદર્ભે ચર્ચા કરશે. અમે આ બાબતે અંતિમ નિર્ણય મેળવવાની ડેડલાઇન ડિસેમ્બર-જાન્યુઆરી રાખી છે, જે અમારા મતે પૂરતી નથી. અમે આશા રાખીએ છીએ કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા અમારા પ્લેયર્સ અને અધિકારીઓને વિઝા મળી રહેશે. જો વિઝા ન મળે તો અમે અન્ય દેશની જેમ ઇચ્છા રાખીએ છીએ કે આઇસીસી આ સંદર્ભે બીસીસીઆઇ સાથે વાત કરે અને સમસ્યાનું સમાધાન આણે.’
આ ઉપરાંત પીસીબીએ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને પોતાના દેશમાં ટૂર પર આવવાનું આમંત્રણ મોકલ્યું છે, જેનો કોઈ જવાબ હજી સુધી પ્રાપ્ત થયો નથી.

cricket news pakistan t20